વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.
16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent