૨૬ વર્ષ બાદ રણજીમાં બરોડા સામે હાર્યું મુંબઈ

15 October, 2024 10:17 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

૬ વિકેટ સાથે ભાર્ગવ ભટ્ટનો તરખાટ: ગયા વર્ષની ચૅમ્પિયનને પહેલી જ મૅચમાં ૮૪ રનથી નામોશી જોવી પડી

ભાર્ગવ ભટ્ટ

વડોદરામાં ગઈ કાલે રણજી સિરીઝની પહેલી જ મૅચમાં ગઈ સીઝનની અને કુલ ૪૨ વખતની ચૅમ્પિયન મુંબઈએ બરોડા ટીમ સામે નામોશીભરી હાર જોવી પડી હતી. ગઈ સીઝનમાં ૪૨મી વખત ચૅમ્પિયન બન્યા બાદ દસેક દિવસ પહેલાં ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાને હરાવીને ૨૭ વર્ષ બાદ ચૅમ્પિયન બનનાર મુંબઈ ગઈ કાલે બરોડા સામે ૮૪ રનથી હારી ગયું હતું.

રણજીમાં બરોડા સામે મુંબઈને ૨૬ વર્ષ બાદ હાર જોવી પડી છે. છેલ્લે ૧૯૯૮માં બરોડાએ મુંબઈને ચાર વિકેટે હરાવ્યું હતું.

બરોડા સામે ગઈ કાલે ચોથા અને છેલ્લા દિવસે મુંબઈને જીત માટે ૨૬૨ રન જોઈતા હતા અને એણે દિવસની શરૂઆત બે વિકેટે ૪૨ રનથી કરી હતી. જોકે મુંબઈ બરોડાના સ્પિનર ભાર્ગવ ભટ્ટ સામે ઝૂકી ગયું અને ૧૭૭ રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું. ભાર્ગવ ભટ્ટે ૧૯.૪ ઓવરમાં એક મેઇડન સાથે ૫૫ રનમાં ૬ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. મુંબઈ વતી સૌથી વધુ સિદ્ધેશ લાડે ૫૯ રન બનાવ્યા હતા. મુંબઈ ટીમમાં સામેલ ચારેય સ્ટાર ખેલાડીઓ કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૨), શ્રેયસ ઐયર (૩૦), પૃથ્વી શૉ (૧૨) અને શાર્દૂલ ઠાકુર (૮) ટીમને હારથી બચાવી નહોતા શક્યા. 

મુંબઈ હવે એની બીજી મૅચ ૧૮ ઑક્ટોબરથી ઘરઆંગણે મહારાષ્ટ્ર સામે રમશે.

ગુજરાતે હૈદરાબાદને ૧૨૬ રનથી હરાવ્યું

સિકંદરાબાદમાં ગુજરાતે હૈદરાબાદને ૧૨૬ રનથી હરાવીને સીઝનની શુભ શરૂઆત કરી હતી. ૨૯૭ રનના ટાર્ગેટ સામે હૈદરાબાદ એક વખતે ચાર વિકેટે ૧૨૭ રન બનાવીને જીત તરફ આગળ વધી રહ્યું હતું પણ ત્યાર બાદ ધબડકો થતાં ૧૭૦ રનમાં જ આૅલઆઉટ થઈ ગયું હતું. 

mumbai baroda ranji trophy champions ajinkya rahane prithvi shaw shreyas iyer shardul thakur cricket news sports news sports gujarat hyderabad