સનાતન ધર્મમાં આરાધનાના મહિના તરીકે ઓળખાતા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. જે ભક્તો ઉપવાસ અને એકટાણા કરીને ભક્તિ કરવાની તક છોડતા નથી. અમુક લોકો ચુસ્ત રીતે ઉપવાસ કરીને માત્ર ફળાહાર અને દૂધ પીને દિવસો પસાર કરી નાખતા હોય છે ત્યારે ઘણા લોકો ફરાળી કે જે ફળાહારીનું અપભ્રંશ થઇને બનેલો શબ્દ છે તેવી - એટલે કે - ફરાળી વાનગીઓ જમતા હોય છે. સામાન્ય રીતે ગુજરાતી ફરાળી વાનગીઓમાં રાજગરા પુરી સાથે સૂકી ભાજી, રતાળું/શક્કરિયા વેફર, ફરાળી ભેળ, ફરાળી ઉત્તપમ, ઢોસા, સુખડી, દહીંવડા, બફવડા, મોરૈયાની ખીચડી, રાજગીરાનો શીરો, સાબુદાણા વડા કે ખીચડી વગેરે વાનગીઓમાં એટલી બધી વિવિધતા બને છે કે તેના નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. આ વાનગીઓ સિવાય તમે કંઈક ફરાળમાં નવીનતા શોધતા હો તો આ નિમિત્તે હું પણ તમારી સાથે સહભાગી બની ગુજરાતની હોમ શેફને મળી અવનવી ફરાળી વાનગીઓનો રસથાળ આજે મારા આર્ટિકલ દ્વારા તમને પીરસીશ. હવે તો ફરાળી વાનગીઓમાં એટલી બધી વેરાયટી આવી ગઈ છે કે ઉપવાસમાં ના ખવાય તેવી વાનગીઓ પણ હવે ફરાળી સામગ્રીઓનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. તો ચાલો મારી સાથે ઘરે બનતી ફરાળી વાનગીઓની સફરે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
04 August, 2023 03:35 IST | Mumbai | Chirantana Bhatt