04 November, 2024 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા
ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ મૅચની હોમ-સિરીઝમાં શરમજનક હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ટેબલમાં ભારત ટોચ પરથી બીજા સ્થાને સરકી ગયું છે. ટીમની પૉઇન્ટ્સની ટકાવારી ૬૨.૮૨થી ઘટીને ૫૮.૩૩ થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (૬૨.૫૦) હવે પૉઇન્ટ્સ-ટેબલમાં પહેલા ક્રમે છે. ભારતે હવે પાંચ મૅચની બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા ઑસ્ટ્રેલિયા રવાના થવાનું છે. આ પાંચ મૅચની સિરીઝમાં ચાર મૅચ જીતી અને એક ડ્રૉ કરીને ભારતીય ટીમ ફાઇનલમાં સ્થાન મેળવી શકશે. જોકે એક પણ હાર અને અન્ય ટીમનાં પરિણામો પણ ભારતીય ટીમના સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચવાના સપનાને અસર કરી શકે છે. કિવી ટીમને આ સિરીઝ બાદ ઘણો ફાયદો થયો છે. ત્રીજી ટેસ્ટમાં જીત બાદ ન્યુ ઝીલૅન્ડની પૉઇન્ટ-ટકાવારી ૫૦થી વધીને ૫૪.૫૫ થઈ છે અને આ ટીમ ચોથા ક્રમે પહોંચી ગઈ છે.
ફાઇનલ માટે દાવેદારી મજબૂત કરવા અન્ય ટીમે શું કરવું પડશે?
અન્ય ટીમનાં રિઝલ્ટ પર ધ્યાન ન આપીને જો ફાઇનલ માટે દાવેદારી મજબૂત કરવી હોય તો ઑસ્ટ્રેલિયાએ આગામી સાતમાંથી પાંચ ટેસ્ટ, શ્રીલંકાએ ચારમાંથી ચાર, ન્યુ ઝીલૅન્ડે ત્રણમાંથી ત્રણ અને સાઉથ આફ્રિકાએ ચારમાંથી ચારેચાર ટેસ્ટ જીતવી પડશે. ભારત સહિત આ ચાર ટીમ ફાઇનલિસ્ટ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે, જ્યારે ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, બંગલાદેશ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ રેસમાંથી બહાર ચાલી રહી છે.
દરેક ટીમની પૉઇન્ટ-ટકાવારી
ઑસ્ટ્રેલિયા - ૬૨.૫૦
ભારત - ૫૮.૩૩
શ્રીલંકા - ૫૫.૫૬
ન્યુ ઝીલૅન્ડ - ૫૪.૫૫
સાઉથ આફ્રિકા - ૫૪.૧૭
ઇંગ્લૅન્ડ - ૪૦.૭૯
પાકિસ્તાન - ૩૩.૩૩
બંગલાદેશ - ૨૭.૫૦
વેસ્ટ ઇન્ડીઝ - ૧૮.૫૨