09 January, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરફરાઝ ખાને ૬૨ રન કર્યા હતા, હાર્દિક પંડ્યાએ ૭૫ રન કર્યા હતા
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-’૨૬માં ગઈ કાલે સાતમો અને અંતિમ ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ રમાયો હતો. આખા દિવસમાં એલીટ ગ્રુપની ૧૬ મૅચમાં ૧૨ સદી અને ૨૮ ફિફ્ટી જોવા મળી હતી.
સરફરાઝ ખાને પંજાબ સામે ૧૫ બૉલમાં ફિફ્ટી ફટકારીને ધમાલ મચાવી હતી. લિસ્ટ-A ક્રિકેટમાં ભારતીય ખેલાડી તરીકેની સૌથી ઝડપી ફિફ્ટી હતી. તેણે મહારાષ્ટ્રના અભિજિત કાળેનો ૧૯૯૫નો અને બરોડાના અતિત શેઠનો ૨૦૨૧નો ૧૬ બૉલની ફિફ્ટીનો સંયુક્ત રેકૉર્ડ તોડ્યો છે. તેણે પંજાબના કૅપ્ટન અને પાર્ટ-ટાઇમ સ્પિનર અભિષેક શર્માની એક ઓવરમાં ત્રણ-ત્રણ ફોર અને સિક્સર ફટકારી હતી.
પંજાબે રમણદીપ સિંહના ૭૨ રનની ઇનિંગ્સના આધારે ૪૫.૧ ઓવરમાં ૨૧૬ રન કર્યા હતા. મુંબઈ ૨૬.૨ ઓવરમાં ૨૧૫ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું અને એક રનથી હાર્યું હતું. સરફરાઝ ખાને ૩૧૦ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરીને ૨૦ બૉલમાં ૭ ફોર અને પાંચ સિક્સના આધારે ૬૨ રન કર્યા હતા, પણ આ ઇનિંગ્સ ટીમને જિતાડી નહોતી શકી.
રાજકોટમાં બરોડાએ ૪૯.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૩૯૧ રન કર્યા એના જવાબમાં ચંડીગઢ ૪૦ ઓવરમાં ૨૪૨ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ૧૪૯ રનની મોટી જીત છતાં બરોડા +૦.૭૧૨ કરતાં સારાે નેટ રનરેટ ન મેળવી શક્યું અને ગ્રુપ Bમાં ૨૦ પૉઇન્ટ હોવા છતાં વિદર્ભ +૧.૨૬૪ના નેટ રનરેટને કારણે ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ન પહોંચી શક્યું. છઠ્ઠા ક્રમે રમીને હાર્દિક પંડ્યાએ ૩૧ બૉલમાં ૭૫ રન કર્યા હતા. ૨૪૧.૯૪ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરતાં તેણે બે ફોર અને ૯ સિક્સર ફટકારી હતી. તેણે બોલિંગ દરમ્યાન ૮ ઓવરમાં ૪૪ રન આપીને ૧ વિકેટ લીધી હતી.
રાજકોટમાં હૈદરાબાદે ગઈ કાલે જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે ૯ વિકેટે ૨૬૮ રન કર્યા હતા. જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૪૭.૫ ઓવરમાં ૭ વિકેટે ૨૭૨ રન કરીને જીત મેળવી હતી. બે વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ સહિતના બોલર્સની ધારદાર બોલિંગને કારણે જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૨૨.૫ ઓવરમાં ૯૦ રનના સ્કોરે ૭ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઇનિંગ્સમાં ૫૬ રન આપીને ૩ વિકેટ લેનાર આકિબ નબીએ આઠમા ક્રમે રમીને શાનદાર અણનમ સદી ફટકારી હતી.
તેણે ૮૨ બૉલમાં ૧૦ ફોર અને ૭ સિક્સરની મદદથી ૧૧૪ રન કરીને પ્રોફેશન કરીઅરની પહેલી સદી નોંધાવી હતી. ભૂતકાળમાં આકિબ નબી રણજી ટ્રોફીમાં રોહિત શર્માની વિકેટ લેવાને કારણે ચર્ચામાં હતો. IPL 2026 માટે દિલ્હી કૅપિટલ્સે ૨૯ વર્ષના આ ફાસ્ટ બોલરને ૮.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ગ્રુપ-સ્ટેજની ૭ મૅચોમાં કર્ણાટકનો બૅટર દેવદત્ત પડિક્કલ ૪ સદીની મદદથી ૬૪૦ રન બનાવીને હાઇએસ્ટ રન સ્કોરર બન્યો હતો. બોલિંગમાં ઉત્તર પ્રદેશના સ્પિનર ઝિશાન અન્સારી અને આંધ્ર પ્રદેશના ફાસ્ટ બોલર સત્યનારાયણ રાજુ ૨૧-૨૧ વિકેટ સાથે ટૉપ બોલર રહ્યા હતા.
વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-’૨૬નો ૭ મૅચનો ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચારેચાર ગ્રુપની ટૉપ-ટૂ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ટોટલ ૪ ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ સેમી ફાઇનલ રમાશે અને ૧૮ જાન્યુઆરીએ ફાઇનલ રમાશે. નૉકઆઉટની તમામ મૅચ બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં રમાશે.
પહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન કર્ણાટક અને મુંબઈ વચ્ચે રમાશે. બીજી ક્વૉર્ટર ફાઇનલ ઉત્તર પ્રદેશ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાશે.
ત્રીજી મૅચ પંજાબ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાશે, જ્યારે અંતિમ અને ચોથી ક્વૉર્ટર ફાઇનલનો જંગ દિલ્હી અને ગયા વર્ષની રણજી ટ્રોફી ચૅમ્પિયન વિદર્ભ વચ્ચે રમાશે.
ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૧૧, ૧૪, ૧૮ જાન્યુઆરીએ રમાવાની હોવાથી શ્રેયસ ઐયર અને રિષભ પંત જેવા પ્લેયર્સ નૉકઆઉટ મૅચ રમવાની તક ગુમાવશે એની શક્યતા વધુ છે.
એલીટ ગ્રુપ-Aમાં ૨૪ પૉઇન્ટ સાથે કર્ણાટક પહેલા અને ૨૦ પૉઇન્ટ સાથે મધ્ય પ્રદેશ બીજા ક્રમે રહ્યું. ગ્રુપ Bમાં ઉત્તર પ્રદેશ ૨૮ પૉઇન્ટ સાથે પહેલા અને વિદર્ભ ૨૦ પૉઇન્ટ સાથે બરોડાની સરખામણીમાં સારા નેટ રનરેટ કારણે બીજા ક્રમે રહ્યું હતું. ગ્રુપ Cમાં પંજાબની ટીમ ૨૪ અને મુંબઈની ટીમ ૨૦ પૉઇન્ટ સાથે ટૉપ-ટૂમાં રહી. ગ્રુપ Dમાંથી દિલ્હીએ ૨૪ પૉઇન્ટ અને સૌરાષ્ટ્રએ ૨૦ પૉઇન્ટ સાથે ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.