આજે સાઉથ આફ્રિકન ટીમે T20 સિરીઝ બચાવવા માટે લખનઉમાં અજેય રહેલા ભારતને પડકાર આપવો પડશે

17 December, 2025 09:30 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

૨-૧થી આગળ ટીમ ઇન્ડિયા લખનઉમાં ત્રણેય મૅચ જીતી છે, સાઉથ આફ્રિકા અહીં પહેલી વખત રમશે

લખનઉના સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા ભારતીય ખેલાડીઓ

સાઉથ આફ્રિકા સામેની પાંચ T20 મૅચની સિરીઝમાં ૨-૧થી આગળ ભારતીય ટીમ લખનઉમાં સિરીઝ પોતાને નામે કરવાના ઇરાદા સાથે ઊતરશે, જ્યારે એઇડન માર્કરમની ટીમ સાઉથ આફ્રિકા ચોથી T20 મૅચ જીતીને ૨-૨થી સિરીઝ લેવલ કરી રોમાંચ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ૨૦૨૩ બાદ પહેલી વખત ઇન્ટરનૅશનલ મૅચ રમાશે.  ભારતીય ટીમ ૨૦૧૮થી ૨૦૨૩ દરમ્યાન અહીં ૩ T20 મૅચ રમ્યું છે અને ત્રણેયમાં વિજેતા રહ્યું છે.  સાઉથ આફ્રિકા અહીં પહેલી વખત T20 મૅચ રમશે. આ ટીમે અહીં બે વન-ડે મૅચ રમી છે અને બન્ને જીતી છે.

T20 ઇન્ટરનૅશનલમાં આ વર્ષે ચિંતાજનક આંકડા ધરાવતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ પાસે ફૉર્મમાં પરત ફરવા માટે આજે સારી તક રહેશે. માંદગીને કારણે ઑલરાઉન્ડર અક્ષર પટેલ સિરીઝમાંથી બહાર થઈ ગયો હોવાથી ભારતે ઑલરાઉન્ડર શાહબાઝ અહમદને ટીમમાં સામેલ કર્યો છે. અંગત કારણોસર છેલ્લી મૅચ ગુમાવ્યા બાદ મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઉપલબ્ધતા અનિશ્ચિત છે.

લખનઉમાં ‘ધુરંધર’ ફિલ્મ જોઈ આવી ભારતીય ટીમ

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમે સોમવારે રાતે સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહેલી ‘ધુરંધર’ ફિલ્મ જોવાનો આનંદ માણ્યો હતો. સાઉથ આફ્રિકા સામેની ધરમશાલાની મૅચમાં જીત મેળવ્યા બાદ ખેલાડીઓને આરામ કરવાનો અને એકસાથે ફિલ્મ જોવાની તક મળી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ટીમ ફિલ્મનો આનંદ માણવા માટે લખનઉના એક મૉલમાં એકઠી થઈ હતી. 

south africa india indian cricket team team india t20 international world t20 t20 cricket news sports sports news lucknow gautam gambhir suryakumar yadav abhishek sharma shubman gill axar patel jasprit bumrah