જગતના નાથે જ્યાં પાટી-પેન પકડ્યાં

04 September, 2026 07:08 PM IST  |  Ujjain | Rashmin Shah

બાળકૃષ્ણની નટખટ લીલાથી માંડીને કંસના વધ અને કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં ભગવદ્ગીતાનું જ્ઞાન આપનારા કૃષ્ણનો સૌથી ઓછો જાણીતો જો જીવનકાળ હોય તો એ તેમનો વિદ્યાર્થીકાળ છે. ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ભણનારા કૃષ્ણના શિક્ષણકાળના પ્રસંગો વિશે જાણવા જેવું છે

સાંદીપનિ આશ્રમ

મથુરાની જેલમાંથી ગોકુળ અને ગોકુળથી ફરી મથુરા જવાની કૃષ્ણની જર્ની જગત આખું જાણે છે. જગત એ પણ જાણે છે કે મામા કંસનો અત્યાચાર વધતાં કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા આવ્યા અને મથુરા આવીને તેમણે કંસનો વધ કરીને મથુરાવાસીઓને અત્યાચારમાંથી મુક્ત કર્યા, પણ પછી? પછીના કૃષ્ણકાળની વાત નીકળે એટલે ફરી કૃષ્ણ પાંડવોના સારથિ તરીકે આંખ સામે આવી જાય. જોકે આ બન્ને તબક્કા વચ્ચે કૃષ્ણનો વિદ્યાર્થીકાળ આવ્યો જેને ભાગવતકારો કૃષ્ણકથાનો સૌથી મનોહર, ગંભીર અને માનવજીવનને સર્વોચ્ચ સંદેશ આપતો અધ્યાય ગણાવે છે. જરા વિચારો કે સ્વયં બ્રહ્મા જેના ઇશારે બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન થાય, જે પોતે સર્વજ્ઞ છે એ ઈશ્વર હાથમાં પાટી અને પેન લઈને ગુરુકુળમાં ગુરુનાં ચરણોમાં બેસે અને ભણવાનું શરૂ કરે. 
મથુરામાં ઉગ્રસેનને ગાદી સોંપ્યા પછી વસુદેવ અને દેવકી સમક્ષ પહેલો પ્રશ્ન એ આવ્યો કે કૃષ્ણ ગોકુળમાં ગોવાળો સાથે ઊછર્યા હતા, ક્ષત્રિય રાજકુમાર તરીકે તેમના યજ્ઞોપવીત સંસ્કાર સંપન્ન થયા; પણ શાસ્ત્ર અને શસ્ત્રનું વિધિવત્ શિક્ષણ તેમનું બાકી હતું. 
એ સમયે અવંતિકાનગરી એટલે આજના મધ્ય પ્રદેશનું ઉજ્જૈન જ્ઞાન, સંસ્કૃતિ અને ખગોળશાસ્ત્રનું મુખ્ય સેન્ટર ગણાતું. અવંતિકામાં કશ્યપમુનિના દીકરા મહર્ષિ સાંદીપનિનો શિપ્રા નદીના કિનારે આશ્રમ હતો. મહર્ષિ સાંદીપનિ વેદ-વેદાંગ, શસ્ત્રવિદ્યા, અસ્ત્ર-સંચાલન, રાજનીતિ અને અધ્યાત્મદર્શનના પ્રખર જાણકાર એટલે વસુદેવે કૃષ્ણ અને બલરામને ભણવા માટે ઉજ્જૈન મોકલ્યા. ત્યાં કૃષ્ણે માત્ર ભણવાનું જ નહીં, આશ્રમ અને ગુરુ દ્વારા તેમને આપવામાં આવતાં એ તમામ કામો પણ કર્યાં. અરે, ૧૧‍ વર્ષની ઉંમરે આશ્રમ માટે રોજ સમિધા (રસોઈઘરમાં બળતણ માટે વપરાતાં લાકડાં) વીણવાનું કામ પણ કરતા. 
આજથી લગભગ ૫૨૬૬ વર્ષ પહેલાં જ્યારે ૧૧ વર્ષના કૃષ્ણ આશ્રમ પર પહોંચ્યા ત્યારે ગુરુ સાંદીપનિએ સૌથી પહેલાં તો કૃષ્ણને વિદ્યારંભ સંસ્કાર આપ્યા. એમાં ગુરુ સાંદીપનિએ કૃષ્ણ પાસે ૩ મંત્રો લખાવ્યા હતા જેને ગુરુમંત્ર કહે છે. ગુરુમંત્ર ક્યારેય અન્ય કોઈને આપી કે કહી નથી શકાતો. કહે છે કે કૃષ્ણે આજીવન એ ગુરુમંત્ર કોઈને કહ્યા નથી. દુનિયાની ભગવદ્ગીતાનું જ્ઞાન આપનારા કૃષ્ણને ગુરુમંત્રમાં શું મળ્યું હતું એ વાતથી આજે પણ દુનિયા અજાણ છે.

૬૪ દિવસનો ચમત્કાર

સામાન્ય માણસ એક શાસ્ત્ર શીખવામાં આખો જન્મારો નાખી દે, પણ અહીં તો ગુરુ અદ્ભુત અને શિષ્ય અદ્વિતીય. ગુરુ સાંદીપનિ એક વાર જે શ્લોક બોલતા એ જ ક્ષણે કૃષ્ણ એને આત્મસાત્ કરી લેતા અને એ જ કારણે કૃષ્ણ અને બલરામે માત્ર ૬૪ દિવસમાં ૧૪ વિદ્યાઓ અને ૬૪ કળાઓ સંપૂર્ણપણે આત્મસાત્ કરી લીધી. ઉજ્જૈન આશ્રમના પૂજારી પરંપરા અને પૌરાણિક સંદર્ભો અનુસાર આ ૬૪ દિવસોમાં કૃષ્ણ શું-શું ભણ્યા અને એ ભણવામાં તેમને કેટલા દિવસ લાગ્યા એનું ગણિત (જુઓ બૉક્સ) જાણવા જેવું છે. જે ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે પ્રગટ થઈ એનું મૂળ બીજ ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં રોપાયું હતું. સાંદીપનિ આશ્રમમાં મેળવેલું જ્ઞાન અને ચિંતન જ ભગવદ્ગીતા સ્વરૂપે બહાર આવ્યાં અને કૃષ્ણ જગદ્ગુરુ કહેવાયા.
આ જ આશ્રમમાં અંકપાત શિલા હતી જે આજે પણ હયાત છે. આ અંકપાત શિલા વિશે જાણવા જેવું છે.

૬૪ દિવસમાં કૃષ્ણ શું ભણ્યા?

આજના સમયમાં તો આટલા દિવસમાં બાળકને સ્કૂલે જવાની આદત નથી પડતી, પણ કૃષ્ણે માત્ર ૬૪ દિવસમાં આખી ભગવદ્ગીતા આપી શકાય એ સ્તરનું જ્ઞાન મેળવી લીધું હતું. આ દિવસો દરમ્યાન ધનુર્વિદ્યા, ગદાયુદ્ધ, રથસંચાલન, અશ્વપરીક્ષા, રાજનીતિ, મંત્રવિદ્યા અને ગુરુસેવા તથા આશ્રમસેવાનું કાર્ય પણ કર્યું. છેલ્લા ૨૦ દિવસ દરમ્યાન તેમણે મેળવેલું તત્ત્વજ્ઞાન અને કર્મયોગનું ચિંતન જ ભગવદ્ગીતા બની. આશ્રમના પૂજારી રૂપમ વ્યાસ એ ૬૪ દિવસનું ટાઇમટેબલ આપે છે, જે નીચે મુજબ છે :

દિવસો    ગ્રહણ કરેલું જ્ઞાન અને અધ્યયન

૧૮ દિવસ    ૧૮ મહાપુરાણોનું ગૂઢ રહસ્ય અને ઇતિહાસ
૪ દિવસ    ૪ વેદ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) અને ઋચાઓ
૬ દિવસ    ૬ શાસ્ત્રો (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત)
૧૬ દિવસ    ૧૬ કળાઓ (સંગીત, નૃત્ય, ચિત્રકળા, નાટ્ય, આયુર્વેદ, ગણિત વગેરે)
૨૦ દિવસ    પરમ તત્ત્વજ્ઞાન અને કર્મયોગનું ચિંતન

વાત અંકપાત શિલાની

ઉજ્જૈન રેલવે-સ્ટેશનથી આશરે ૭ કિલોમીટર દૂર મંગલનાથ રોડ પર આવેલા આ આશ્રમની આસપાસનો વિસ્તાર અંકપાત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આશ્રમના પરિસરમાં એક મહાકાય પથ્થર છે જેના પર એકથી ૧૦૦ સુધીના પ્રાચીન અંકો કોતરેલા જોવા મળે છે. કહે છે કે ગુરુ સાંદીપનિ એ શિલા પર અંકો લખતા અને તેમની સામે બેસીને કૃષ્ણ એ આંકડાઓ પાકા કરતા. પથ્થર પર કોતરાયેલા એ આંકડાઓ મારફત કૃષ્ણ એકથી ૧૦૦ સુધીની ગણતરી અને ગણિત શીખ્યા. આ જ કારણે આ શિલાને અંકપાત શિલાનું નામ મળ્યું.
કૃષ્ણ પોતાની પાટી પર જે અક્ષરો અને આંકડાઓ લખતા એને ધોવા માટે તે આશ્રમના પાણીનો ઉપયોગ કરતા. ભગવાન દ્વારા પાટી પર લખેલા એ ‘અંક’ આ જળમાં ‘પાત’ (લુપ્ત/ધોવાઈ)ને સમગ્ર ભૂમિમાં ભળી ગયા હોવાથી કાળક્રમે આ આખા વિસ્તારને અંકપાત નામ મળ્યું.

ગોમતીનો કર્યો ઉદય

પહેલાંના સમયમાં આશ્રમ માત્ર શિક્ષણ માટે જ નહોતા. ત્યાં યુદ્ધકલાથી માંડીને સેવા અને દયાભાવના પણ શીખવવામાં અને સમજાવવામાં આવતી. 
વૃદ્ધાવસ્થામાં પહોંચેલા મહર્ષિ સાંદીપનિએ તેમના નિત્યક્રમ, સ્નાન અને સંધ્યાવંદન માટે ઘણું દૂર જવું પડતું. કૃષ્ણથી ગુરુજીનું આ નિયમિત શારીરિક કષ્ટ જોવાયું નહીં એટલે એક સવારે ગુરુજી સ્નાન કરવા નીકળે એ પહેલાં કૃષ્ણએ જમીનમાં બાણ માર્યું અને ક્ષણવારમાં પાતાળમાંથી ગોમતી નદીની જળધારા પ્રગટ થઈ ગઈ અને આખો કુંડ ભરાઈ ગયો. આજે પણ ઉજ્જૈનના સાંદીપનિ આશ્રમમાં ગોમતીકુંડ છે તો સ્કંદપુરાણ આશ્રમના પૂજારીનું કહેવું છે કે કુંડના કિનારે આજે પણ કૃષ્ણના પગની નિશાની છે.

કૃષ્ણની ગુરુદક્ષિણા

આગળ કહ્યું એમ કૃષ્ણે અભ્યાસક્રમ માત્ર ૬૪ દિવસમાં જ પૂરો કરી લીધો હતો. એ સમયે આશ્રમથી જતા વિદ્યાર્થીએ પોતે ગુરુદક્ષિણા આપવાની રહેતી. કૃષ્ણે પણ ગુરુ સાંદીપનિ સમક્ષ ગુરુદક્ષિણા આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સાંદીપનિએ જવાબ આપ્યો હતો કે ‘જે જગતનો માલિક છે તેની પાસેથી હું શું માગવાનો. નારાયણે મારી પાસે જે વિદ્યા ગ્રહણ કરી એ જ મારી સૌથી દક્ષિણા.’ 
કૃષ્ણે ગુરુ-શિષ્ય મર્યાદા જાળવવા દક્ષિણા લેવાનો આગ્રહ રાખ્યો ત્યારે ગુરુએ ગુરુમાતા શુશ્રૂષાને પૂછવા કહ્યું અને ગુરુમાતાએ કહ્યું કે જો તમે ખરેખર કંઈક આપવા માગતા હો તો વર્ષો પહેલાં પ્રભાસ પાટણ (સોમનાથ)ના દરિયામાં ડૂબી ગયેલા મારા દીકરા પુનર્દત્તને પાછો લાવી આપો.
કૃષ્ણે વચન આપ્યું અને પ્રભાસ પાટણ પહોંચ્યા. ત્યાં તેમને ખબર પડી કે સમુદ્રના પેટાળમાં પંચજન શંખાસુર નામનો અસુર છે જે પુનર્દત્તને ગળી ગયો છે. કૃષ્ણ અને પંચજન વચ્ચે યુદ્ધ થયું અને પંચજનનું મોત થયું, જેનાં અસ્થિમાંથી પાંચજન્ય શંખ પ્રગટ થયો જે આજીવન કૃષ્ણની ઓળખ બની રહ્યો. અલબત્ત, ગુરુ સાંદીપનિનો દીકરો તો યમલોક પહોંચી ગયો હતો. કૃષ્ણ યમલોક ગયા અને ત્યાંથી પુનર્દત્તને પાછો લાવી ગુરુ-માતાના હાથમાં ગુરુદક્ષિણા મૂકી અને પહેલી વખત પાંચજન્ય શંખ તેમણે આશ્રમમાં વગાડ્યો.

વિદ્યાર્થી મુદ્રામાં પલાંઠીવાળીને બેઠેલા શ્રીકૃષ્ણ

સામાન્ય રીતે મંદિરોમાં કૃષ્ણની ઊભી અને વાંસળી વગાડતી મૂર્તિ હોય છે તો અનેક જગ્યાએ વિશ્વરૂપના હાથમાં સુદર્શન સાથેના કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ રાખવામાં આવે છે, પણ સાંદીપનિ આશ્રમ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ગુરુ સાંદીપનિની સાથે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામા વિદ્યાર્થી તરીકે બેઠેલી મુદ્રામાં હાથમાં પાટી-પેન સાથે છે.
સાંદીપનિ આશ્રમની બીજી પણ એક ખાસ વાત છે.
આશ્રમના પાછળના ભાગમાં આશરે ૬૦૦૦ વર્ષ જૂનું શ્રી સર્વેશ્વર (કુંડેશ્વર મહાદેવ)નું અતિ પ્રાચીન શિવાલય છે જેની સ્થાપના ખુદ મહર્ષિએ કરી હતી. સમગ્ર વિશ્વનાં તમામ શિવાલયોમાં નંદી બેઠેલા હોય, પણ અહીં નંદીજી ઊભેલી મુદ્રામાં છે. માન્યતા છે કે જ્યારે જગતના નાથ કૃષ્ણ આશ્રમમાં ભણવા માટે આવ્યા ત્યારે બિરાજમાન નંદીએ સ્વયં ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું અને પછી એ જ અવસ્થામાં એટલે કે ઊભેલી મુદ્રામાં એ રહ્યા.

શું છે હરિ-હર મિલન?

ઉજ્જૈનના રાજાધિરાજ એવા મહાકાલને જ્યારે ખબર પડી કે કૃષ્ણ સાંદીપનિ આશ્રમમાં ભણવા આવે છે ત્યારે મહાકાલ હરિને મળવા ગયા હતા. એ દિવસની યાદમાં સદીઓથી હરિ-હર મિલન ઊજવવામાં આવે છે. એમાં દર વર્ષે વૈકુંઠ ચતુર્દશી એટલે કે કારતક સુદ ચૌદસના દિવસે મહાકાલને તુલસીપત્ર અને શ્રીકૃષ્ણને બીલીપત્ર ચડાવવામાં આવે છે જે દર્શાવે છે કે હરિ અને હર ફરી એકબીજાને મળ્યા.

janmashtami ujjain hinduism indian mythology religion religious places culture news lifestyle news life and style Rashmin Shah