10 January, 2025 01:07 PM IST | Mumbai | Kajal Rampariya
જે વૉલ્વો કારમાં ૫૫૦૦ કિલોમીટરની રોડ-ટ્રિપ કરી એની સાથે અંજુ પોલમપલ્લી, કિરણ લોઢા, પૂનમ નિર્મલ, મીનલ કિરી અને પારુલ શાહ.
ટ્રાવેલિંગ અને ડ્રાઇવિંગનાં શોખીન મુલુંડનાં મીનલ કિરીએ બહેનપણીઓ સાથે લાંબી રોડ-ટ્રિપ પર જવાનું સપનું જોયેલું, જે આૅલમોસ્ટ ૬૦ વર્ષની વયે શક્ય બન્યું. તેમની સાથે પારુલ શાહ, પૂનમ નિર્મલ, કિરણ લોઢા અને અંજુ પોલમપલ્લી એમ ચાર ફ્રેન્ડ્સ કઈ રીતે જોડાઈ અને આ ઉંમરે સેફ ટ્રાવેલ કરી શકાય એ માટે બધાંએ મળીને કેવી-કેવી તૈયારીઓ કરી અને સફરમાં કેવા રોમાંચક અનુભવો થયા એની દાસ્તાન ખૂબ મજાની છે
અજન્તાની ગુફાઓ પાસે.
પૅશન ફૉલો કરવાની કોઈ ઉંમર નથી હોતી એ વાતને સાબિત કરીને દેખાડી છે મુલુંડમાં રહેતાં ૫૯ વર્ષનાં મીનલ કિરીએ. નાનપણથી જ ટ્રાવેલિંગ કરતાં ડ્રાઇવિંગનાં શોખીન અને વ્યવસાયે ઇન્ટીરિયર ડિઝાઇનર મીનલબહેન આમ તો નાની-મોટી રોડ-ટ્રિપ કરે છે, પણ ‘દિલ ચાહતા હૈ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મોની જેમ ફ્રેન્ડ્સ સાથે લૉન્ગ ડ્રાઇવ પર જવાનું તેમનું વર્ષોથી સપનું હતું. આ સપનું સાકાર થવાની શરૂઆત થઈ ત્રણ વર્ષ પહેલાં. આ ટ્રિપની ખાસિયત એ છે કે ૩૫ દિવસ લાંબી ટ્રિપમાં ડ્રાઇવિંગ મીનલબહેને જ કર્યું છે. બહેનપણીઓને ટ્રિપ માટે તૈયાર કરવાથી લઈને મુંબઈ પાછાં આવ્યાં ત્યાં સુધીની સફર અને આ દરમિયાન થયેલા રોમાંચક અનુભવો તેમની પાસેથી જાણવા જેવા છે.
હમ પાંચની શરૂઆત
ડ્રાઇવિંગ પ્રત્યેના પૅશન અને રોડ-ટ્રિપના ડ્રીમ વિશે વાત કરતાં મીનલબહેન કહે છે, ‘મને ડ્રાઇવિંગનો ગાંડો શોખ છે. નાનપણથી જ ડ્રાઇવિંગ કરવાની ઘેલછા હતી. મેં નાની-મોટી ટ્રિપ માટે હાઇવે પર ડ્રાઇવિંગ કર્યું છે, પણ મને લૉન્ગ ડ્રાઇવ પર જવાની ઇચ્છા હતી. ભારતનાં એકસાથે બે કરતાં વધુ રાજ્યોનું ભ્રમણ કરવાનું મન હતું. વર્ષો પહેલાં મેં લૉન્ગ ડ્રાઇવનું સપનું જોયું હતું, પણ એને અંદરથી જીવંત રાખ્યું હતું. ૫૦ વર્ષ વટાવ્યા બાદ સ્ત્રીઓનું જીવન કંઈ નથી હોતું એવું કહેનારા લોકોને મારે ખોટા સાબિત કરવા હતા. મનમાં હતું કે એક દિવસ તો એવો જરૂર આવશે જ્યારે હું મારા સપનાને જીવીશ અને પૂરું કરીશ, સેલ્ફ-ડ્રાઇવ કરીને ફ્રેન્ડ્સ સાથે ભારત ફરીશ. કહેવાય છેને જહાં ચાહ હૈ વહાં રાહ હૈ. વર્ષો સુધી મેં આ સપનાને સંભાળીને મારા હૃદયના ખૂણે સાચવીને રાખ્યું હતું ત્યારે બે વર્ષ પહેલાં એ પૂરું થવાના અણસાર દેખાયા. મારી ચાર-પાંચ ખાસ ફ્રેન્ડ્સ છે અને અમે બધાં મુલુંડમાં જ રહીએ છીએ. અમે અમારાં બાળકોને કારણે ક્લોઝ ફ્રેન્ડ્સ બન્યાં છીએ. રોજ સ્કૂલમાં લેવા-મૂકવા જઈએ તો વાતચીત થાય અને હવે તો અમે એક ફૅમિલી બની ગયાં છીએ. તો થયું એવું કે હું મારી ફ્રેન્ડ પારુલ શાહ સાથે મારી ફ્રેન્ડ પૂનમ નિર્મલની દીકરીનાં લગ્નમાં ગઈ હતી ત્યાં વાત-વાતમાં મેં મારા રોડ-ટ્રિપના ડ્રીમ વિશે વાત કરી. પારુલને તો ઇન્ટરેસ્ટ પડ્યો. તેણે મારી સાથે આવવાની તૈયારી દાખવી. ત્યાર બાદ મેં પૂનમ સાથે વાત કરી અને તે પણ અમારી સાથે આવવા તૈયાર થઈ ગઈ. આ બન્નેની તૈયારી જોઈને હું તો ઝૂમી ઊઠી. થોડા સમય પછી મારી ફ્રેન્ડ અંજુ પોલમપલ્લીના દીકરાનાં લગ્નમાં હૈદરાબાદ ગયાં હતાં ત્યાં અંજુને પૂછ્યું અને તેણે પણ હા પાડી. અમે ચાર સહેલીઓ તો તૈયાર થઈ હતી અને પાંચમી હતી કિરણ લોઢા. તેના કેસમાં તો એવું થયું કે અમારો ઉત્સાહ જોઈને તેના હસબન્ડે સામેથી કહ્યું કે જા કિરણ જા, જી લે અપની ઝિંદગી! હું મારી કાર આપીશ. આ સાંભળીને અમે તો ખુશ-ખુશ થઈ ગયાં. બસ, પછી શું? શરૂઆત થઈ મારા સપનાને હકીકતમાં બદલવાની. જ્યારે ફૅમિલીને ખબર પડી કે અમે ટ્રિપ પ્લાન કરી રહ્યાં છીએ તો કિરણના હસબન્ડે અમને ‘ધક ધક’ મૂવી જોવાની સલાહ આપી. અમે ભેગાં મળીને OTT પ્લૅટફૉર્મ પર આ મૂવી જોઈ. એમાં ચાર લેડીઝને રોડ-ટ્રિપ માણવાનો જે ચસકો હોય છે એ જોયા બાદ મારામાં વધુ જુસ્સો આવી ગયો. બધાને ખબર હતી કે મને ડ્રાઇવિંગનો શોખ છે તો કોઈના પરિવારે અમારા પર શંકા કરી નથી. કૉન્ફિડન્ટ્લી અમને ફરવા જવા દીધાં.’
ખજૂરાહો
ઠાકોરજીના સંગાથે માણી ટ્રિપ
મીનલ કિરીનાં ફ્રેન્ડ પૂનમ નિર્મલ ઠાકોરજીનાં ભક્ત છે. વૈષ્ણવ સમુદાયમાં ઠાકોરજીની નિત્ય સેવા રૂટીનનો અનિવાર્ય હિસ્સો હોવાથી સ્ત્રીઓ ઘરની બહાર નીકળી નથી શકતી, પણ પૂનમબહેને ઠાકોરજી સાથે પ્રવાસ માણી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મીનલબહેન સાથે ફરવા જવા માટે તૈયાર થવા પાછળનું કારણ અને એ દરમિયાન થયેલા અનુભવો વિશે વાત કરતાં દાદરમાં રહેતાં ૬૨ વર્ષનાં પૂનમ નિર્મલ કહે છે, ‘પરિણીત મહિલાને ઘરનાં કામ અને તેના પતિ-અને બાળકો સિવાય કંઈ દેખાય નહીં. જ્યાં જાય ત્યાં તેમની સાથે જાય, સોલો ટ્રિપ જેવું હોતું નથી. પણ મને ફ્રેન્ડ્સ સાથે ટ્રિપ કરવાની ઇચ્છા હોવાથી ચિડાઈને મેં મીનલને ટ્રિપ માટે હા પાડી દીધી હતી. પછી જ્યારે મેં ઘરે વાત કરી તો ઘરવાળાઓ ખુશ-ખુશ થઈ ગયા. પહેલી વાર એકલા ટ્રિપ કરવાનું એક્સાઇટમેન્ટ બહુ હતું. જોશ-જોશમાં મેં હા તો પાડી દીધી હતી, પણ કંઈ હેલ્થ પ્રૉબ્લેમ ન થાય એનો ડર પણ સતાવી રહ્યો હતો કારણ કે જ્યારે બહાર જવાનું નામ પડે ત્યારે મારું બ્લડપ્રેશર હાઈ થઈ જાય. આમ તો અમે બધા જ પ્રકારની દવાઓ ભેગી રાખી હતી, પણ ઠાકોરજીની કૃપાથી ૩૫ દિવસની ટ્રિપમાં અમને કોઈ પણ પ્રકારની અડચણ આવી નથી. આટલી સ્મૂધ ટ્રિપ કોઈની નહીં થઈ હોય એવી અમારી થઈ છે. એવું જ લાગતું હતું જાણે ભગવાને જ ધારેલી ટ્રિપ હતી.’
ભરતપુરના કેવલાદેવ નેચર પાર્કમાં બગ્ગી અને બોટની સફર.
જહાં ચાહ, વહાં રાહ
ટ્રિપ માટે બહેનપણીઓ તૈયાર થયા બાદ આ ડ્રીમ-ટ્રિપ માટે એક પછી એક વ્યવસ્થા આપોઆપ જ થતી ગઈ. આ વિશે વાત કરતાં મીનલબહેન કહે છે, ‘મન મક્કમ બની જાય ત્યારે રસ્તો આપોઆપ નીકળતો જાય એમ અમારો પણ ફરવા જવાનો પ્લાન બન્યો એટલે આપોઆપ રસ્તો નીકળતો ગયો. અમે રોડ-ટ્રિપનો પ્લાન કર્યો ત્યારે પારુલના હસબન્ડે તો તેમની વૉલ્વો કાર મને ચલાવવા આપી દીધી અને કિરણના હસબન્ડે જે કાર આપી હતી એમાં અમે સામાન રાખ્યો અને ડ્રાઇવર રાખી લીધો હતો. બન્ને કારમાં અમારા ફોટોવાળાં સ્ટિકર્સ લગાવી દીધાં હતાં. સ્ટિકરે તો એવો જાદુ કર્યો કે અમને ક્યાંય અડચણ આવી નહીં. આખા રૂટમાં કોઈએ અમને ક્યાંય ચેકિંગ માટે કે અન્ય કોઈ ચીજ માટે રોક્યાં નથી. રસ્તામાં મળતા લોકોને પણ અમારી ટ્રિપ ગમી રહી હતી અને તેઓ અમને ચિયર-અપ કરી રહ્યા હતા. એ લોકોના પ્રેમ અને ઉત્સાહને જોઈને અમે પોતાને સિક્સ્ટીને બદલે સ્વીટ સિક્સ્ટીન માની રહ્યાં હતાં. અમને ખરેખર આખા રૂટમાં બહુ જ મજા આવી. જાણે ટીનેજર્સ ફ્રેન્ડ્સ પ્રવાસ દરમિયાન મસ્તી કરતી હોય એ રીતે જ અમે આખી ટ્રિપમાં ભરપૂર ધમાચકડી કરી છે અને હસતાં-રમતાં માણી છે.’
કિશનગઢ
આઇટિનરી છે ખાસ
પાંચેય સહેલીઓ માટે સાત રાજ્યોની ટ્રિપ ખાસ તો હતી જ, પણ એને એક્ઝિક્યુટ કરવા માટે બનાવવામાં આવેલી આઇટિનરી પણ એટલી જ ખાસ હતી. આ વિશે વાત કરતાં મીનલબહેન કહે છે, ‘૩૫ દિવસ લાંબી ટ્રિપ હતી તો રોડમૅપ બનાવવો અને કેવી રીતે ક્યાં જવું અને રોકાવું એનું પ્લાનિંગ કરવું જરૂરી હતું. રોડ-ટ્રિપનું સપનું મારું હતું તો હું ઇચ્છતી હતી કે કોઈને કોઈ પણ પ્રકારની અવગડ ન પડે અને બધી જ સુવિધા સાથે સ્મૂધ ટ્રિપ થાય. તેથી આઇટિનરી મેં જ બનાવવાનો નિર્ણય લીધો. પારુલની મદદથી આઇટિનરી ડિઝાઇન કરી. પાંચથી છ વાર મીટિંગ કરીને કલાકો સુધી બેસીને ક્યાં હૉલ્ટ લેવો જોઈએ, કયો રૂટ સારો પડશે, ક્યાં ફરવાલાયક જગ્યા છે, કપડાં ક્યાં લૉન્ડ્રીમાં આપી શકાય એ બધી જ ચીજો પર ડીટેલિંગ સાથે કામ કર્યું હતું. રોડમૅપની સાથે ડેઇલી ડાયટ ચાર્ટ પણ બનાવ્યો હતો. અમારા બધાની ઉંમર વધુ હોવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેથી સવારના નાસ્તાથી લઈને રાત્રે શું ખાવું છે, ડ્રાઇવિંગથી બ્રેક કેટલા વાગ્યે લેવો છે, કેટલા વાગ્યે ગેમ્સ રમવી છે, આરામ ક્યારે કરવો છે એ આખું ટાઇમટેબલ મેં ઘરેથી જ બનાવ્યું હતું અને મારી આઇટિનરીએ બધાને જ પ્રભાવિત કર્યા હતા.’
ડ્રીમ-રૂટ
ડ્રીમ-રૂટ વિશે વાત કરતાં મીનલબહેન કહે છે, ‘અમારું સૌથી પહેલું ડેસ્ટિનેશન હતું નાશિક. મુલુંડથી નીકળીને અમે સીધાં નાશિકમાં જૈન મંદિરનાં દર્શન કરીને સુલા વિન્યાર્ડ ફર્યાં હતાં. ત્યાર બાદ ઇલોરા, અજન્તા અને રહસ્યમયી લોણાર લેક વિઝિટ કરીને નાગપુરની વિશ્વ હિન્દુ પરિષદના લોકો સાથે વાતચીત કરી હતી. ત્યાંથી નીકળીને અમે પેન્ચ નૅશનલ પાર્કની મજા માણીને મધ્ય પ્રદેશના જબલપુરથી ખજુરાહો અને ત્યાંથી ચિત્રકૂટ પહોંચ્યાં હતાં. આટલા રૂટને અમે નવ દિવસમાં કવર કર્યો હતો. દસમા દિવસે રેસ્ટ લઈને સીધાં પહોંચ્યાં પ્રયાગરાજ. ત્યાં ત્રિવેણી સંગમનાં દર્શન કર્યા બાદ વારાણસી પહોંચ્યાં હતાં. ત્યાંથી અમે સત્તરમા દિવસે રામલલાના જન્મસ્થાન અયોધ્યા પહોંચ્યાં હતાં. ત્યાં અમારા પરિવારવાળાઓ અમને મળવા આવ્યા હતા. સહપરિવાર અમે રામલલાનાં દર્શન કર્યાં અને તેઓ પછી ફ્લાઇટથી ઘરે જતા રહ્યા અને અમે અમારી ટ્રિપ ચાલુ રાખી. અયોધ્યા ફર્યા બાદ અમે થોડો સમય ઉત્તર પ્રદેશમાં જ વિતાવવાનું નક્કી કર્યું હતું. લખનઉ, જૌનપુર અને કાનપુર ફર્યા બાદ અમે યુ-ટર્ન માર્યો. ઉત્તર પ્રદેશથી અમે આગરાનો તાજમહલ જોઈને રાજસ્થાન તરફ પ્રસ્થાન કર્યું. રાજસ્થાનના જયપુરમાં હવામહલ જોયા બાદ પુષ્કર, નાથદ્વારા અને માઉન્ટ આબુ થઈને ગુજરાતમાં અંબાજી માતાનાં દર્શન કર્યાં. ૩૧મા દિવસે અમદાવાદ થઈને અમે સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં સમય પસાર કર્યો હતો ને દમણ થઈને ૨૪ ડિસેમ્બરે મોડી રાત્રે અમારી ડ્રીમ-ટ્રિપનો અંત થયો હતો.’
ભેડાઘાટ પાસે નર્મદા નદીમાં બોટિંગ.
અમને VIP ગેસ્ટ સમજી લીધા
પ્રવાસ દરમિયાન થયેલા મજેદાર અનુભવો વિશે વાત કરતાં મીનલબહેન કહે છે, ‘નાગપુરમાં અમે એક હોટેલમાં ચેક-ઇન કરવાનાં હતાં ત્યાં અમારું ફ્લાવર બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું. આ જોઈએ અમે તો આશ્ચર્યમાં મુકાયાં, પણ પછી ખબર પડી કે અમે જે હોટેલમાં રોકાયાં હતાં ત્યાં આયોજિત એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આવવાના હતા. એ સમયે અમે વૉલ્વો કારમાં આવ્યા તો હોટેલના મૅનેજરને લાગ્યું કે અમે પણ ગડકરીસાહેબના ખાસ છીએ તો તેમણે અમારું સ્વાગત કર્યું. હોટેલના સ્ટાફની ભલે આ મિસઅન્ડરસ્ટૅન્ડિંગ હતી પણ આવી મહેમાનનવાજી જોઈને અમને તો સેલિબ્રિટીવાળી ફીલિંગ આવી ગઈ. હજી એક કિસ્સો એ પણ છે કે અમે ઉદયપુર પહોંચ્યાં ત્યારે મારો બર્થ-ડે હતો. એ સમયે મારી બહેનપણીઓએ હોટેલનો રૂમ ડેકોર કરીને મને સરપ્રાઇઝ આપી હતી અને અમે સેલિબ્રેશન કર્યું હતું. ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેશનની મજા અલગ જ હોય છે. ત્યારે કિરણની દીકરી પણ ઉદયપુરમાં જ ફરતી હોવાથી અમને મળવા આવેલી અને મારા સેલિબ્રેશનમાં ચાર ચાંદ લગાવ્યા હતા. આ ટ્રિપને કારણે મારો બર્થ-ડે ખરેખર યાદગાર બની ગયો.’
પિન્ક સિટી જયપુરમાં .
ટ્રિપ એક, કિસ્સા અનેક
રાજસ્થાનની એક યુનિક પ્લેસના અનુભવ વિશે મીનલ કિરી કહે છે, ‘રાજસ્થાનના કિશનગઢમાં સૌથી યુનિક પ્લેસ જોઈ ડમ્પિંગ યાર્ડ. નામ સાંભળીને અમને થયું કે ડમ્પિંગ યાર્ડમાં શું જોવાનું હશે? જોકે જ્યારે અમે અહીં પહોંચ્યાં ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયાં. સફેદ કલરની બરફાચ્છાદિત દેખાતી જગ્યા બીજું કંઈ નહીં પણ સંગેમરમરને કાપીને નીકળેલો પાઉડર છે. સફેદ સર્ફેસ વચ્ચે આવેલું પાણી આઇલૅન્ડ જેવો લુક આપે છે એટલે એને ‘રાજસ્થાનનું સ્વિટ્ઝરલૅન્ડ, ‘રાજસ્થાનનું કાશ્મીર’ અને ‘રાજસ્થાનનું મૂનલૅન્ડ’ પણ કહેવાય છે. ડમ્પિંગ યાર્ડ આટલું સુંદર હોઈ શકે છે એ પહેલી વાર જોયું અને માણ્યું પણ.’
વધુ એક રસપ્રદ કિસ્સા વિશે જણાવતાં મીનલબહેનનાં ફ્રેન્ડ કિરણ લોઢા કહે છે, ‘અમે ટ્રિપ દરમિયાન વિવિધ પર્યટન અને ધાર્મિક સ્થળો તો વિઝિટ કર્યાં પણ જ્યારે-જ્યારે પણ નાનકડાં ગામોની વિઝિટ કરી એની મજા ખરેખર અલગ જ હતી. ઉત્તરપ્રદેશમાં આગરા પાસેના એક ગામમાં અમે લટાર મારતાં હતાં ત્યારે ફરતાં-ફરતાં બટાટાના ખેતરમાં પહોંચ્યાં હતાં. ત્યાં અમે અમારો વિડિયો શૂટ કરતાં હતાં અને રીલ બનાવતાં હતાં. ગીતનો અવાજ સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા. અમને થયું કે એવું શું થયું હશે, આ લોકો શા માટે ભેગા થયા એવા જાતજાતના પ્રશ્નો થતા હતા પણ પછી ખબર પડી કે એ લોકોને લાગ્યું કે અમે સેલિબ્રિટી છીએ અને અમે શૂટિંગ કરી રહ્યાં છીએ તો જોવા આવ્યા હતા. જ્યારે આ વાતની અમને ખબર પડી ત્યારે તેમના નિખાલસ સ્વભાવનાં ઓવારણાં લેવાનું મન થયું. અમે ઘણાં ગામોમાં ગયાં અને ત્યાંના લોકો વિશે વાતચીત કરી, તેમની જીવનશૈલી જોઈ ત્યારે ખબર પડી કે તેમની પાસે વધુ સુખસુવિધાઓ ન હોવા છતાં આપણા કરતાં વધુ સંતોષી અને સુખી જીવન જીવે છે. આ ઉપરાંત અમે ભારત-પાકિસ્તાનની બૉર્ડર પર રાજસ્થાનમાં આવેલા ભરતપુરના અપના ઘરમાં ગયાં હતાં. હજારો અનાથ અને બીમાર લોકોને ત્યાં સેવા અપાય છે. ભારત જ નહીં, નેપાલ અને બંગલાદેશના બીમાર લોકોને આશરો આપે છે. આ જગ્યાએ અમારી આંખો ખોલી છે. અહીં બધા જ લોકોને પ્રભુજી કહીને જ બોલાવાય છે. માણસો જ નહીં, પશુ-પંખીની પણ અહીં સેવા થાય છે. આ જગ્યાએ આવીને એવું લાગ્યું કે આપણે નાની-નાની વાતોમાં ફરિયાદ કરીએ છીએ પણ આ લોકોના જીવનમાં કોઈ છે નહીં અને છે તો બીમારીને લીધે અહીં આવ્યા છે તેમ છતાં એ લોકો સુખી છે.’
ફેરવેલ જોરદાર, વેલકમ શાનદાર
મીનલબહેન ઍન્ડ કંપનીને ફરવા જવા નીકળતાં પહેલાં તેમના પરિવારના સભ્યોએ ભેગા મળીને ગ્રૅન્ડ ફેરવેલ આપ્યું હતું અને આવ્યાં ત્યારે વેલકમ સેરેમની પણ જબરી થઈ હતી. આ વિશે વાત કરતાં મીનલબહેન જણાવે છે, ‘અમે જાણે કંઈ મોટું કામ કરવા જઈ રહ્યા હોઈએ એમ અમારા પરિવારના લોકો જવા પહેલાં ભેગા થયા હતા અને કેક-કટિંગ કર્યું અને સેલિબ્રેશન કરીને ગ્રૅન્ડ ફેરવેલ આપ્યું હતું. ઍક્ચ્યુઅલી અમે ૧૮ નવેમ્બરે નીકળવાનું નક્કી કર્યું હતું પણ ૨૦ તારીખે વિધાનસભાની ચૂંટણી હોવાથી મતદાન કરીને નીકળવાનો નિર્ણય લીધો. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિબાપ્પાના આશીર્વાદ સાથે થાય છે એમ અમે પણ મુલુંડના ફેમસ ફાયરબ્રિગેડના ગણપતિબાપ્પાનાં દર્શન કરીને ટ્રિપની શરૂઆત કરી. ૨૪ ડિસેમ્બરે અમે મોડી રાત્રે ઘરે આવ્યાં હતાં તેથી વેલકમ સેરેમનીનું આયોજન ૨૫ તારીખે રાખ્યું હતું. એમાં પણ અમે ખૂબ મજા કરી. આવ્યાં ત્યારે પણ જાણે કોઈ મેડલ જીતીને આવ્યાં હોઈએ એવા હરખથી પરિવારે અમને વધાવ્યાં હતાં.’