04 January, 2026 10:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર
ન્યુ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની આગામી ૩ વન-ડે મૅચની સિરીઝ માટે ગઈ કાલે ક્રિકેટ બોર્ડે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી. સાઉથ આફ્રિકા સામેની ૧૫ સભ્યોની વન-ડે સ્ક્વૉડમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ, સ્ટાર બૅટર તિલક વર્મા અને ટૉપ ઑર્ડર બૅટર ઋતુરાજ ગાયકવાડને સ્થાન નથી મળ્યું. કૅપ્ટન શુભમન ગિલ, વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની વન-ડે ટીમમાં વાપસી થઈ છે.
શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન તો મળ્યું છે, પરંતુ તેની ઉપલબ્ધતા ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ફિટનેસ-ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. પ્રેસ-રિલીઝમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સેન્ટર ઑફ એક્સલન્સે હાર્દિક પંડ્યાને એક ઓવરમાં ૧૦ ઓવર ફેંકવાની મંજૂરી નથી આપી. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા સહિતના સિનિયર પ્લેયર્સે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહના નામનો ફરી એક વાર વન-ડે ટીમમાં ઉલ્લેખ નથી જોવા મળ્યો. છેલ્લે મોહમ્મદ શમી માર્ચ ૨૦૨૫માં અને જસપ્રીત બુમરાહ નવેમ્બર ૨૦૨૩માં ભારત માટે વન-ડે મૅચ રમ્યા હતા.
શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જાયસવાલ.