09 November, 2024 02:53 PM IST | Mumbai | Heena Patel
તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય
જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં જ્યારે સ્પિરિચ્યુઅલ ટૂરિઝમનો વ્યવસાય મસ્ત ખીલી રહ્યો છે ત્યારે મંદિરોનું મૅનેજમેન્ટ પણ પ્રોફેશનલ રીતે થાય એ બહુ જરૂરી બની ગયું છે. હાલમાં મુંબઈ યુનિવર્સિટીમાં એક વર્ષના કોર્સનો પહેલો બૅચ શરૂ થઈ ગયો છે ત્યારે જાણીએ કે આ યુનિક કોર્સમાં શું શીખવવામાં આવે છે અને કઈ રીતે
હજી થોડા દિવસો પહેલાં જ કર્ણાટકના પહાડીઓ પર સ્થિત દેવીરમ્મા મંદિરમાં ભાગદોડ થતાં ૧૦ શ્રદ્ધાળુઓ જખમી થયા હતા. તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય છે. ધાર્મિક સ્થળે લોકોની ભારે ભીડ વચ્ચે ભાગદોડ થતાં શ્રદ્ધાળુઓએ જીવન ગુમાવવાનો વારો આવ્યો હોય એવા પણ ઘણા કિસ્સા આપણે ત્યાં જોવા મળે છે. એવા સમયે જો ભીડનું સંચાલન પ્રોફેશનલી કરવામાં આવે તો કદાચ સિનારિયો જુદો હોઈ શકે છે.
ફક્ત ભીડનું સંચાલન કરવાની જ વાત નથી, મંદિરોના સરળ સંચાલન માટે ટેક્નૉલૉજીનો ઉપયોગથી લઈને વેસ્ટ મૅનેજમેન્ટથી લઈને, પ્રસાદની ક્વૉલિટી, ભંડોળનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરવાથી લઈને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી કરવા સુધીનાં બધાં પાસાંઓનો વિચાર કરવો જરૂરી છે. આવું બધું હવે ઍકૅડેમિક ટ્રેઇનિંગ દ્વારા અપાય એવો પોસ્ટ-ગ્રૅજ્યુએશન ટેમ્પલ મૅનેજમેન્ટનો કોર્સ વેલિંગકર યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ સેન્ટરના માધ્યમથી શરૂ કર્યો છે, જેમાં વિદ્યાર્થીઓને ટેક્નૉલૉજી અને પ્રોફેશનલ મૅનેજમેન્ટના માધ્યમથી ટેમ્પલની સંપૂર્ણ ઇકોસિસ્ટમ કઈ રીતે મૅનેજ કરવી એ શીખવાડવામાં આવે છે.
ટેમ્પલ મૅનેજમેન્ટની જરૂર કેમ?
મંદિરના સંચાલનમાં ટેમ્પલ મૅનેજમેન્ટની ટ્રેઇનિંગ શા માટે જરૂરી છે એ વિશે વાત કરતાં મુંબઈ યુનિવર્સિટીના સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝનાં ઇનચાર્જ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. માધવી નરસાળે કહે છે, ‘આજે મોટા ભાગનાં ધાર્મિક સ્થળો કે મંદિરોમાં તમે જોશો તો તમને ગંદકી અને કચરાના યોગ્ય નિકાલનો અભાવ દેખાશે. નદી-ઘાટ કચરાથી ભરેલાં દેખાશે અને દુર્ગંધથી વાસ મારતાં હશે. આ સ્થિતિ બદલવા માટે સસ્ટેનેબલ ડેવપલમેન્ટની ટ્રેઇનિંગ આપવી ખૂબ જરૂરી છે. એમાં શીખવાડવામાં આવે કે મંદિરોમાં ભક્તો ભગવાનને જે ફૂલ-હાર ચડાવે છે એને કચરામાં ફેંકવાને બદલે એમાંથી અગરબત્તી કે બીજી વસ્તુઓ કેમ બનાવી શકાય. મંદિરોમાં લોકો પ્લાસ્ટિક જ્યાં-ત્યાં રસ્તા પર કે નદીમાં ન ફેંકે એ માટે કઈ રીતે એક એવી સિસ્ટમ ઊભી કરી શકાય જેથી એનો યોગ્ય નિકાલ થઈને એ રીસાઇકલ માટે જાય. વીજળીની જરૂરિયાત માટે કઈ રીતે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શકાય કે પછી કઈ રીતે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણીનો સંગ્રહ) કરીને પાણીની જરૂરિયાત એમાંથી પૂરી કરી શકાય. આજના આધુનિક જમાનામાં મંદિરના સરળ સંચાલન માટે કઈ રીતે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકીએ એ શીખવું પણ ખૂબ જરૂરી છે. એટલે જ મંદિરની વેબસાઇટ પર ઑનલાઇન દર્શન, પ્રસાદની સુવિધા આપવી, સેફ્ટી-સિક્યૉરિટી માટે કઈ રીતે CCTV કૅમેરા જેવાં બીજાં ગૅજેટ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ થઈ શકે, સ્વચ્છતા જાળવવા માટે કઈ રીતે ઍડ્વાન્સ ક્લીનિંગ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો એની ટ્રેઇનિંગ આપવામાં આવે છે.`
ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ પણ જરૂરી
જ્યાં ભક્તોની ભીડ એકઠી થાય છે ત્યાં એકાદ નાની ભૂલ પણ ખોટી ભાગદોડ મચાવી દે એવું બની શકે છે. આ વિશે વધુ માહિતી આપતાં ડૉ. માધવી નરસાળે કહે છે, ‘હજી થોડાં વર્ષ પહેલાં જ કેદારનાથમાં જે પૂર આવેલું અને એમાં ઘણા લોકોના જીવ ગયેલા, કુંભમેળામાં પણ જે રીતે લોકોની ભીડ ઊમટે છે એ જોતાં ધક્કામુક્કીના બનાવો બનતા રહે છે, પંઢરપુરમાં પણ જે વારી થાય છે એમાં પણ રહેવાની, ખાવા-પીવાની, ટૉઇલેટની સુવિધાના અભાવે અનેક લોકો બીમારીનો ભોગ બનતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરવું જોઈએ એ શીખવાડવા માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટ્રેઇનિંગ આપવી ખૂબ જરૂરી છે. એ સિવાય ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ શીખવવું પણ એટલું જ જરૂરી છે. આજે મંદિરો પાસે જે કરોડો રૂપિયાનું ભંડોળ આવે છે એનો ઉપયોગ સામાજિક અને વિકાસકાર્યો માટે થવો જોઈએ. એટલે મંદિરોના સામાજિક દાયિત્વના ભાગરૂપે કઈ રીતે ભક્તો માટે રહેવાની, સ્નાનગૃહ, ટૉઇલેટ વગેરેની સુવિધા પૂરી પાડી શકાય? શાળા-કૉલેજનું નિર્માણ, રસ્તાના બાંધકામ, આરોગ્યની સુવિધા, સ્થાનિક લોકો માટે રોજગારની તકો એ બધી બાબતો વિશે શીખવાડવામાં આવે છે. એ સિવાય પણ મંદિરોને જે દાન મળ્યું છે એને કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકાય? મંદિરના ફન્ડ કે રાઇટ્સને લઈને કોઈ લીગલ મૅટર થાય તો એ વખતે કઈ રીતે પ્રિપેર્ડ રહેવું એ શીખવાડવામાં આવે. આ બધી વસ્તુ શીખવાડવા માટે એક પ્રૉપર ઍકૅડેમિક ટ્રેઇનિંગ આપવી ખૂબ જરૂરી છે. એ માટે ટેમ્પલ મૅનેજમેન્ટ જેવા કોર્સની આજના સમયના હિસાબે ખૂબ જરૂર છે.’
સ્પિરિચ્યુઅલ ટૂરિઝ્મનો ટ્રેન્ડ
દેશમાં સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ એટલે કે ધાર્મિક પર્યટનનું પ્રમાણ વધી રહ્યું છે. એક આંકડા મુજબ ભારતમાં આશરે ૬૦ ટકા પર્યટન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવાસ સાથે સંકળાયેલું છે. પર્યટન મંત્રાલયના ૨૦૨૨ના આંકડા મુજબ ૧૪૩૩ મિલ્યન સ્થાનિક પર્યટકોએ દેશનાં વિવિધ ધાર્મિક સ્થળોએ પ્રવાસ કર્યો હતો. દેશમાં વધી રહેલા ધાર્મિક પર્યટનના ચલણ પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ કે અગાઉ લોકો ફક્ત રિલૅક્સ થવા માટે પર્યટન પર જતા હતા, પણ હવે મનની શાંતિ મેળવવા માટે મંદિરમાં અથવા તો યોગ-ધ્યાન માટે વિવિધ સ્થળોની મુલાકાત લે છે. બીજું, ધાર્મિક પર્યટનને બઢાવો આપવા માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપી રહી છે જેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે ઉજ્જૈન મહાકાલ કૉરિડોર, અયોધ્યા રામ મંદિર તમારી સામે છે. એ સિવાય ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ધાર્મિક પર્યટનને બઢાવો આપવા માટે ઈંધણ પૂરું પાડી રહ્યો છે. ભારતમાં આપણાં મંદિરો દેશના સમૃદ્ધ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક તો છે જ પણ સાથે-સાથે દેશની અર્થવ્યવસ્થામાં પણ એનો મોટો ફાળો રહ્યો છે. દેશનાં સમૃદ્ધ મંદિરોની યાદીમાં શ્રી પદ્મનાભસ્વામી મંદિર, તિરુમલા વ્યંકટેશ્વર મંદિર, વૈષ્ણોદેવી મંદિર વગેરે જેવાં મંદિરોનો સમાવેશ છે જેમાં વર્ષે કરોડો રૂપિયાનું દાન શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે. અયોધ્યાના રામમંદિરની જ વાત કરીએ તો આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ એના ઇનોગ્યુશનના એક મહિનામાં જ ભક્તો તરફથી અંદાજે ૨૫ કરોડ જેટલું ડોનેશન પ્રાપ્ત થયું હતું. જો આટલા મોટા પાયે મંદિરોને દાન મળતું હોય ત્યારે ફન્ડ મૅનેજમેન્ટ પણ ખૂબ જરૂરી બની જાય છે.
કઈ રીતે ટ્રેઇનિંગ આપવામાં આવે?
ટેમ્પલ મૅનેજમેન્ટની ઍકૅડેમિક ટ્રેઇનિંગ આપવાનું કામ કઈ રીતે કરવામાં આવે છે એ વિશે માહિતી આપતાં સંસ્કૃતના PhD સ્કૉલર અને ડિપાર્ટમેન્ટ ઑફ સંસ્કૃત અને હિન્દુ સ્ટડીઝમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં રેણુકા પંચાલ કહે છે, ‘સ્ટૂડન્ટ્સને અમે થિયરી અને પ્રૅક્ટિકલ બન્ને નૉલેજ આપીએ છીએ. થિયરીમાં અમે ઓવરવ્યુ ઑફ ટેમ્પલ મૅનેજમેન્ટ એટલે કે એક મંદિર ચલાવવા માટે જેની પણ જરૂર પડે એ તમામનું વ્યવસ્થાપન શીખવીએ. કોઈ ધંધામાં ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ અલગ રીતે કરવાનું હોય, જ્યારે ધાર્મિક સંસ્થાનું ફાઇનૅન્શિયલ મૅનેજમેન્ટ કઈ રીતે અલગ છે એ પણ શીખવીએ. પર્સ્પેક્ટિવ મૅનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે. મંદિરો મોટા ભાગે પબ્લિક ટ્રસ્ટ હેઠળ ચાલતાં હોય છે. એના કાયદાઓ પણ ભણાવીએ છીએ. આના માધ્યમથી અમે મંદિરના ઍડ્મિનિસ્ટ્રેશન, ઑપરેશન અને મૅનેજમેન્ટને લગતું બધેબધું શીખવાડીએ છીએ. દરેક પાસાનો વિચાર કરીને મંદિરનું સંચાલન ઇફેક્ટિવ રીતે કઈ રીતે કરી શકાય એ શીખવાડીએ. અમે સ્ટુડન્ટ્સને મોટાં મંદિરોમાં લઈ જઈને સાઇટ વિઝિટ કરીને ત્યાંનું સંચાલન દેખાડીએ. એનું ઍનૅલિસિસ કરવાની અને ઇન્ટર્નશિપમાં તેમને ઘર નજીકનાં નાનાં-મોટાં મંદિરોમાં જવાનું હશે.’
વધી રહેલા સ્પિરિચ્યુઅલ ટૂરિઝમના ટ્રેન્ડ વચ્ચે આ ફીલ્ડમાં ભવિષ્યમાં વધુ સ્કોપ જોવા મળે એવી શક્યતા છે.
CA થયા પછી મંદિરનું મૅનેજમેન્ટ ભણે છે આ ગર્લ
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા પછી ટેમ્પલ મૅનેજમેન્ટના કોર્સમાં જોડાયેલી બોરીવલીની ૩૧ વર્ષની પ્રીતિ દવે કહે છે, ‘ટેમ્પલ મૅનેજમેન્ટનું નામ સાંભળીને મને એ જાણવાની ઉત્સુકતા હતી કે આમાં શું હોય. જનરલી આપણે ભગવાનનાં દર્શન કરી પ્રસાદ લઈને નીકળી જતા હોઈએ છીએ, પણ ત્યાં જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે એ તરફ કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી. ટેમ્પલ મૅનેજમેન્ટ ભણ્યા પછી હવે ખબર પડે છે કે કઈ રીતે મંદિરો કામ કરે છે. મુંબઈમાં આ કોર્સ હજી સૌપ્રથમ વાર જ લૉન્ચ થયો છે. અમારો ફર્સ્ટ બૅચ છે. આ વર્ષના જુલાઈ-ઑગસ્ટમાં અમે આ ભણવાની શરૂઆત કરી હતી. આજની ટેમ્પલ ઇકોલૉજીને ધ્યાનમાં લેતાં એક વર્ષનો આ ડિપ્લોમા કોર્સ સ્ટુડન્ટ્સ માટે એક સારો કરીઅર ઑપ્શન છે.’
કોર્સમાં શું શીખવા મળ્યું અને એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે એ વિશે વાત કરતાં પ્રીતિ કહે છે, ‘અમને વિવિધ મંદિરો અને તીર્થસ્થળોના કેસ-સ્ટડીઝ જેમ કે વૈષ્ણોદેવી, શિર્ડી, તિરુપતિ બાલાજી વગેરેનાં ઉદાહરણો સાથે સમજાવવામાં આવે છે. હજી થોડા સમય પહેલાં જ અમને એક પ્રોજેક્ટ મળ્યો હતો જેમાં ઘરની નજીક આવેલા મંદિરમાં જઈને તેમની પાસેથી મંદિરનો ઇતિહાસ, મંદિરના સ્ટ્રક્ચર, મંદિર સાથે જોડાયેલી માન્યતા, ડેઇલી ઍક્ટિવિટી, વિવિધ ફેસ્ટિવલ્સ, ભોજનાલય કઈ રીતે ચાલે, આવક-ખર્ચનો હિસાબ એ બધાં વિશે માહિતી મેળવવાની હતી. હવે સાઇટ વિઝિટ માટે વાડામાં આવેલા ગોવર્ધન ઇકો વિલેજમાં જવાનું છે.’
ટેમ્પલ મૅનેજમેન્ટ કરવું હોય તો લાયકાત અને ઍડ્મિશન પ્રોસેસ શું?
આ એક વર્ષનો પોસ્ટ-ગ્રૅજ્યુએટ ડિપ્લોમા કોર્સ છે.
ફર્સ્ટ બૅચ ચાલુ છે. આગામી બૅચ ૨૦૨૫માં જુલાઈ-ઑગસ્ટથી શરૂ થશે.
નવા બૅચ માટે મુંબઈ યુનિવર્સિટીની વેબસાઇટ પર એનું નોટિફિકેશન આવશે. ઍડ્મિશન ફૉર્મ ભરવાથી લઈને ફીસ ચૂકવવા સુધીની આખી પ્રોસેસ ઑનલાઇન જ હોય છે.
કોઈ પણ ફીલ્ડમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી હોય એ લોકો આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે. આ કોર્સમાં જોડાવા માટેની કોઈ એજ-લિમિટ નથી.
https://weschool.welingkaronline.org/TempleMgmt/faq.html પર તમામ ટર્મ્સ અને કન્ડિશન્સની માહિતી મળી રહેશે.
આ કોર્સની ફી ૨૦ હજારની આસપાસ છે.
ટેમ્પલ મૅનેજમેન્ટનો કોર્સ બે સેમેસ્ટરમાં ડિવાઇડેડ છે. સફળતાપૂર્વક એક્ઝામ પાસ કરવા પર પોસ્ટ-ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ ઇન ટેમ્પલ મૅનેજમેન્ટ (PGPTM)નું ક્વૉલિફિકેશન મળશે.
પહેલા બૅચમાં ૧૫ સ્ટુડન્ટ્સને કઈ રીતે ભણાવાય છે?
હાલમાં ફર્સ્ટ બૅચમાં કુલ ૧૫ સ્ટુડન્ટ્સ ટેમ્પલ મૅનેજમેન્ટનો કોર્સ કરી રહ્યા છે. મોટા ભાગના મિડલ એજવાળા પ્રોફેશનલ્સ છે. એવા લોકો પણ રસ દાખવી રહ્યા છે જેઓ અગાઉથી જ જે-તે મંદિર સાથે જોડાયેલા છે પણ તેમને પ્રોફેશનલ મૅનેજમેન્ટ શીખવું છે. પ્રોફેશનલ અને ઍકૅડેમિક લાઇફ બૅલૅન્સ થઈ શકે એ માટે હાઇબ્રીડ મોડ પર લેક્ચર લેવામાં આવે છે. ઑફલાઇન લેક્ચર મુંબઈ યુનિવર્સિટીના કૅમ્પસમાં જ થાય છે. એ ફક્ત અઠવાડિયામાં એક દિવસ શનિવારે સવારે આઠથી બપોરે બાર વાગ્યા સુધી હોય છે. ઑનલાઇન લેક્ચર અઠવાડિયામાં ત્રણ દિવસ હોય, જે સાંજે સાડા છથી સાડાઆઠમાં લેવામાં આવે છે. આ કોર્સ હેઠળ થિયરી લેક્ચરની સાથે ગેસ્ટ લેક્ચર, ઑન જૉબ ટ્રેઇનિંગ આપવામાં આવે છે.