21 February, 2023 02:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કાઇલ જૅમીસન
ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર કાઇલ જૅમીસન આ અઠવાડિયે પીઠમાં સર્જરી કરાવશે જેને કારણે તે ત્રણથી ચાર મહિના નહીં રમી શકે. તે ઇંગ્લૅન્ડ સામે ૨૪મીએ શરૂ થતી બીજી અને છેલ્લી ટેસ્ટમાં તો નહીં રમે, ત્યાર બાદ શ્રીલંકા સામે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણીમાં તેમ જ ૩૧ માર્ચે શરૂ થનારી આઇપીએલમાં પણ નહીં રમે. ચેન્નઈ સુપર કિંગ્સે તેને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ન્યુ ઝીલૅન્ડનો જ બીજો ફાસ્ટ બોલર મૅટ હેન્રી બીજા બાળકના જન્મને કારણે ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો, તે હવે બીજી ટેસ્ટમાં રમશે. તેની પત્ની હૉલીએ ગયા અઠવાડિયે બાળકીને જન્મ આપ્યો હતો.
ઘાનાના જાણીતા ફુટબોલર ક્રિસ્ટિયન આત્સુનું તાજેતરમાં ટર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ થયું હતું અને તેનો મૃતદેહ ઘાના લાવવામાં આવ્યો છે. ૩૧ વર્ષના આત્સુનો મૃતદેહ સાઉથ ટર્કીમાં તેના ઘરની નીચેના કાટમાળમાંથી મળી આવ્યો હતો. તે ઘાના વતી ૬૫ મૅચ રમ્યો હતો અને ૨૦૧૫માં તે ઘાનાની ટીમને આફ્રિકા કપ ઑફ નેશન્સની ફાઇનલમાં પહોંચાડવામાં મદદરૂપ બન્યો હતો. તે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં એવર્ટન અને ન્યુ કૅસલ વતી રમ્યો હતો.