બાદલ પર બબ્બર ખાલસાના ટેરરિસ્ટનો અટૅક

05 December, 2024 11:21 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

સુવર્ણ મંદિરમાં સજા ભોગવતી વખતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનનો જીવ જરાકમાં બચ્યો

ગોળીબાર કરનાર નારાયણ સિંહ ચૌડા, અટૅક પછી પણ સહજતાથી વાસણ ધોતા સુખબીર સિંહ બાદલ

૨૦૦૭માં ડેરા સચ્ચા પ્રમુખ બાબા રામ રહીમે ધાર્મિક અવહેલના કરી હોવા છતાં તેમને માફી આપવાના કેસમાં અકાલ તખ્ત દ્વારા જેમને બે દિવસની સેવા કરવાની સજા મળી છે એવા પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને શિરોમણિ અકાલી દળના ભૂતપૂર્વ પ્રમુખ સુખબીર સિંહ બાદલ પર ગઈ કાલે સુવર્ણ મંદિરના ગેટ પર ખૂબ નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. એ વખતે બાદલની સુરક્ષા માટે ઊભેલા એક જણે સતર્કતાથી હુમલાખોરનો હાથ ઉપર કરી દીધો હતો, જેને પગલે ગોળી નિશાન ચૂકી ગઈ હતી. બાદલ પર ગોળીબાર કરનારા આરોપીનું નામ નારાયણ સિંહ ચૌડા છે અને તે બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલનો આતંકવાદી હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ કરી છે. બાદલ જ્યારે સેવા આપી રહ્યા હતા ત્યારે ચૌડા તેમના પર ગોળીબાર કરે છે એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તે છેલ્લા કેટલાય સમયથી અન્ડરગ્રાઉન્ડ હતો અને ગઈ કાલે જ તે દેખાયો હતો. તેની પત્નીને પણ ખબર નથી કે તે ક્યાં રહે છે.

સુખબીર સિંહ બાદલ પર હુમલા પાછળ કૅનેડા અને અમેરિકામાં બેસેલાં તત્ત્વોનો હાથ

શિરોમણિ અકાલી દળના નેતા નરેશ ગુજરાલે સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલા વિશે વિદેશી હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘કહેવાતા ખાલિસ્તાનીઓને આજના પંજાબને અસ્થિર કરવું છે. આમાં પાકિસ્તાનનું ષડ‍્યંત્ર પણ હોઈ શકે છે. એ સ્પષ્ટ છે કે કૅનેડા અને અમેરિકામાં બેસેલાં વિદેશી તત્ત્વોનો આ હુમલામાં હાથ છે.’

national news india punjab khalistan terror attack Crime News amritsar golden temple religious places