ન્યુઝ શોર્ટમાં : ગિલને ડેન્ગી, આવતી કાલે રમે પણ ખરો

07 October, 2023 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ૨૬મીએ ગોવામાં નૅશનલ ગેમ્સનું ઉદ‍્ઘાટન અને વધુ સમાચાર

શુભમન ગિલ

ગિલને ડેન્ગી, આવતી કાલે રમે પણ ખરો

૨૦૨૩ના વર્ષના બીજા નંબરના બેસ્ટ બૅટર અને ભારતના ઓપનર શુભમન ગિલને ડેન્ગી થયો છે, પરંતુ કહેવાય છે કે તે આવતી કાલે ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની મૅચમાં રમે પણ ખરો. હેડ-કોચ રાહુલ દ્રવિડે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગિલની તબિયત ગુરુવાર કરતાં આજે ઘણી સારી હતી. મેડિકલ ટીમ સતત તેની સારવાર કરી રહી છે અને શનિવાર પછી તેની તબિયત કેવી છે એના પરથી અમે નક્કી કરીશું કે તે રમશે કે નહીં.’

શિખરને પત્ની આયેશાથી ડિવૉર્સ મળી ગયા

ક્રિકેટર શિખર ધવનને બુધવારે પાટનગર દિલ્હીની ફૅમિલી કોર્ટમાં પત્ની આયેશાથી છૂટાછેડા મળી ગયા હતા. શિખરે કિક બૉક્સર પત્ની આયેશા સામે ‘ક્રૂઅલ્ટી’નો આક્ષેપ કર્યો હતો અને અદાલતે એને તેમ જ માનસિક પરેશાનીને મુખ્ય કારણ બતાવીને છૂટાછેડા મંજૂર કર્યા હતા. એ સાથે બન્નેના ૧૧ વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. જોકે ઑગસ્ટ ૨૦૨૦થી તેઓ પતિ-પત્ની તરીકે સાથે નહોતાં રહેતાં. શિખરે કહ્યું કે ‘આયેશા ઑસ્ટ્રેલિયા રહેતી હતી અને ભારતમાં રહેવા આવવાનું કહેવા છતાં નહોતી આવતી તેમ જ મને ઑસ્ટ્રેલિયા રહેવા બોલાવતી હતી જે ક્રિકેટ કરીઅર જોતાં મારા માટે શક્ય નહોતું.’ તેમને એક પુત્ર (ઝોરાવર) છે, જેની કસ્ટડી તો શિખરને અદાલત આપી નથી શકી, પરંતુ પુત્રને વેકેશન દરમ્યાન ભારત લાવવાનો અદાલતે આયેશાને આદેશ આપ્યો હતો, જેથી શિખર અને તેનો પરિવાર પુત્રને મળી શકે. આયેશા અને પુત્ર ઝોરાવર બન્ને ઑસ્ટ્રેલિયાનાં નાગરિક છે.

ચૅમ્પિયન કૅપ્ટન યશ દિલ્હીનો કૅપ્ટન, રહાણે મુંબઈનો સુકાની

૧૬‍ ઑક્ટોબરે શરૂ થઈ રહેલી દેશની અગ્રગણ્ય ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં ગણાતી સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટમાં અન્ડર- ૧૯ વર્લ્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન યશ ધુલ દિલ્હીનું સુકાન સંભાળશે. પીઢ ફાસ્ટ બોલર ઇશાન્ત શર્મા તેના નેતૃત્વમાં રમશે. ટીમના અન્ય જાણીતા ખેલાડીઓમાં આયુશ બદોની, નવદીપ સૈની, લલિત યાદવ, ઋતિક શોકીનનો સમાવેશ છે. દિલ્હીની પ્રથમ મૅચ દેહરાદૂનમાં ઉત્તર પ્રદેશ સામે રમાશે. મુંબઈની ટીમે રહાણેને કૅપ્ટનપદે જાળવી રાખ્યો છે. મુંબઈની ટીમમાં શમ્સ મુલાની, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, તુષાર દેશપાંડે, ધવલ કુલકર્ણી, વગેરેનો સમાવેશ છે.

પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ૨૬મીએ ગોવામાં નૅશનલ ગેમ્સનું ઉદ‍્ઘાટન

૩૭મો રાષ્ટ્રીય રમતોત્સવ ૨૬ ઑક્ટોબરે ગોવામાં શરૂ થઈ રહ્યો છે અને એનું ઉ‍દ‍્ઘાટન એ દિવસે સાંજે ૬.૩૦ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થશે. પણજી, માપુસા, વાસ્કો, પૉન્ડા, મડગાંવ અને કોલ્વા બીચ ખાતે કુલ ૨૮ સ્થળે આ રમતોત્સવની ૪૩ સ્પોર્ટની ઇવેન્ટ‍્સ યોજાશે. કુલ ૧૦,૦૦૦ ઍથ્લીટ્સમાં ૪૯.૯ ટકા ગર્લ્સ અને મહિલાઓનો સમાવેશ હશે.

sports sports news cricket news india world cup shubman gill shikhar dhawan ajinkya rahane ishant sharma mumbai new delhi narendra modi