09 March, 2025 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફોર્ટ ગ્રુપ દ્વારા ચર્ચગેટમાં આવેલા ઓવલ મેદાનમાં આવતી કાલે અને શુક્રવારે ૧૪ માર્ચે ધુળેટીના દિવસે શ્રી અખિલ કચ્છ વાગડ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આલમદાર ઇલેવન, સ્ટાર સ્કોડ ઇલેવન, ફોર્ટ ઇલેવન, રૉયલ ઇલેવન, નમો ઇલેવન, ઈગલ ચાર્જર ઇલેવન, જય માતાજી ઇલેવન, કચ્છ કેસરી ઇલેવન, આશાપુરા ઇલેવન, યારી ઇલેવન, મુરલીધર ચોબારી ઇલેવન, ગોરાઈ ઇલેવન, ક્રિષ્ણા ઇલેવન, એનજીએમ બૉય ઇલેવન, ઠાકોર ઇલેવન અને રાજ ઇલેવન એમ કુલ ૧૬ ટીમ ભાગ લઈ રહી છે અને તેમની વચ્ચે લીગ રાઉન્ડમાં ૮-૮ ઓવર, ક્વૉર્ટર ફાઇનલમાં ૧૦ ઓવર, સેમી-ફાઇનલમાં ૧૨ ઓવરના મુકાબલાઓ બાદ ફાઇનલ ૧૬ ઓવરની રમાશે. ૨૦૦૨થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ગયા વર્ષે ઈગલ ચાર્જર ઇલેવન ચૅમ્પિયન બન્યું હતું.
આવતી કાલે સવારે ૬ વાગ્યે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ કાનજીભાઈ પટેલના હસ્તે થશે અને શુક્રવારે સાંજે ૪ વાગ્યે ઇનામ-વિતરણ સમારોહ યોજાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મુખ્ય અતિથિ તરીકે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પધારશે.