12 July, 2020 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
શનિવારે રાત્રે બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનન અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ બીજા ઘણા બધા સેલેબ્ઝને કોરોના થયો હોવાની અફવાઓએ જોર પકડયું હતું. નીતુ સિંહ કપૂર, કરણ જોહર અને રણવીર કપૂર પછી હેમા માલિની પણ કોરોના સંક્રમિત થયા હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. જોકે હેમા માલિની કોરોના સંક્રમિત છે એ માત્ર અફવા છે તે બાબતની માહિતી અભિનેત્રીએ પોતે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આપી છે. હેમા માલિનીને કોરોનાનું સંક્રમણ નથી થયું તે જાણીણે ફૅન્સ બહુ ખુશ છે.
ડ્રીમ ગર્લ હેમા માલિનીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમા તેમણે કહ્યું છે કે, 'હેલ્લો રાધે, રાધે. ઘણા લોકો મારા વિશે ન્યૂઝ સાંભળીને ઘણા દુઃખી છે, પણ આવું કંઈ જ નથી. હું ભગવાન કૃષ્ણના આશીર્વાદથી એકદમ સ્વસ્થ છું.' આ વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, 'મારી ચિંતા કરવા માટે આભાર, તમે બધા પણ ઘરે રહો અને સુરક્ષિત રહો.'
આ પહેલા આજે સવારે એટલે કે રવિવારે સવારે દીકરી ઈશા દેઓલે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હેમા માલિનીને કોરોના થયો હોવાની માત્ર અફવાઓ છે. ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, 'મારી માતા હેમા માલિની સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમનાં સ્વાસ્થ્યને લઈ ચાલી રહેલા સમાચાર માત્ર અફવાઓ છે. મહેરબાની કરી આવા ખોટા સમાચારો પર પ્રતિક્રિયા ન આપો. તમારા પ્રેમ અને ચિંતા માટે આભાર.'
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ અનેક સેલેબ્ઝને કોરોના થયો હોવાની અફવાઓએ જોર પકડયું છે. જેમાં નીતુ સિંહ કપૂર, કરણ જોહર, રણવીર કપૂર, હેમા માલિની વગેરેના નામ સામેલ હતા.