આપણી દિવાળી હવે વૈશ્વિક ધરોહર

11 December, 2025 10:23 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો યુનેસ્કોએ, આ સન્માન મેળવનારી ૧૬મી ભારતીય પરંપરા બની

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન (UNESCO-યુનેસ્કો)એ દિવાળીનો સમાવેશ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં કર્યો છે. યોગ, કુંભમેળો અને દુર્ગા પૂજા સહિત આ સન્માન મેળવનારી દિવાળી ૧૬મી ભારતીય પરંપરા બની છે.

આ મુદ્દે સંસ્કૃતિ અને પર્યટનપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે ‘ભારત માટે આ એક ઐતિહાસિક દિવસ છે. દિવાળીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સત્તાવાર રીતે અંકિત કરવામાં આવી છે. માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમ્યાન ભારતના સાંસ્કૃતિક વારસાને અભૂતપૂર્વ વૈશ્વિક માન્યતા મળી રહી છે અને આ સીમાચિહ્‌નરૂપ એ યાત્રાને મજબૂત બનાવે છે. આ સન્માન આપણા પ્રકાશના તહેવારના સાર્વત્રિક સંદેશની ઉજવણી કરે છે : નિરાશા પર આશા, વિભાજન પર સંવાદિતા અને બધા માટે પ્રકાશ. યુનેસ્કો અને આપણી કાલાતીત પરંપરાઓના દરેક રક્ષક પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.’

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળીનો સમાવેશ નવી દિલ્હીમાં ચાલી રહેલી એક મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સમીક્ષાના ભાગરૂપે આવ્યો છે, જ્યાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આઠથી ૧૩ ડિસેમ્બર દરમ્યાન અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેની આંતર-સરકારી સમિતિનું વીસમું સત્ર યોજાઈ રહ્યું છે. આ પહેલી વાર છે જ્યારે ભારતે પ્રતિષ્ઠિત યુનેસ્કો પૅનલનું આયોજન કર્યું છે જેને આંતરરાષ્ટ્રીય માન્યતા અને રક્ષણ માટે વિશ્વભરની સાંસ્કૃતિક પ્રથાઓ, પરંપરાઓ અને અભિવ્યક્તિઓનું મૂલ્યાંકન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

લગભગ અઠવાડિયા સુધી ચાલનારા આ સત્ર દરમ્યાન સમિતિ ૭૯ દેશો દ્વારા રજૂ કરાયેલાં ૬૭ નામાંકનોની તપાસ કરી રહી છે, જેમાં દિવાળી ઉત્સવમાં ભારતની એન્ટ્રીનો પણ સમાવેશ થાય છે. આ મૂલ્યાંકન યુનેસ્કોના ઐતિહાસિક, કલાત્મક અથવા સામાજિક મૂલ્ય ધરાવતી સાંસ્કૃતિક પરંપરાઓનું રક્ષણ કરવાનો હિસ્સો છે જે ભવિષ્યની પેઢીઓ માટે એમનું સાતત્ય સુનિશ્ચિત કરે છે.

ભારતની ૧૫ મુખ્ય વિશ્વ-વારસા પરંપરા

  1. કુંભમેળો
  2. રામલીલા પરંપરા
  3. યોગ
  4. નવરોઝ ઉત્સવ
  5. કુડિયાટ્ટમ
  6. કાલબેલિયા નૃત્ય (રાજસ્થાન)
  7. ચૌહા નૃત્ય
  8. બૌદ્ધ ચૈત્ય નૃત્ય
  9. તબીબી પરંપરાઓ (આયુર્વેદિક જ્ઞાન)
  10. રણજિતગઢ ઢોલ સંસ્કૃતિ
  11. ગરબા (ગુજરાત)
  12. સૈત (લોકનાટ્ય પરંપરા)
  13. મુદીયેટ્ટુ (કેરલા)
  14. છાઉ માસ્ક કલા
  15. દુર્ગા પૂજા ઉત્સવ (કલકત્તા)
culture news diwali festivals unesco international news world news india Garba navratri delhi red fort kumbh mela durga puja national news