06 April, 2025 04:12 PM IST | Dehradun | Aashutosh Desai
દિલ્હી-ઉત્તરાખંડના એક્સપ્રેસવે પર સરોહા પરિવારના આ ઘરને કારણે કામ અટક્યું છે.
દિલ્હીથી ઉત્તરાખંડ સુધીના રોડના આવવા અને જવાના બન્ને માર્ગોનું કામ આ એક ઘર જેટલા હિસ્સાને છોડીને બાકીનું પૂર્ણ થઈ ચૂક્યું છે. દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનો આ માર્ગ ધાર્મિક યાત્રા અને વ્યાપારવ્યવહારની દૃષ્ટિએ મહત્ત્વનો હોવાથી વહેલી તકે આ ગૂંચવણનો નિવેડો આવે એવી આશા સેવાઈ રહી છે. આ મુદ્દે અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચમાં આગામી ૧૬ એપ્રિલે આ કેસની સુનાવણી થવાની છે
ભારત સરકાર સત્તારૂઢ થઈ ત્યારથી એક ઇમેજ જનમાનસ પર અંકિત થયેલી છે. અને એ ઇમેજ એટલે રાષ્ટ્રનિર્માણની નેમ, જેના ભાગરૂપે નેશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) સતત કામ કરી રહી છે. કહેવાય છે કે છેલ્લાં દસ વર્ષથી ભારતના કોઈ ને કોઈ ખૂણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું કામ સતત ચાલી રહ્યું છે. એક અંદાજ અનુસાર હાલ ભારતમાં સરેરાશ રોજ ૩૧ કિલોમીટર જેટલો નવો રોડ બની રહ્યો છે. આવા જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક પ્રોજેક્ટ એટલે દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે. ભારતની આ ધોરીનસ ૨૧૨ કિલોમીટરની અને દિલ્હી કે દેહરાદૂન માટે જ નહીં પરંતુ મુંબઈ સુધીના એક લાંબા પટ્ટા માટે ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે, કારણ કે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે દિલ્હીના જે છેડે પૂર્ણ થાય છે એ જ અક્ષરધામ મંદિર નજીકથી આ નવો દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવે શરૂ થાય છે.
કમર્શિયલ અને ધાર્મિક બન્ને દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગણાતો એવો આ પ્રોજેક્ટ આમ તો લગભગ પૂર્ણ થઈ ચૂક્યો છે, પરંતુ માત્ર એક પ્લૉટ હાલ એમાં મોટી અડચણ બનીને ઊભો છે. વાત કંઈક એવી છે કે દેશની રાજધાનીને દેહરાદૂન સાથે જોડતો આ એક્સપ્રેસવે પૂર્ણ તો થઈ ચૂક્યો છે, પરંતુ મંડોલા વિસ્તારમાં આવતા એક ૧૬૦૦ વર્ગ મીટરના પ્લૉટને કારણે એટલા વિસ્તારનું બાંધકામ હમણાં ખોરંભે ચડ્યું છે અને તેથી એનું ઉદ્ઘાટન કરી સામાન્ય જનતા માટે ખુલ્લો નથી મુકાઈ રહ્યો. જોકે સર્વોચ્ચ અદાલતે આ આડખીલીરૂપ મુદ્દાને ધ્યાનમાં લઈ હસ્તક્ષેપ કરવા વિચાર્યું અને કહ્યું કે વહેલી તકે નિવારણ લાવવામાં આવે.
દિલ્હી-ઉત્તરાખંડ એક્સપ્રેસવે વ્યાપાર અને ધાર્મિક યાત્રા બન્ને માટે મહત્ત્વનો છે.
પ્રોજેક્ટ અને સરોહા પરિવાર
તો હવે પ્રશ્ન એ આવે કે મૂળ આ વિવાદ છે શું? વાત કંઈક ૧૯૯૦ની સાલ સાથે સંકળાયેલી છે. ૧૯૯૦ની સાલ દરમિયાન મંડોલાનો આ વિસ્તાર રૂલર એરિયા તરીકે ગણાતો હતો અને વીરસેન સરોહાનો પરિવાર આ ઘરમાં રહેતો હતો. પરંતુ આ વિસ્તારની આસપાસમાં કેટલાક મોટા ફેરફારો ૧૯૯૦ની સાલથી જ શરૂ થયા. ત્યાર બાદ ૧૯૯૮ની સાલમાં ઉત્તર પ્રદેશ સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા એક મંડોલા હાઉસિંગ સ્કીમ શરૂ કરવામાં આવી. આ સ્કીમ અંતર્ગત કુલ ૨૬૧૪ એકર જેટલી જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું. દિલ્હી-ગાઝિયાબાદ નજીકના આ વિસ્તારનાં કુલ છ ગામોને આ સ્કીમ અંતર્ગત સમાવી લેવાનું નક્કી થયું. હવે જ્યારે અધિગ્રહણની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે એ વિસ્તારમાં રહેતા મોટા ભાગના રહેવાસીઓએ તો સરકાર તરફથી મળતી વળતરની રકમ સ્વીકારીને કબજો છોડી દીધો પરંતુ વીરસેન સરોહા નામના એક રહેવાસીએ સરકારની એ ઑફર સ્વીકારવાની ના કહી દીધી એટલું જ નહીં, તેમણે કોર્ટનો દરવાજો ખટખટાવવાનું નક્કી કર્યું અને આખોય મામલો પહોંચ્યો અલાહાબાદ હાઈ કોર્ટમાં, જેને કારણે ઉત્તર પ્રદેશ હાઉસિંગ બોર્ડની એ સ્કીમ અટકી પડી. વર્ષો વીત્યાં અને ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો આ પ્રોજેક્ટ શરૂ થયો. એ માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ થઈ. જોકે એ સમયે હાઉસિંગ સ્કીમ હેઠળ હસ્તગત કરેલી જમીનની માલિકી હજી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર પાસે જ રહી હતી. તેથી જ્યારે એક્સપ્રેસવેનો આ પ્રોજેક્ટ NHAI દ્વારા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે એ અધિગ્રહિત જમીન NHAIને આપી ખરી, પરંતુ જે રીતે પેલા હાઉસિંગ પ્રોજેક્ટની વચ્ચે સરોહા પરિવારનો જમીનનો ટુકડો યથાવત્ રહ્યો હતો એ જ હજી આજેય એમનો એમ ઊભો છે; કારણ કે સરોહા પરિવાર કે જેના વારસદાર હાલ વીરસેનના પૌત્ર છે તેઓ હજીયે પરિવારના એ જ મત સાથે કાયમ રહ્યા છે અને તેમણે ફરી એક વાર કોર્ટમાં આ પ્રોજેક્ટ બાબતે થઈ રહેલા અધિગ્રહણને પડકાર્યું છે. અચ્છા, એવું પણ નથી કે સરોહા પરિવાર આ ઘરમાં રહેતો હોય. વાસ્તવમાં તો આ ઘર હમણાં ખાલી પડ્યું છે. ત્યાં કોઈ રહેતું પણ નથી. આથી આ પ્રોજેક્ટ પણ હાઉસિંગ સ્કીમની જેમ જ કાનૂની દાવપેચમાં અટવાઈ પડ્યો અને મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ સુધી.
કોર્ટમાં શું કહેવામાં આવ્યું?
અપીલમાં કહેવાયું કે જ્યારે મંડોલા હાઉસિંગ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રતિ વર્ગ ૧૧૦૦ રૂપિયાના વળતરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એ સમયે લગભગ ૧૦૦૦ જેટલા ખેડૂતો અને રહેવાસીઓ આ સ્કીમ અંતર્ગત પ્રભાવિત થયા હતા અને કુલ પ્રભાવિતોમાંથી લગભગ ૯૪ ટકા લોકોએ વળતરની એ રકમ સ્વીકારી પણ લીધી હતી, પરંતુ કેટલાક એવા લોકો પણ હતા જેમાં વીરસેન સરોહા પણ સામેલ હતા તેમણે વળતરની રકમ વધારવા માટે કહ્યું હતું અને એ રકમમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવવા છતાં તેમણે એ સ્વીકારવાની ના કહી દીધી. આખરે હાલમાં સર્વોચ્ચ અદાલતે કેસ ફરી અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચને સોંપતાં કહ્યું કે દિલ્હીથી દેહરાદૂન વચ્ચેના આ માર્ગનું વ્યાપારિક અને ધાર્મિક યાત્રા બન્નેની દૃષ્ટિએ મહત્ત્વ હોવાથી વહેલી તકે આ ગૂંચવણનો નિવેડો લાવવામાં આવે. હવે વર્તમાન પરિસ્થિતિ એ છે કે હાઈ કોર્ટ આગામી ૧૬ એપ્રિલે આ કેસ બાબત સુનાવણી કરવા જઈ રહી છે.
પ્રોજેક્ટ શું છે, ફરક શું પડશે?
કુલ ૨૧૨ કિલોમીટરનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ દિલ્હીના અક્ષરધામ મંદિરથી ઉત્તરાખંડની પહાડીઓ સુધીનો માર્ગ છે જેને NHAI બે ભાગોમાં પૂર્ણ કરી રહી છે. આમ તો દિલ્હીથી ઉત્તરાખંડ સુધીના આ રોડના આવવા અને જવાના બન્ને માર્ગોનું કામ આ એક ઘર જેટલા હિસ્સાને છોડીને બાકીનું પૂર્ણ થઈ ચૂક્યું છે. અક્ષરધામથી લોની સુધીનો ૧૪.૭ કિલોમીટરનો હિસ્સો અને ત્યાર બાદ લોનીથી ખેડકા સુધીનો ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (EPE ) જે ૧૬ કિલોમીટરનો છે.
દિલ્હીથી શરૂ થતો આ એક્સપ્રેસવે સ્વાભાવિક છે કે ટ્રાફિક અને સહુલિયત બન્ને દૃષ્ટિએ મોટો ફેરફાર સર્જશે. જેમ કે હાલ દિલ્હીથી બાગપત સુધીનું અંતર, જે અંદાજે ૪૮ કિલોમીટરનું છે અને ૧ કલાક ૨૦ મિનિટ જેવો સમય લાગે છે એ ઘટીને અડધાથી પણ ઓછું એટલે કે લગભગ ૩૦ મિનિટ જેટલું જ થઈ જશે. આ હિસ્સો તો પૂર્ણ રીતે તૈયાર પણ થઈ ચૂક્યો છે જેમાં દિલ્હીના અક્ષરધામથી બાગપત સુધીનો ૧૭ કિલોમીટર જેટલો હિસ્સો તો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે. કોઈ પણ માર્ગ એલિવેટેડ બનાવવાનો એક સૌથી મોટો ફાયદો તો એ છે કે સ્થાનિક વાહનોની ભીડભાડ અને અડચણો એને નડતી નથી. દિલ્હીથી દેહરાદૂન સુધીનું અંતર જે હમણાં લગભગ ૬ કલાક જેટલું લાંબું છે એ આ એક્સપ્રેસવે બન્યા પછી ઘટીને માત્ર અઢી કલાક જેટલું થઈ જશે. દિલ્હીથી છેક દેહરાદૂન સુધીના આ એક્સપ્રેસવેને કારણે કમર્શિયલ અને ધાર્મિક યાત્રા વધુ સુદૃઢ અને સમય બચાવનાર તો બની જ જશે અને સાથે જ સુરક્ષિતતા હેતુ પણ મોટો ફરક પડે જ, જે સ્વાભાવિક છે.
આ બધા દેખીતા ફાયદા હોવા છતાં મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારની કોઈ પણ પરિવર્તનકારી સાર્વજનિક યોજના સમયે એના બુનિયાદી માળખામાં આ રીતની અડચણો આવતી હોય છે અને એવા સમયે મહત્ત્વ કોને આપવું, સાર્વજનિક હિતોને કે વ્યક્તિગત અધિકારોને? એ કોર્ટે નક્કી કરવાનું હોય છે અને કોર્ટ એ સમયે નિષ્પક્ષ રહી ત્વરિત સમાધાનનો માર્ગ કઈ રીતે પ્રશસ્ત કરશે એ મોટી મુશ્કેલી છે.
આ પ્રોજેક્ટ મૂલતઃ ૨૦૨૫ના જૂન મહિનામાં જનસામાન્ય માટે ખુલ્લો મૂકવાનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું, પરંતુ સરોહા પરિવારની ૧૬૦૦ વર્ગ મીટરમાં ઊભેલી બે માળની ઇમારત હાલ આ પ્રોજેક્ટ અને ડેડલાઇનની વચ્ચે આડખીલીરૂપ ઊભી છે. આ પ્રોજેક્ટમાં બીજાં કયાં પ્રમુખ સ્વરૂપો છે એ વિશે એક વાર નજર દોડાવીએ તો આખાય માર્ગમાં કુલ ૧૬ એન્ટ્રીઝ અને એક્ઝિટ્સ છે જેમાં ૧૧૩ જેટલા અન્ડરપાસ છે અને ૭૬ કિલોમીટરનો સર્વિસ રોડ છે. ૨૧૨ કિલોમીટરના આ માર્ગમાં કુલ ૨૯ કિલોમીટરનો એલિવેટેડ રોડ છે અને ૬૨ જેટલા બસ-શેલ્ટર બનાવવામાં
આવ્યા છે.
આ આખીયે યોજનાનું નિર્ધારિત બજેટ કંઈક ૧૩,૦૦૦ કરોડ રૂપિયા જેટલું છે. કુલ ૬ લેનના આ એક્સપ્રેસવેને ગ્રીનફીલ્ડ ઍક્સેસ કન્ટ્રોલ્ડ એક્સપ્રેસવે કહેવામાં આવે છે, જે દિલ્હીના અક્ષરધામ નજીક જ્યાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે આકાર લઈ રહ્યો છે ત્યાંથી જ શરૂ થાય છે અને દેહરાદૂન સુધી પહોંચે છે.
ચીનમાં આવાં આડખીલીરૂપ ઘણાં ઘરો છે
આપણા પડોશી દેશ ચીનમાં પણ હાઇ-ફાઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી વખતે આવી રીતે આડખીલીરૂપ એકલ-દોકલ ઘરો ને પરિવારો નડી જાય એવું બહુ બન્યું છે. જોકે ચીને જ્યાં કાયદાથી કામ ન ચાલે ત્યાં કળથી કામ લેવાનું શરૂ કર્યું છે. ચીનની સરકાર આવા એક્સપ્રેસવે કે મેઇન રોડના કામમાં નડતરરૂપ લોકોને ભાવ નથી આપતી. એના બદલે બાજુની જમીન મેળવીને રોડનો ફાંટો ત્યાંથી કાઢી લે છે. એને કારણે ચીનમાં એવા ઘણા કિસ્સા જોવા મળી જશે જ્યાં મસ્તમજાના લિસ્સા અને સડસડાટ રોડની વચ્ચોવચ્ચ કોઈ બે માળનું કે ત્રણ માળનું ઘર ઊભું હોય.
૧. બે માળનું ઘર
ચીનના શાંઘાઈથી દક્ષિણપશ્ચિમના ટાઉન જિન્ક્શી તરફ જવાના હાઇવે પર આવું જ એક ઘર છે. હુઆન્ગ પિન્ગ નામના દાદા તેમની પત્ની અને પૌત્ર સાથે અહીં રહે છે. જ્યારે આ હાઇવે બની રહ્યો હતો ત્યારે તેમને સરકાર દ્વારા બે કરોડ રૂપિયાનું વળતર આપવાની ઑફર થયેલી, પણ એ વખતે હુઆન્ગ ટસના મસ ન થયા. તેમને વધુ વળતર મેળવવું હતું, પણ ચીની સરકારે એ વાત ન સ્વીકારી. એની આસપાસ એવી રીતે હાઇવે બનાવ્યો કે તેમનું ઘર રસ્તાની વચ્ચોવચ આવી જાય. હવે તેમને ઘરેથી બહાર નીકળીને રોડ પર જવું હોય તો એ માટે ટનલમાંથી ચાલીને બહાર નીકળવું પડે છે. ઘર સુધી કાર લાવવાનું શક્ય જ નથી રહ્યું. હવે હુઆન્ગદાદા પસ્તાય છે કે એ વખતે સરકારની ઑફર માની લીધી હોત તો સારું થાત.
જોકે તેમનું બે માળનું ઘર એટલી યુનિક જગ્યાએ છે કે લોકો ખાસ એ જોવા આવવા લાગતાં તેમણે ટૂરિઝમના નામ ઘર જોવાની ટિકિટ બહાર બહાર પાડી છે અને એમાંથી કમાણી કરવાનું શરૂ કર્યું છે.
૨. ઊંચી ઇમારતોની વચ્ચે ઝૂંપડી
ચીનના હુનાન પ્રાંતના એક બિઝેનસ પાર્ક એરિયામાં ચાર લેનના રોડની કિનારે એક સાવ ઝૂંપડી જેવું ઘર છે. બે વર્ષ પહેલાં બનેલું આ ઘર એક હાઈ રાઇઝ બિલ્ડિંગની બહારના પ્રાંગણમાં છે. ખીરમાં કાંકરીની જેમ ખૂંચે એવું આ ઘરમાં રહેનાર વ્યક્તિએ દોઢ કરોડ રૂપિયાનું કમ્પન્સેશન ઠુકરાવીને આ બાપદાદાના વારસાગત ઘરને છોડવાની ના પાડી હતી.