ગીરનાં શિવાલયો- આધ્યાત્મિકતા સાથે ઍડ્વેન્ચરની અનુભૂતિ

25 August, 2024 12:56 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગીરના રોમાંચક જંગલમાં અનેક શિવાલયો પુરાણ કાળથી અસ્તિત્વમાં છે જ્યાં દર્શન કરવા જવું એ દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવે છે.

શિવમંદિર

ગીરના રોમાંચક જંગલમાં અનેક શિવાલયો પુરાણ કાળથી અસ્તિત્વમાં છે જ્યાં દર્શન કરવા જવું એ દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવે છે. દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગિરનારના ડુંગરથી માંડીને અમરેલી સુધી વિસ્તરેલા ગીરના જંગલનાં આ શિવમંદિરોની સફરે જઈએ

મોટા ભાગની વ્યક્તિઓને રોમાંચકારી વાતાવરણ ગમતું હોય છે. મોટા ભાગની વ્યક્તિઓએ તેમના જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારે સાહસનો અનુભવ કર્યો જ હશે, પણ આ ઍડ્વેન્ચરમાં આધ્યાત્મિકતા ભળે તો? ભક્તિ ભળે તો? તો એનો રોમાંચ ડબલ થઈ જાયને? સૌરાષ્ટ્રમાં ગિરનારના ડુંગરથી માંડીને અમરેલી સુધી વિસ્તરેલા ગીરના જંગલમાં આવેલાં અનેક શિવમંદિરો પુરાણકાળથી અસ્તિત્વમાં છે; જેની સાથે ભગવાન શ્રીકૃષ્ણ, ગંગામૈયા, રાજા ઇન્દ્ર, પાંડવો, કુંતીમાતા સહિત દેવી-દેવતાઓ અને મહાપુરુષોની લોકવાયકાઓ જોડાયેલી છે. ગીરનુ જંગલ જ રોમાંચકારી છે; જ્યાં ઝરણાં, ડુંગરોની હારમાળા, ખળખળ વહેતી નદી અને અખૂટ સૌંદર્યની સાથે નજરે ચડી જતાં સિંહ, હરણ સહિતનાં પ્રાણીઓને જોવાનો લહાવો રોમેરોમમાં રોમાંચ પ્રસરાવી દે એવો હોય છે. આ માહોલમાં જંગલમાં અલખના આરાધકો આદિ-અનાદિકાળથી દેવાધિદેવ મહાદેવની આરાધના કરતા આવ્યા છે. પ્રકૃતિના ખોળે જંગલની અંદર અનેક એવાં શિવાલયો પુરાણકાળથી અસ્તિત્વમાં છે જે દેવદર્શનની સાથે-સાથે ઍડ્વેન્ચરનો અહેસાસ કરાવી રહ્યાં છે. આજકાલ શ્રાવણ મહિનામાં શિવભક્તો ગીર જંગલમાં આવેલાં શિવાલયોમાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આ શિવાલયોની સફર કરીએ. 

માત્ર શ્રાવણ મહિનામાં જ ખૂલતું પાતાળેશ્વર મહાદેવ મંદિર

ગીરના અડાબીડ જંગલમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરે તમારે જવું હોય તો બાબરિયા ફૉરેસ્ટ ચેક-પોસ્ટ પર રજિસ્ટ્રેશન કરાવીને જવું પડે. આ ચેક-પોસ્ટથી સાત કિલોમીટર સુધી જંગલમાં આવેલા કાચા રસ્તા પરથી તમે આગળ વધો એટલે ઘટાટોપ વનરાઈ વચ્ચે પાતાળેશ્વર મહાદેવ મંદિર આવશે. અહીં પહોંચશો ત્યારે તમને ઍડ્વેન્ચર સાથે આધ્યાત્મિકતાનો અહેસાસ થયા વગર રહેશે નહીં. આ મંદિરમાં કાયમ દર્શન કરવા આવતા ધારીના બ્લૉક રિસોર્સ કોઑર્ડિનેટર અતુલ દવે ‘મિડ-ડે’ને કહે છે, ‘પાતાળેશ્વર મહાદેવ ગીર ગઢડા અને જામવાળાની વચ્ચેના જંગલમાં આવેલું છે. આ મંદિર માત્ર શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના દિવસોમાં દર્શન માટે ખુલ્લું હોય છે, બાકીના દિવસોમાં આ મંદિરમાં દર્શન કરવા માટે પરવાનગી નથી એટલે શ્રાવણ મહિનામાં અહીં શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઊમટે છે. જંગલમાં આ પ્રાચીન મંદિર ખુલ્લું મંદિર છે. મંદિરના માથે પતરાનો શેડ છે. બાકી ત્રણ બાજુએથી આ મંદિર ખુલ્લું છે. આ જગ્યા અદ્ભુત અને અલૌકિક છે. ચારે તરફ ગ્રીનરીના માહોલમાં આ મંદિરે દર્શન કરવા જવાનો લહાવો કંઈક ઑર જ છે.’ પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં અગામી ૦૨-૦૯-૨૦૨૪ સુધી પરમિટ મળશે. પરમિટ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને જે ભાવિકો અહીં દર્શને આવે છે તેમના માટે બાબરિયા ગીરના મહંત ધરમદાસ બાપુના આશ્રમ દ્વારા ચા-પાણી તેમ જ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

અનેક લોકવાયકા સાથે જોડાયેલું ગિરનારનું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર

ભગવાન શ્રીકૃષ્ણ જ્યાં પધાર્યા હોવાની લોકવાયકા જે મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે એ ગિરનારના જંગલમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત રામાનંદ બાપુ ‘મિડ-ડે’ને કહે છે, ‘આ મંદિર પ્રાચીન સ્થાનક છે જે જંગલમાં બે કિલોમીટરની અંદર છે. અહીં રાતે સિંહ, દીપડા આવે છે. એવી દંતકથા છે કે ઇન્દ્રરાજાને ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો હતો અને નારદમુનિએ શ્રાપથી મુક્ત થવા રસ્તો બતાવ્યો હતો કે ગિરનારમાં જઈને તપશ્ચર્યા કરો, મહાદેવજી દર્શન દેશે અને એ જગ્યાએ બાણ મારશો તો ગંગાજી પ્રગટ થશે; એમાં સ્નાન કરશો તો કોઢ દૂર થશે. ઇન્દ્રરાજાએ તપશ્ચર્યા કરીને બાણ મારીને ગંગાજીને પ્રગટ કર્યાં હતાં. આજે પણ એ કુંડ મંદિરના પ્રાંગણમાં છે. ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રેશ્વર મહાદેવ આવ્યા હતા અને રાત રોકાઈને આ મંદિરથી ગિરનારની પરિક્રમા શરૂ કરી હતી. એવી પણ લોકવાયકા છે કે વર્ષો પહેલાં ભક્ત નરસિંહ મહેતા અહીં ગાયો ચરાવવા આવતા હતા, એમાંથી એક ગાય એના દૂધનો અભિષેક શિવલિંગ પર કરતી હતી. નરસિંહ મહેતાએ તપાસ કરી તો ખબર પડી કે ગાય શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે. એ પછી નરસિંહ મહેતાએ ઇન્દ્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના કરી અને તેમના પર ઇન્દ્રેશ્વર મહાદેવની કૃપા થઈ હતી. અમારા ગુરુ અને એ સમયના આ મંદિરના મહંત ત્રિગુણાનંદ બાપુએ જૂનાગઢના નવાબ રસૂલ ખાનને ત્રણ વર્ષ અહીંથી જતા રહેવાનું કહ્યું હતું અને એ પછી પાછા આવશો તો જૂનાગઢના નવાબ બનશો એવી વાત કરી હતી જે સાચી પડતાં ૧૦૪ વર્ષ પહેલાં નવાબે ધર્મશાળા બનાવવા માટે અને જૂની ધર્મશાળાના રિપેરિંગ માટે ગ્રાન્ટ આપી હતી અને ઇન્દ્રેશ્વર મહાદેવ સાથે તેમની શ્રદ્ધા જોડાઈ હતી.’  શ્રાવણ મહિનામાં જ્યાં ભક્તોની ભીડ રહે છે એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર વિશે મહંત રામાનંદ બાપુ કહે છે કે આ મંદિરે જૂનાગઢના દોલતપરાથી અવાય છે. આ પ્રાચીન સ્થાન છે. જોગણિયા ડુંગરની પર્વતમાળાની નીચે આ મંદિર આવેલું છે. ચારેતરફ જંગલ છે અને હાલમાં ઝરણાં વહી રહ્યાં છે. આ એક અલૌકિક સ્થાન છે. અહીં આવતા ભક્તોને એવું લાગે છે કે તેઓ કાશ્મીર કે કન્યાકુમારી આવી ગયા છે.

ગિરનારમાં જીવને શિવ સાથે જોડી રહ્યાં છે અનેક પૌરાણિક શિવમંદિરો  

ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ સહિતનાં અનેક મંદિરો છે. જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. વિશાલ જોષીએ લખેલા ‘દિવ્ય તીર્થક્ષેત્ર ગિરનાર’ પુસ્તકમાં ગિરનારમાં આવેલાં અનેક શિવ મંદિરોનો ઉલ્લેખ છે. જટાશંકર મહાદેવ જવા ભવનાથની તળેટીથી જંગલમાંથી પસાર થઈને આગળ વધતાં ખળ-ખળ વહેતું ઝરણું અને ચેક-ડૅમને કારણે સર્જાતા ધોધનું આહ્લાદક દૃશ્ય ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. થોડો પથરાળો રસ્તો પણ આવે છે, પરંતુ જ્યારે તમે જટાશંકર મહાદેવ જાઓ ત્યારે ગુફામાં આવેલા જટાશંકર મહાદેવનાં દર્શન કરીને એક અલૌકિક દિવ્યતાનો અનુભવ થશે. ચોમાસાની ઋતુમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું રટણ કરતાં-કરતાં અનેક શિવભક્તો ચોતરફ કુદરતે વેરેલી લીલી વનરાજી વચ્ચે આહ્લાદક વાતાવરણનો અહેસાસ કરતાં દેવાધિદેવના દર્શન કરીને શિવમય બની રહ્યા છે. આ સ્થળ સ્વામી વિવેકાનંદને પણ પ્રિય હતું. ગિરનારના જોગણિયા ડુંગર પર શિવ-ગુફા આવેલી છે તેમ જ આ ડુંગરમાં આગળ પરિક્રમાના રૂટ પર જંગલમાં ઝરણાકાંઠે નૈસર્ગિક વાતાવરણમાં એક શિવાલય આવેલું છે જે આત્મેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. અહીં શિવભક્તો ભોળા શંભુનાં દર્શન કરીને પરમ આનંદનો અહેસાસ કરી રહ્યા છે.

પાંડવોની સાથે જોડાયેલી દંતકથાનું પ્રાચીન સ્થાનક ટપકેશ્વર મહાદેવ મંદિર

ટપકેશ્વર મહાદેવ મંદિરમાં આવેલું શિવલિંગ જેના પર ઉપરથી પાણી ટપકી રહ્યું છે.

ગીર ગઢડાથી છ કિલોમીટર દૂર પરેડા ગામથી અંદર જંગલની વચ્ચે ગુફાઓમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર અલૌકિક અને દિવ્ય છે જે પાંડવોની સાથે જોડાયેલી દંતકથાનું પ્રાચીન સ્થાનક છે. આ મંદિરમાં તમારે દર્શન કરવા જવું હોય તો જંગલમાંથી પસાર થઈને નીચા નમીને ગુફામાં જવું પડે. વર્ષ ૨૦૦૭થી ટપકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા આલીધર ગામના રહીશ અભયસિંહ ગોહિલ ‘મિડ-ડે’ને કહે છે, ‘કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવોએ સાત વર્ષ ગીરના જંગલમાં વિતાવ્યાં હતાં એ દરમ્યાન પાંડવો ટપકેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા એટલે આ મંદિર પાંડવોના વખતથી છે. ભીમ મહાદેવજીની પૂજા કરતા હતા. ટપકેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે અને આ શિવલિંગ પર પાણી ટપકે છે. અ ચંદ્રભાગા નદીનું ઉદ્ભવસ્થાન કહેવાય છે. આ મંદિર ગુફામાં આવેલું છે અને એમાં જવું હોય તો નીચા નમીને જવું પડે છે. જંગલની વચ્ચે શિલાઓમાં આવેલું આ મંદિર છે.’ જંગલ વચ્ચે આવેલા અને નીરવ શાંતિનો અહેસાસ કરાવતા ટપકેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરતાં અભયસિંહ ગોહિલ કહે છે, ‘પહાડોની વચ્ચે ટપકેશ્વર મહાદેવજી બિરાજમાન છે. અહીં ચારેતરફ શાંતિ છવાયેલી રહે છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે આહ્લાદક વાતાવરણ જામ્યું છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ત્યારે આ મંદિર સુધી દર્શન કરવા આવવાનો લહાવો કંઈક અનેરો છે.’  

gujarat news ahmedabad religious places savan columnists