01 December, 2023 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, કે. એલ. રાહુલ
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આવતા મહિને સાઉથ આફ્રિકામાં રમાનારી ટી૨૦ તથા વન-ડે સિરીઝમાંથી બ્રેક લીધો હોવાથી ફરી એક વાર સૂર્યકુમાર યાદવને ટી૨૦ ટીમનું અને કે. એલ. રાહુલને વન-ડે ટીમનું સુકાન સોંપાયું છે. હાર્દિક પંડ્યા પગની ઈજામાંથી હજી મુક્ત થયો ન હોવાથી તે એકેય ટીમમાં નથી. રાહુલ તેમ જ શ્રેયસ ઐયર અને જસપ્રીત બુમરાહે ટી૨૦ ટીમમાં ટેસ્ટ ટીમમાં કમબૅક કર્યું છે, જ્યારે અજિંક્ય રહાણે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં વાઇસ-કૅપ્ટન હતો, પરંતુ હવે તેને ટેસ્ટ ટીમમાં નથી સમાવવામાં આવ્યો.
મોહમ્મદ શમીને ટેસ્ટ ટીમમાં સમાવાયો છે, પરંતુ તેની તબીબી સારવાર ચાલતી હોવાથી તે પૂરો ફિટ હશે તો જ બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં રમશે.
રોહિત-કોહલીએ બ્રેક લીધો છે
રોહિત અને કોહલી ગયા વર્ષના ટી૨૦ વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલની શૉકિંગ હાર પછી ટી૨૦ ઇન્ટરનૅશનલ નથી રમ્યા.
ચહલનું કેમ કમબૅક?
યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સૅમસને વન-ડે ટીમમાં પુનરાગમન કર્યું છે. ચહલે ગયા અઠવાડિયે વિજય હઝારે ટ્રોફીમાં હરિયાણા વતી રમીને ૯ વિકેટ લીધી હતી. ખાસ કરીને ઉત્તરાખંડ સામેની મૅચમાં તેણે ૬ શિકાર કર્યા હતા. સૅમસન આ ટુર્નામેન્ટમાં કેરલાની ટીમ વતી રમ્યો છે.
કઈ ભારતીય ટીમમાં કોણ-કોણ?
ટી૨૦ ટીમ: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિન્કુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઇસ કૅપ્ટન), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચાહર.
વન-ડે ટીમઃ કે. એલ. રાહુલ (કૅપ્ટન, વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિન્કુ સિંહ, શ્રેયસ ઐયર, સંજુ સૅમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ અને દીપક ચાહર.
ટેસ્ટ ટીમઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કે. એલ. રાહુલ (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (વાઇસ કૅપ્ટન) અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ભારત-સાઉથ આફ્રિકાનું શેડ્યુલ
ટી૨૦ સિરીઝ
(૧) ૧૦ ડિસેમ્બરે ડરબનમાં પ્રથમ મૅચ, સાંજે ૭.૩૦ વાગ્યાથી
(૨) ૧૨ ડિસેમ્બરે કેબેગામાં બીજી મૅચ, રાતે ૮.૩૦ વાગ્યાથી
(૩) ૧૪ ડિસેમ્બરે જોહનિસબર્ગમાં ત્રીજી મૅચ, રાતે ૮.૩૦ વાગ્યાથી
વન-ડે સિરીઝ
(૧) ૧૭ ડિસેમ્બરે જોહનિસબર્ગમાં પ્રથમ મૅચ, બપોરે ૧.૩૦ વાગ્યાથી
(૨) ૧૯ ડિસેમ્બરે કેબેગામાં બીજી મૅચ, સાંજે ૪.૩૦ વાગ્યાથી
(૩) ૨૧ ડિસેમ્બરે પાર્લમાં ત્રીજી મૅચ, સાંજે ૪.૩૦ વાગ્યાથી
ટેસ્ટ સિરીઝ
(૧) ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ મૅચ, બપોરે ૧.૩૦ વાગ્યાથી
(૨) ૩ જાન્યુઆરીથી કેપ ટાઉનમાં બીજી મૅચ, બપોરે ૧.૩૦ વાગ્યાથી
ત્રણ પ્લેયર ત્રણેય ટીમમાં : પુજારા, રહાણે, ઉમેશની કરીઅર પૂરી?
શ્રેયસ ઐયર, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ આ ત્રણેય ખેલાડીઓ ટી૨૦, વન-ડે અને ટેસ્ટ ટીમમાં છે. અક્ષર પટેલને ટી૨૦ ટીમમાંથી ડ્રૉપ કરાયો છે, પરંતુ રવીન્દ્ર જાડેજા ટી૨૦ ટીમનો નવો વાઇસ કૅપ્ટન છે. રિન્કુ સિંહ અને સાઈ સુદર્શનને વન-ડેના ડેબ્યુનો મોકો આપવામાં આવ્યો છે. ચેતેશ્વર પુજારા ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ પ્લેયર છે, પરંતુ તેનો ટેસ્ટ-ટીમમાં સમાવેશ નથી. તેની તેમ જ બાદબાકીના શિકાર બીજા બે ખેલાડીઓ અજિંક્ય રહાણે અને ઉમેશ યાદવની કરીઅર પૂરી થઈ ગઈ કે શું એવી ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે.