17 December, 2024 10:15 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુશ્કેલીમાં મુકાઈ ગયેલી ભારતીય ટીમને કેવી રીતે બચાવવી એ વિશે વાતચીત કરે રહેલા રોહિત શર્મા અને કે. એલ. રાહુલ.
ગૅબા ટેસ્ટનો ત્રીજો દિવસ ભારતીય ટીમ માટે અપેક્ષા અનુસારનો રહ્યો નહોતો. ઑસ્ટ્રેલિયન ટીમ ૪૪૫ રનમાં ઑલઆઉટ થયા પછી વરસાદના વિઘ્ન અને કાંગારૂ બોલર્સના તરખાટના કારણે ભારતીય ટીમે ૧૭ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી અને ૫૧ રન જ બનાવી શકી હતી. ભારત હજી ઑસ્ટ્રેલિયાથી ૩૯૪ રન પાછળ છે. મહેમાન ટીમ સામે સૌથી મોટો પડકાર ફૉલો-ઑન બચાવવાનો છે.
ગઈ કાલે શુભમન ગિલ માત્ર ૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
આ વર્ષે પહેલી વાર અને ભારત સામે ઘરઆંગણે નવ વર્ષ બાદ ટેસ્ટમાં ૪૦૦ પ્લસ રનનો સ્કોર કરનાર ઑસ્ટ્રેલિયન ટીમ માટે વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરીએ ૮૮ બૉલમાં ૭૦ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે ભારતીય દાવના બીજા બૉલ પર યશસ્વી જાયસવાલ (૪ રન) અને ત્રીજી ઓવરમાં શુભમન ગિલ (૧ રન)ને મિચલ માર્શના હાથે કૅચ-આઉટ કરાવ્યા હતા, જ્યારે જોશ હેઝલવુડે લંચ પહેલાં આઠમી ઓવરમાં વિરાટ કોહલી (૩ રન)ને વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથે કૅચ કરાવીને ભારતને ત્રીજો ઝટકો આપ્યો હતો.
પર્થ ટેસ્ટમાં મિચલ સ્ટાર્કને ઉશ્કેરનાર યશસ્વી જાયસવાલ ગઈ કાલે પણ માત્ર ૪ રન બનાવીને બીજા જ બૉલે સ્ટાર્કના બૉલમાં મિચલ માર્શને કૅચ આપી બેઠો હતો. સ્ટાર્કે જીભ કાઢીને અનોખું સેલિબ્રેશન કર્યું હતું.
ઓપનર કે. એલ. રાહુલ (૬૪ બૉલમાં ૩૩ રન) સાથે ચોથી વિકેટ માટે વિકેટકીપર-બૅટર રિષભ પંતે (૧૨ બૉલમાં ૯ રન) ૩૯ બૉલમાં બાવીસ રનની પાર્ટનરશિપ કરીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પણ ૧૪મી ઓવરમાં કૅપ્ટન પૅટ કમિન્સે તેને ઍલેક્સ કૅરીના હાથે કૅચ-આઉટ કરાવીને ૪૦ રનની અંદર ભારતીય ટીમને ચોથો ઝટકો આપ્યો હતો. ૪ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવનાર ભારતીય ટીમે ૪૪ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ટીમની બૅટિંગ સમયે ઑસ્ટ્રેલિયન બોલર્સના વર્ચસ વચ્ચે સતત પડતા વરસાદને કારણે ત્રીજા દિવસે વધુ રમત રમી શકાઈ નહોતી. કૅપ્ટન રોહિત શર્મા (૬ બૉલમાં શૂન્ય રન) અને કે. એલ. રાહુલ આજે ટીમની ઇનિંગ્સને આગળ વધારશે. ફૉલો-ઑનથી બચવા માટે ભારતીય ટીમે ઓછામાં ઓછા પહેલી ઇનિંગ્સમાં ૨૪૬ રન ફટકારવા પડશે.
11
આટલામી વાર વિરાટ કોહલીને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આઉટ કરી જોશ હેઝલવુડે ન્યુ ઝીલૅન્ડના ટિમ સાઉધીના રેકૉર્ડની બરાબરી કરી.