04 October, 2026 06:41 PM IST | Mumbai | Alpa Nirmal
નીલા નદી એટલે કે ભરતપુઝ્ઝા નદી કિનારે બલી તર્પણમ્ અનુષ્ઠાન કરતા ભક્તો.
ભારત વિવિધતાઓનો દેશ છે. આ ચમત્કારિક ભૂમિ પર આજે પણ દરેક ૧૦૦ કિલોમીટરે સંસ્કૃતિ, ધાર્મિક વિધિઓ, ભાષા, ખોરાક, પહેરવેશ આદિમાં ભિન્નતા જોવા મળે છે. જુઓને, ભાદ્રપદ પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના ૧૬ દિવસ દેશના મોટા ભાગના સનાતનધર્મીઓ શ્રાદ્ધપર્વ પાળે છે, જ્યારે પરશુરામજીની ભૂમિ કેરલમમાં ૧૨ ઑગસ્ટે ‘કર્ડાકા વાવુ બલી’ નામની પૂજા થઈ ગઈ છે. મૃત પૂર્વજોના સન્માનમાં યોજાતો આ ઉત્સવ મલબાર (કેરલમ)નાં અનેક મંદિરો, નદી, સમુદ્રના કિનારા પર ઊજવાય છે. ૧૬ દિવસને બદલે એક જ દિવસની આ પૂજામાં પૂજા કરનાર વ્યક્તિ ફક્ત એક જ સમય ભાતનું ભોજન લઈને એકટાણું કરે છે. પૂજારીઓ તથા બ્રાહ્મણની હાજરીમાં કરાતી પિતૃતર્પણ વિધિ અલબત્ત ઉત્તર ભારત જેવી જ છે, પરંતુ મંત્રોચ્ચાર વગેરે મલયાલમ ભાષામાં થાય છે. દિવંગત પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને તેમના આશીર્વાદ લેવાની આ પ્રથા અહીં સેંકડો વર્ષોથી ચાલી આવે છે અને મોટા ભાગના પરિવારો એમાં જોડાય છે. તિરુવલ્લમનું શ્રી પરશુરામ સ્વામી મંદિર, અલુવા મહાદેવ મંદિર, તિરુનેલ્લીનું મહાવિષ્ણુ મંદિર તથા થિરુનાવયાનું નવમુકુંદ મંદિર આ વિધિનાં હૉટ-સ્પૉટ છે. ખાસ કરીને મામકમની ભૂમિ થિરુનાવયાનું મહત્ત્વ ઝાઝું છે.
શા માટે? એ જાણવા થિરુનાવયા અને અહીંના નવમુકુંદ મંદિરની માનસયાત્રાએ જઈએ.
થિરુનાવયાના શ્રી નવમુકુંદ મંદિરનું પ્રવેશદ્વાર.
જીવતેજીવ જ કરો પોતાનું પિંડદાન
ભારતીય હિન્દુ કુટુંબમાં મૃત્યુ પામેલી વ્યક્તિનો આત્મા ભટકે નહીં અને શુભ ગતિમાં જાય એ માટે પિતૃતર્પણ વિધિ કરવામાં આવે છે. આ વિધિ કુટુંબીજનો દ્વારા થતી હોય છે, પરંતુ એકવીસમી સદીમાં આવેલા ધરખમ ફેરફારને કારણે નવી પેઢીને શ્રાદ્ધપર્વમાં બહુ રસ નથી પડતો. એવા સંજોગોમાં આવનારી પેઢી, આપ્તજનો, સંતાનો તમારી પિંડદાન વિધિ યોગ્ય રીતે કરશે કે નહીં અથવા તો જેમના કોઈ કુટુંબીજનો નથી તેમના માટે ગયાના જર્નાદન મંદિરમાં શ્રાદ્ધપક્ષના પહેલા ૩ દિવસ દરમ્યાન આત્મશ્રાદ્ધ કરવાની પરંપરા ચાલે છે. અલબત્ત, આ પ્રથા શાસ્ત્રોક્ત છે કે અર્વાચીન સમયની દેન છે એ ફલિત નથી થયું તથા ખરેખર કોઈ વ્યક્તિ પોતાનું શ્રાદ્ધ કરી શકે કે નહીં એ મુદ્દો સેન્સિટિવ છે, પરંતુ ગયાના મુખ્ય વિષ્ણુપદ મંદિરની પાછળ આવેલા જર્નાદન મંદિરમાં ૩ દિવસ ગુપ્ત રસમો દ્વારા આત્મશ્રાદ્ધ થઈ શકે છે.
થિરુનાવયા કે તિરુનાવયા મધ્ય કેરલમના તિરુર મલપ્પુરમમાં આવેલું નાનકડું ગામ છે. ગામમાં પોન્નાની અને નીલા નદી વહે છે જે સંયુક્તપણે ભરતપુઝ્ઝા નામે ઓળખાય છે. ભરતપુઝ્ઝા નદી સ્વયં કેરલમ રાજ્યની સંસ્કૃતિની જીવનરેખા છે. અનામલાઈ પર્વતની કુક્ષિમાંથી નીકળતી આ પવિત્ર નદી લક્ષદ્વીપ સાગરમાં મળતાં પહેલાં કુલ ૨૦૯ કિલોમીટરની જર્ની કરે છે અને કેરલમના અનેક જિલ્લાઓનાં નાનાં-મોટાં શહેરો, ગામો, કસબાઓેને અંતરથી અને અંદરથી ભીંજવતી વહે છે. અનેક સહાયક નદીઓમાં ભળતી અને વળી છૂટી પડતી આ નદીનું વહેણ આમ બહુ લાંબું ન કહેવાય, પણ ભરતપુઝ્ઝાની કુંડળીમાં ચોક્કસ યોગો હોવા જોઈએ જેથી આ નદીના કિનારે કેરલમની કથકલી, કુડિયાટ્ટમ આદિ કળાઓ વિકસી છે. વળી ૧૪થી ૧૮મી સદીમાં આ નદીના તટ પર સ્કૂલ ઑફ ઍસ્ટ્રોનૉમી ઍન્ડ મૅથેમૅટિક્સ સ્થપાઈ અને ફૂલીફાલી એટલું જ નહીં; આ સરિતાના કિનારાનાં ગામોમાં સેંકડો મલયાલી લેખકો, કવિઓ, સાહિત્યકારો ઈવન ગણિતજ્ઞો તથા ખગોળશાસ્ત્રીઓ જન્મ્યા અને પ્રખ્યાત થયા. ઉપરાંત થોલપાવકોથુ નામના ગામમાં તો આ નદીના કિનારે ૬૫ હિન્દુ મંદિરો છે. આ નદીના કાંઠાનાં અલગ-અલગ ક્ષેત્રોમાં તિરુવિલવામાલા મંદિર, વૈરાકોડ ભગવતી મંદિર, ચામરવત્તમ અયપ્પા મંદિર, પન્નિયુર શ્રી વરાહમૂર્તિ મંદિર આવેલાં છે જે પૌરાણિક કનેક્શન ધરાવતાં ન હોવા છતાં ભક્તો માટે અત્યંત પૂજ્યનીય તથા શ્રદ્ધેય તીર્થો છે.
નવમુકુંદ મંદિરની બહાર તર્પણક્રિયા માટેનો કિનારો.
કેવી રીતે જવાય?
મુંબઈથી થિરુનવયા ૧૧૫૦થી ૧૨૦૦ કિલોમીટર દૂર છે. રોડ જર્નીના શોખીનો મુંબઈથી દક્ષિણ ભારતનો કોસ્ટલ રોડ લઈને ઇનક્રેડિબલ ઇન્ડિયાની મોજ લેતાં-લેતાં થિરુનવયા જઈ શકે છે. અન્યથા રેલગાડીમાં કોઝીકોડ પહોંચી, શૉર્ટ ટૅક્સી કે ટ્રેનની સફર કરી થિરુનવયા પહોંચી જવાય છે. આપણા મહાનગરથી કોઝીકોડની ડાયરેક્ટ ફ્લાઇટ પણ છે અને ઍરપોર્ટથી મંદિરનું ડિસ્ટન્સ ફક્ત ૫૮ કિલોમીટર છે. રહેવા માટે થિરુવનયામાં ગેસ્ટહાઉસ, મધ્યમ વર્ગની હોટેલો તથા મંદિરના આવાસો છે. એ જ રીતે અહીં વેજિટેરિયન ફૂડમાં કેરલિયન થાલી અને ઇડલી-ઢોસા ઝિંદાબાદ.
તિરુનાવયામાં વહેતી ભરતપુઝ્ઝાના કિનારાની વાત કરીએ. અહીં નદીના ઉત્તર તટ પર નવમુકુંદ મંદિર છે જે વિષ્ણુજીને સમર્પિત છે અને ડાબા કાંઠે તિરુનાવયા મહાદેવ બિરાજે છે. નજીકમાં ચેરુતિરુનાવયા બ્રહ્માજીનું મંદિર છે. ઇતિહાસમાં નોંધ છે કે એક સમયે આ ગામ બ્રાહ્મણોનો પ્રમુખ કસબો હતો. આથી અહીં ધર્મ, ધાર્મિક ગ્રંથો, સાહિત્ય તથા અન્ય કલ્ચરનો પ્રચુર માત્રામાં ઉદ્ભવ થયો અને વિકાસ પામ્યો. આ જ ગામ મામંકમ નામના પ્રત્યેક ૧૨ વર્ષે ઊજવાતા ધાર્મિક મેળાનું યજમાન હતું. મામંકમ વિશે આપણે આગળ જાણીશું. એ પહેલાં અહીંના નવમુકુંદ મંદિરે દર્શન કરીએ.
શ્રી નારાયણને સમર્પિત આ મંદિર વિષ્ણુ ભગવાનના ૧૦૮ દિવ્ય દેશમમાંનું એક ટેમ્પલ છે. અહીં વિષ્ણુ ભગવાન નવમુકુંદ પેરુમલના રૂપે પૂજાય છે. ભગવાનને નવમુકુંદ કહેવાય છે એ પાછળની દંતકથા એ છે કે આ પ્રતિમાને નવયોગેન્દ્ર (નવયોગી)એ સ્થાપિત કરી છે. શ્રીમદ ભાગવતપુરાણ અનુસાર રાજા ઋષભદેવના પરમ જ્ઞાની ૯ પુત્રો યાત્રા કરતાં-કરતાં ભરતપુઝ્ઝા નદીના કિનારે આવ્યા અને અહીં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એ માટે દરેક યોગીએ વિષ્ણુમૂર્તિ સ્થાપિત કરવા એક એક શાલિગ્રામ સ્થાપિત કર્યા, પરંતુ રહસ્યમય રીતે એક પછી એક ૮ શાલિગ્રામ ધરતીમાં સમાઈ ગયા, જ્યારે નવમા યોગી કવિએ વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી ત્યારે તેમને અંદેશો આવી ગયો હતો કે અન્ય શાલિગ્રામની જેમ આ પણ પૃથ્વીમાં અંદર સમાઈ જશે. ત્યારે તેમણે ચતુરાઈથી ધસી જતી એ મૂર્તિને પકડી લીધી અને મંત્રોચ્ચાર શરૂ કરી દીધા. આથી પ્રતિમા સ્થિર ગઈ. આથી આજે પણ અહીં નારાયણજીનો ઘૂંટણ ઉપરનો જ ભાગ દેખાય છે. નવમા યોગી દ્વારા મુકુંદ સ્થિર થયા એટલે અહીં વિષ્ણુ ભગવાનનું નામ પડ્યું નવમુકુંદ અને થિરુનાવયાને આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ નવયોગી સ્થળમ્ તરીકે ઓળખે છે.
હજારો વર્ષો પૂર્વે યોગી કવિ દ્વારા પ્રસ્થાપિત આ મુકુંદન અહીં ત્યારથી પૂજાય છે અને લગભગ ૧૩૦૦ વર્ષ પૂર્વે અહીં પૌરાણિક શિલ્પકાર પેરુમથચને સુંદર મંદિરનું નિર્માણ કર્યું. ઇન ફૅક્ટ, પેરુમથચન વાસ્તુશૈલીનો પ્રાદુર્ભાવ જ અહીં થયો. એ પછી આ સ્થળ સ્થાનિકોમાં તો ખરું જ; વહાણવટા દ્વારા આવતા અન્ય દેશોના વેપારીઓ, સોદાગરો, રાજવીઓમાં પણ પ્રખ્યાત થયું અને આખો વિસ્તાર ધમધમતાં વ્યાપારિક થાણાં સહિત તીર્થસ્થળ બની ગયું. એ દરમ્યાન અહીં મામંકમ ઉત્સવ શરૂ થયો. દર ૧૨ વર્ષે યોજાતા આ ઉત્સવમાં દેશવિદેશના યોદ્ધાઓ, સાહસિકો, વેપારીઓ, કલાકારો આવતા. કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરતા; યોદ્ધાઓ તાકાતનું પ્રદર્શન કરતા; વેપારીઓ ઝવેરાત, તેજાના, કીમતી, પથ્થરો, કાપડ આદિનો વેપાર કરતા; સાહસિકો માલસામાનના સોદા કરતા. આમ મંદિરના અન્વયે અહીં મહાકુંભ જેવો મોટો મેળો યોજાતો જે ૧૨-૧૫ દિવસ ચાલતો. ઑલમોસ્ટ આઠમીથી ૧૮મી સદી સુધી આ મહોત્સવ અહીં ચાલ્યો અને તીર્થસ્થાનનું મહત્ત્વ પણ દિવસે-દિવસે વધતું ગયું. એમાં પણ ૧૪મી-૧૫મી સદીમાં આ ભૂમિ પર ભરતપુઝ્ઝાના બીજા કિનારે રાજવીઓ દ્વારા શિવાલય અને બ્રહ્માજીનું મંદિર બંધાયું અને તિરુનાવયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું ત્રિવેણી સંગમતીર્થ બની ગયું. એ દરમ્યાન જ અહીં પિતૃતર્પણમની પરંપરા શરૂ થઈ. એ સંજોગો અને ચોક્કસ તિથિ, વાર, સાલનું કોઈ પ્રમાણ નથી; પણ દક્ષિણની કાશી તરીકે પ્રતિષ્ઠા પામેલા આ તીર્થસ્થાન પિતૃબલિની પ્રથાનું અત્યંત મહત્ત્વનું તીર્થક્ષેત્ર બની ગયું.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
પૂજા તથા પહેરવેશની દૃષ્ટિએ મંદિર પ્રશાસનના કાયદા ખૂબ કડક છે. પૂજામાં તો ખરું જ, દર્શન માટે પણ પુરુષોએ શર્ટ વિના માત્ર મુંડું (લુંગી) પહેરવાની રહે છે અને સ્ત્રીઓએ સાડી, ચૂડીદાર અથવા ચણિયાચોળી જેવો ભારતીય પોશાક.
નવમુકુંદ મંદિર સવારે પાંચથી ૧૦ અને સાંજે ૪થી ૭ વાગ્યા દરમ્યાન ખુલ્લું રહે છે.
ગુજરાતી પંચાગની અષાઢી અમાવસ્યાએ યોજાતો ‘કર્કડાકા વાવુ બલી’ ઉત્સવમાં ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ હિન્દુઓ જોડાય છે. આ દિવસ આ પૂજા માટે અત્યંત વિશેષ ગણાય છે. ગયા, હરિદ્વાર, બનારસની જેમ અહીં પણ બારેય મહિના પિતૃતર્પણ વિધિ થાય છે.
કહેવાય છે કે ભરતપુઝ્ઝા નદીના કાંઠે જ અરબી મલયાલમ લિપિનો આવિષ્કાર થયો હતો.
ફેબ્રુઆરી મહિનામાં નીલા નદી પાસે મહામાઘ મેળો ભરાયો હતો.
આખરે જેમ ભારતનાં અન્ય તીર્થસ્થાનોમાં થયું એમ અહીં પણ ૧૮મી સદી દરમ્યાન ટીપુ સુલતાને હલ્લો બોલ્યો અને મંદિર નષ્ટ કરી દીધું. એ પછી ઈસવી સન ૧૯૨૧માં અગેઇન એક હુમલો ઝીલ્યા પછી મંદિર તો ખંડિત થઈ ગયું, પરંતુ નવમુકુંદની મૂર્તિ અખંડ રહી. વર્તમાન મંદિર કેરલમની સ્વદેશી મંદિર વાસ્તુકલા શૈલીમાં નિર્મિત છે. ઢળતાં છાપરાં, સાગનાં મજબૂત લાકડાં પર કારીગરી મંદિર પરિસરમાં ધ્વજસ્તંભ, દીપસ્તંભ તથા ગર્ભગૃહ અને નમસ્કાર મંડપ છે. નવમુકુંદજીનો પ્રસાદ બનાવવા મુખ્ય મંદિરની જમણી બાજુ રસોઈઘર છે તથા ચોરસ કેન્દ્રીય ગૃહમાં નવમુકુંદની મૂર્તિ છે. ઘૂંટણ સુધી જ દેખાવા છતાં આ ઊભી પ્રતિમા ૬ ફુટ ઊંચી છે. શ્યામ ગ્રેનાઇટની મૂર્તિ પર પંચધાતુનું કવચ છે અને પ્રભુજીના ચાર હાથમાં શંખ, કમળ, ગદા તથા સુદર્શનચક્ર છે. આ જ મંદિરમાં વિષ્ણુપત્ની લક્ષ્મીમાતા (મતરંમંગઈ) તેમની સાથે નહીં પણ અલગ મંદિરમાં બિરાજમાન છે, જેમના ફક્ત બે હસ્ત છે અને વરદાભય મુદ્રામાં છે. ઉપરાંત અહીં ગણપતિજી તથા અયપ્પાસ્વામીનાં પણ અલાયદાં કોવિલ (મંદિર) છે.