બ્યુટી-પ્રોડક્ટ્સને બનાવો હવે ફૅશન-ઍક્સેસરીઝ

24 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવી જ એક બીજી વસ્તુ એટલે સનસ્ક્રીન. દિવસમાં દર ત્રણ-ચાર કલાકે સનસ્ક્રીન લોશન અપ્લાય કરવાનું હોય ત્યારે ઘણા લોકો એને બૅગની અંદર પોતાની સાથે રાખીને ફરતા હોય છે

બ્યુટી-પ્રોડક્ટ્સને બનાવો હવે ફૅશન-ઍક્સેસરીઝ

એ જમાનો ગયો જ્યારે સ્કિન-કૅર અને બ્યુટી-પ્રોડક્ટ્સને એક પાઉચમાં કે પર્સમાં છુપાવીને રાખવામાં આવતી. આજકાલ તો એનો ફૅશન-ઍક્સેસરી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે અને ગર્વથી એને ફ્લૉન્ટ કરવામાં આવે છે

અમેરિકન મૉડલ અને બિઝનેસવુમન હેઇલી બીબરે થોડા સમય પહેલાં બીચ-ફોટોઝ શૅર કરેલા, પણ એમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેણે પહેરેલું લિપબામ ચેઇન હોલ્ડર. તેણે કમરમાં પહેરેલી ગોલ્ડન ચેઇન અને એની સાથે અટૅચ્ડ લિપબામ હોલ્ડરનો આઇડિયા બીચ-ઍક્સેસરી તરીકે લોકો પસંદ કરી રહ્યા છે. આ કંઈ પહેલી વાર નથી બન્યું કે તેણે તેના લિપબામનો ફૅશન-એક્સેસરી તરીકે ઉપયોગ કર્યો હોય. અગાઉ ૨૦૨૪માં પણ તે એવા ફોનકવર સાથે જોવા મળી હતી જેમાં પાછળ લિપબામ હોલ્ડર હોય. બદલાતા સમય સાથે લિપબામ ફક્ત દૈનિક જરૂરિયાતની સ્કિન-કૅરની વસ્તુ નથી રહી, પણ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયું છે.

આવી જ એક બીજી વસ્તુ એટલે સનસ્ક્રીન. દિવસમાં દર ત્રણ-ચાર કલાકે સનસ્ક્રીન લોશન અપ્લાય કરવાનું હોય ત્યારે ઘણા લોકો એને બૅગની અંદર પોતાની સાથે રાખીને ફરતા હોય છે. જોકે હવે સનસ્ક્રીનને બૅગની અંદર નહીં પણ બૅગની બહાર લટકાવવાની ફૅશન છે. તમે જોશો તો અનેક બ્યુટી-બ્રૅન્ડ્સ છે જે મિની સનસ્ક્રીન વેચે છે જે કલરફુલ ટ્યુબ્સ, કૉમ્પૅક્ટ સનસ્ક્રીન સ્ટિક્સ, રોલ-ઑનના ફૉર્મમાં આવે છે જેની સાથે એક કીચેઇન હોય છે. એટલે તમે આ સનસ્ક્રીનને બૅગ પર લટકાવી શકો. એવી જ રીતે આજકાલ ઘણી બ્રૅન્ડ્સ લિપ-ગ્લૉસ, લિપસ્ટિક માટે મિની બૅગ્સ બનાવી રહી છે. આ બૅગને તમે કીચેઇનની જેમ તમારા પર્સ, જીન્સ વગેરે પર લટકાવીને ફૅશન-ઍક્સેસરી તરીકે એનો ઉપયોગ કરી શકો છો.

સ્કિન-કૅર અને બ્યુટી-પ્રોડક્ટ્સને ફૅશન-ઍક્સેસરી તરીકે ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એ હવે ફક્ત એવી વસ્તુઓ નથી રહી કે એને લગાવીને નીકળી જાઓ, પણ હવે એ લુક અને સ્ટાઇલનો હિસ્સો બની ગઈ છે. આમાં સેલ્ફ-કૅરને સ્ટાઇલ સાથે જોડવામાં આવે છે. હવે બ્રૅન્ડ્સ ફક્ત પ્રોડક્ટ વેચવા પર ધ્યાન નથી આપતી, એ પ્રોડક્ટ્સને વેઅરેબલ બનાવે છે જેથી એ એસ્થેટિક લુક આપે.

fashion beauty tips skin care fashion news life and style columnists gujarati mid day mumbai