10 April, 2026 11:07 AM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
સવારે ૭ વાગ્યાનો અલાર્મ વાગે ત્યારે મનમાં પહેલો વિચાર આવે કે ‘યાર, આજે પણ એ જ કંટાળાજનક કામ કરવું પડશે?’ ઑફિસ જવાના વિચારથી જ મન મૂંઝાઈ જાય છે. કામનો લોડ ન હોવા છતાં ન ગમતું કામ કરવું પડે છે, કારણ વગર સ્ટ્રેસ ફીલ થાય છે અને જૉબ છોડવાના વિચારો આવે છે છતાં રાજીનામું આપવાની હિંમત થતી નથી. જો તમે પણ આ સિચુએશનમાં છો તો તમે એકલા નથી. આજના ગ્લોબલ વર્કકલ્ચરમાં આવું ફીલ થવું બહુ કૉમન છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં એને જૉબ હગિંગ કહેવાય છે. કરીઅરની અનિશ્ચિતતા અને ફાઇનૅન્શિયલ ફિયરને લીધે તમે ન ગમતી નોકરીને વળગી રહો છે, પણ શું આ સલામતી ખરેખર તમારા ભવિષ્ય માટે સારી છે? પ્રોફેશનલ કોચ પાસેથી આ કન્સેપ્ટને ઊંડાણપૂર્વક સમજીએ.
ઘણી વાર આપણે માની લઈએ છીએ કે પગાર ઓછો છે એટલે કામ ગમતું નથી, પણ જૉબમાં અસંતોષ હોવાનાં કારણો બીજાં જ હોય છે. જૉબ હગિંગના ટ્રૅપમાંથી બહાર નીકળવું હોય તો પહેલાં મૂળ કારણો ઓળખવાં પડે છે. આ વિશે વાત કરતાં કરીઅર કાઉન્સેલિંગ ક્ષેત્રે ૧૫ વર્ષ કરતાં વધુનો અનુભવ ધરાવતાં કરીઅર કોચ અને કાઉન્સેલર પૂજા દોઢિયા કહે છે, ‘જો તમારી કંપની માત્ર નફા પાછળ દોડતી હોય અને તમે નૈતિકતા કે સર્જનાત્મકતાને મહત્ત્વ આપતા હો તો લાંબા ગાળે તમને એ કામ બોજ લાગવા માંડશે. તમારી અંદરની વૅલ્યુ અને કંપનીના કલ્ચર વચ્ચેનો સંઘર્ષ જ અસંતોષનું સૌથી મોટું કારણ છે. જો કામ તમારી ક્ષમતા કરતાં સહેલું હોય તો કંટાળો આવવા લાગે છે અને અઘરું હોય તો સતત સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ફીલ થયા કરે છે. આનાથી તમે ક્રોનિક સ્ટ્રેસના શિકાર બનો છો જેની અસર જૉબની સાથે-સાથે પારિવારિક જીવન પર પણ પડે છે. જો તમે વર્ષોથી એક જ પ્રકારનું કામ કરો છો જેમાં તમારું મગજ વપરાતું નથી તો માનસિક રીતે તો તમે એ જૉબ છોડી જ ચૂક્યા છે એમ જ માનવું, ફક્ત હાજરી પુરાવવા ત્યાં સુધી જાઓ છો. મોંઘવારી અને મંદીની વચ્ચે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો પગપેસારો થતાં નોકરી જતી રહેશે એવો ડર દસમાંથી ૯ લોકોને લાગી રહ્યો છે. આથી તેમને એવું લાગે છે કે ન ગમતું કામ કરવું એ બેરોજગાર રહેવા કરતાં તો સારું જ છે. બીજું કારણ એ છે કે માણસને નવું મેળવવાના આનંદ કરતાં જે તેની પાસે છે એ ગુમાવવાનો ડર બમણો હોય છે. નવી જગ્યાએ સેટ થવાની માનસિક મહેનત અને અજાણ્યા વાતાવરણનો ડર લોકોને સેફ કમ્ફર્ટ ઝોનમાં રાખે છે, ભલે એ કમ્ફર્ટ ઝોન તેમને અંદરથી કોરી ખાતો હોય.’
ઘણી વાર આપણે કામના અતિશય ભારને કારણે કંટાળી જઈએ છીએ અને આપણને લાગે છે કે હવે આ જૉબ છોડવી જ પડશે. જોકે ઉતાવળે નિર્ણય લેતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે સમસ્યા કામચલાઉ થાક છે કે ગ્રોથનો અભાવ? એ સમજાવતાં પૂજા દોઢિયા કહે છે, ‘બર્નઆઉટનો અર્થ એ નથી કે તમારી જૉબ ખરાબ છે. એનો અર્થ એ છે કે તમે તમારી ક્ષમતા કરતાં વધુ મહેનત કરી રહ્યા છો. જેમ કે માનસિક રીતે ખાલીપો ફીલ કરવો, મીટિંગ્સ અને ડેડલાઇન્સનો લોડ વધવો, જૉબ ગમતી હોવા છતાં એની પેસ સુધી પહોંચી ન શકવું આ બધાં લક્ષણો ટેમ્પરરી બર્નઆઉટનાં છે. જો ૩-૪ દિવસના બ્રેક કે લૉન્ગ વીક-એન્ડ પછી તમને ફરી કામ પર જવાની ઇચ્છા થાય અને થોડી એનર્જી અનુભવો તો સમજવું કે આ માત્ર કામચલાઉ થાક છે; જૉબ છોડવાની જરૂર નથી, પણ કામ કરવાની પદ્ધતિ બદલવાની જરૂર છે, તમારે વધુ સારી રીતે અને સ્માર્ટ રીતે કામને કઈ રીતે મૅનેજ કરવું એના પર ભાર આપવાની જરૂર છે. જો તમને એવું લાગે કે ગ્રોથ અટકી ગયો છે તો સ્થિતિ અલગ છે. આ કેસમાં તમારી પાસે એનર્જી છે; પણ એનો ઉપયોગ કરવા માટે દિશાહીન ફીલ થવું, જૉબ પર જાઓ ત્યારે ફસાયેલા હો એવું ફીલ થવું, કોઈ નવી સ્કિલ શીખવા નથી મળતી એટલે સતત એવું ફીલ થયા કરે છે કે તમારો ગ્રોથ સાવ અટકી ગયો છે. આવા કેસમાં બે પૉસિબિલિટી હોઈ શકે. પહેલી એ કે કંપનીનું વાતાવરણ નકારાત્મક હોય અને બીજી એ કે તમારો રોલ હવે ડેડ-એન્ડ પર આવી ગયો છે. તમે જ્યારે બ્રેક લો અને ઑફિસ જવાનો ખ્યાલ આવતાં જ મન મરી જાય એવું ફીલ થાય તો ફરી એ જ કામ કરવું નિરર્થક છે. તમારે તમારા રોલને રી-ડિઝાઇન કરવાની જરૂર છે.’
એવું નથી કે જૉબથી કંટાળી ગયા છો એટલે ચેન્જ તો કરવી જ પડશે, તમે જૉબ-ક્રાફ્ટિંગ પણ કરી શકો છો એમ જણાવતાં પૂજા દોઢિયા કહે છે, ‘જે કામમાં તમારો વધુ સમય બગડે છે અને આઉટપુટ ઓછું છે એને ઑટોમેટ કરવાની કોશિશ કરો. ઑફિસમાં નેગેટિવિટી ફેલાવતા લોકોથી અંતર જાળવો અને એવા લોકો સાથે રહો જેમની સાથે રહીને તમે નવું શીખી શકો. જૉબ-રોલમાંથી કંઈ ને કંઈ નવું શીખતા રહો અને તમે જે પોઝિશનમાં કામ કરો છે એનાથી પ્રમોશન મેળવવાની કોશિશ કરો. મને બીજી જૉબ નહીં મળે એવું વિચારતા લોકોએ સૌથી પહેલાં એ ચકાસવાની જરૂર છે કે આ માર્કેટની સ્થિતિ છે કે માત્ર તમારો આંતરિક ડર? આ જાણવા માટે દસથી ૧૫ સારી કંપનીઓની જૉબ રિક્વાયરમેન્ટ તપાસો. જો તમારી પાસે ૬૦ ટકા સ્કિલ હોય તો તમે માર્કેટમાં ડિમાન્ડમાં છો. જો સ્કિલ-ગૅપ મોટો હોય તો ગભરાવાને બદલે શીખવાનું શરૂ કરો.’
શું દર સોમવારે ઑફિસ જવાના વિચારથી જ મૂડ ઑફ થઈ જાય છે?
શું તમે માત્ર પગારની તારીખ સાચવવા ઑફિસ જાઓ છો?
છેલ્લા એક વર્ષમાં તમે કોઈ નવી સ્કિલ શીખી?
ડર લાગે છે કે જો આ જૉબ છોડીશ તો બીજે ક્યાંય નોકરી નહીં મળે?
ઑફિસમાં માત્ર હાજરી પુરાવવા પૂરતું કામ કરો છો?
આ પાંચ પ્રશ્નો પોતાની જાતને પૂછો અને જો ૩ પ્રશ્નોનો જવાબ હા હોય તો તમે જૉબ હગિંગના ટ્રૅપમાં ફસાઈ ચૂક્યા છો. આ જાણ્યા બાદ પ્રોડક્ટિવ બનવા માટે પોતાના માઇન્ડનું રીવાયરિંગ કરો.
દિવસનાં એવાં ૨૦ ટકા કામ શોધો જે તમને સૌથી વધુ કંટાળો આપે છે. ટેક્નૉલૉજીની મદદથી ઝડપથી પતાવી શકાય એવાં સૉલ્યુશન્સ પર કામ કરો. એનાથી તમારો સમય બચશે અને બોરિંગ ટાસ્ક ફટાફટ કમ્પ્લિટ થશે. આથી નવી સ્કિલ્સ શીખવા માટે સમય મળશે.
રૂટીન કામ સિવાય કોઈ નવા પ્રોજેક્ટ જેમાં તમને રસ હોય એમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરો. આનાથી તમારું મગજ વ્યસ્ત રહેશે અને નકારાત્મક વિચાર કે કંટાળો આવશે નહીં. એ જૉબ તમને ગમવા લાગશે.
તમે જે કામ કરી રહ્યા છો એ કંપનીના મોટા લક્ષ્યમાં કઈ રીતે મદદરૂપ થાય છે એ વિચારો. જ્યારે તમે તમારા નાના કામને મોટા વિઝન સાથે જોડો., ઉદાહરણ તરીકે હું ફક્ત ડેટા એન્ટ્રી
નથી કરતો પણ કંપનીને સાચો નિર્ણય લેવામાં મદદ કરું છું, એમ વિચારશો તો એ કામ બોજ લાગવાને બદલે અર્થપૂર્ણ લાગે છે.
ઑફિસમાં માત્ર કામ પૂરતો સંબંધ રાખવાને બદલે એવા મેન્ટર કે સહકર્મીઓ શોધો જે તમને પ્રેરણા આપી શકે. આનાથી તમારું નેટવર્કિંગ પણ વધશે.
તાજેતરના ગ્લોબલ સર્વે મુજબ ૭૦ ટકાથી વધુ કર્મચારીઓ પોતાની વર્તમાન નોકરીમાં સંતુષ્ટ નથી. છતાં એમાંથી માત્ર ૧૫ ટકા લોકો જ નવી તકની શોધ કરે છે. બાકીના પંચાવન ટકા લોકો આર્થિક ડરને કારણે ‘જૉબ હગિંગ’ કરી રહ્યા છે. આ આંકડો દર્શાવે છે કે આ સમસ્યા વ્યક્તિગત નહીં પણ ગ્લોબલ છે.