Metaએ બાળકોની સુરક્ષા અંગે આપી મોટી સંમતિ, જાતીય શોષણના મામલાની જાણ કરશે

15 September, 2026 12:19 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

બાળકોની ઑનલાઇન સુરક્ષાને લઈને મેટાએ જાતીય શોષણના કિસ્સાઓની જાણ કાયદા અમલ કરતી સંસ્થાઓને કરવાની સંમતિ આપી છે. NCPCR અને NHRCની કાર્યવાહી વચ્ચે સરકાર અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ કડક પગલાં લેવા કહી રહી છે.

મેટા (સૌજન્ય : મિડ-ડે)

બાળકોની ઑનલાઇન સુરક્ષાને (child online safety) લઈને કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેટાએ બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલા કિસ્સાઓની જાણ સંબંધિત કાયદા અમલ કરાવતી સંસ્થાઓને કરવાની સંમતિ આપી છે.
સરકારનું કહેવું છે કે ભારતમાં કામ કરતા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે બાળકોની ઑનલાઇન સુરક્ષા સૌથી મૂળભૂત બાબત છે. બાળકોને નુકસાન પહોંચાડી શકે એવી સામગ્રી અને પ્રવૃત્તિઓને રોકવાની જવાબદારી પ્લેટફોર્મની પણ છે.
જો કોઈ કંપની આવી સામગ્રી શોધીને દૂર કરવા માટે જરૂરી પગલાં નહીં લે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. મેટાની આ સંમતિ બાળકો માટે ઑનલાઇન દુનિયાને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં એક શરૂઆત છે.

દરેક પ્લેટફોર્મે હાનિકારક સામગ્રી જાતે શોધવી પડશે

કેન્દ્ર સરકાર મેટા ઉપરાંત બીજા ઑનલાઇન પ્લેટફોર્મ સાથે વાતચીત કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે બાળકોને નુકસાન પહોંચાડી શકે એવી સામગ્રી પ્લેટફોર્મ પોતાની રીતે શોધે અને તેને પોતાના મંચ પરથી દૂર કરે.
ખાસ કરીને બાળકોના જાતીય શોષણ (child sexual abuse) અને દુર્વ્યવહાર સાથે જોડાયેલી સામગ્રીને લઈને સરકાર ગંભીર છે. બાળકોની સુરક્ષા માટે સક્રિય પગલાં નહીં લેતા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર સોશિયલ મીડિયા કંપનીઓના સંપર્કમાં રહીને આવી સામગ્રીને રોકવા માટે જરૂરી પગલાં લેવા કહી રહી છે. કંપનીઓએ માત્ર ફરિયાદ મળ્યા પછી જ નહીં પરંતુ અગાઉથી પણ આવી સામગ્રી શોધીને દૂર કરવાની વ્યવસ્થા રાખવી પડશે. બાળકો સુધી નુકસાનકારક સામગ્રી ન પહોંચે અને તેનો ફેલાવો અટકે તે માટે પ્લેટફોર્મે પોતાની જવાબદારી નિભાવવી પડશે.

NCPCR અને NHRCની કાર્યવાહીથી તપાસ આગળ વધી

આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે (National Commission for Protection of Child Rights) પણ કાર્યવાહી કરી છે. 9 સપ્ટેમ્બરે આયોગે મેટા ઇન્ડિયાના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા. મેટાની માલિકીના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ અને દુર્વ્યવહાર સાથે જોડાયેલી જાહેરખબરો બતાવવામાં આવી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. 
આ અહેવાલમાં CSEAM સાથે જોડાયેલી જાહેરખબરનો પણ ઉલ્લેખ હતો. આયોગે સ્પષ્ટતા માગવા માટે જુલાઈમાં મેટાને નોટિસ મોકલી હતી. મેટાએ નોટિસ મળ્યાના એક અઠવાડિયા પછી આયોગને પોતાનો જવાબ આપ્યો હતો.
બીજી તરફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે દિલ્હી પોલીસને આ આરોપોની વ્યાપક તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ આરોપ એવો છે કે મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામ પર ચૂકવણી કરીને મૂકાતી જાહેરખબરો દ્વારા ભારતમાં CSEAMને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.
દિલ્હી પોલીસ એ પણ તપાસશે કે મેટા અને અન્ય સમાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોને જાતીય ગુનાથી બચાવવા માટેના પોક્સો કાયદા હેઠળ જરૂરી જાણ કરવાની ફરજનું પાલન કરે છે કે નહીં.

meta instagram facebook whatsapp social media social networking site Protection of Children from Sexual Offences Act POCSO india indian government news national news