✕

દિવાળીની ખરીદી કરવા માટે મસ્જિદ સ્ટેશન ઊતરવાના હો તો તમારી સેફ્ટી ભગવાનભરોસે

02 November, 2026 09:12 AM IST  |  Mumbai | Rohit Parikh

બે ફુટ ઓવર બ્રિજ ૪ મહિનાથી બંધ, મુસાફરોની સુરક્ષા વિશે સ્થાનિક સંગઠનો ચિંતિત ઃ અગાઉની ચેતવણી છતાં સમારકામ અધૂરું, વિલંબ માટે જવાબદાર કોણ એ બાબતે રેલવે અને BMC આમનેસામને

મસ્જિદ સ્ટેશનનો દક્ષિણ છેડો અને વચ્ચેનો પુલ બન્ને બંધ કરી દેવામાં આવ્યા છે અને મુસાફરોને ઉત્તર પુલ પર જવા માટે પૂર્વ બાજુએ લાંબો રસ્તો ચાલવો પડે છે.

મસ્જિદ બંદર રેલવે-સ્ટેશનના બે ફુટઓવર બ્રિજ (FOB) ૪ મહિનાથી બંધ છે, પરંતુ એના સમારકામની સમયમર્યાદા વિશે હજી પ્રશાસન તરફથી કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. તહેવારો પહેલાં સમારકામ પૂરું નહીં થાય તો મુસાફરો અને વેપારીઓની મુશ્કેલીઓ વધશે એવી સ્થાનિક રહેવાસીઓની અગાઉની ચેતવણી વચ્ચે હવે વિલંબ માટેની જવાબદારીનો મુદ્દો સામે આવ્યો છે. સ્થાનિક સંગઠનો સાથેની મીટિંગમાં મુંબઈના ડિવિઝનલ રેલવે-મૅનેજર (DRM)એ સમારકામમાં વિલંબ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને જવાબદાર ઠેરવ્યું હોવાનું સંગઠનો તરફથી જાણવા મળ્યું છે. દિવાળીની ખરીદી માટે બજારોમાં અવરજવર વધવાની શક્યતા વચ્ચે સવાલ એ છે કે રેલવે અને BMC વચ્ચે જવાબદારીની ચર્ચા ચાલતી રહેશે કે મુસાફરોને રાહત આપવા માટે સમયબદ્ધ કાર્યવાહી પણ થશે? આ સવાલ ઉઠાવીને સંગઠનોએ સમારકામની પ્રગતિ, બન્ને FOB ફરી ખુલ્લા મૂકવાની સમયમર્યાદા અને રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવા લેવાયેલાં પગલાં વિશે સ્પષ્ટતા કરવાની માગણી કરી છે. તાત્કાલિક અને નક્કર કાર્યવાહી નહીં થાય તો ગાંધીવાદી વિચારધારા અનુસાર શાંતિપૂર્ણ જનઆંદોલન શરૂ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

ચેતવણી છતાં સમસ્યા યથાવત્

મસ્જિદ સ્ટેશનના મધ્ય અને દક્ષિણ તરફના બન્ને FOB સમારકામને કારણે બંધ હોવાથી મુસાફરોને ઉપલબ્ધ અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડે છે. અગાઉ પણ સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ સમારકામની ધીમી ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને તહેવારો પહેલાં કામ પૂરું કરવાની માગણી કરી હતી. દિવાળીની ખરીદી દરમ્યાન લોકોની અવરજવર વધે ત્યારે સ્ટેશનમાં પ્રવેશવા અને બહાર નીકળવામાં મુશ્કેલી વધવાની આશંકા છે.

વધારાની વ્યવસ્થાની માગણી

ન્યુ યંગ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ પારસ શાહે  ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑર્ગેનાઇઝેશનના મહામંત્રી મંગેશ ફદાલે, પ્રદીપ શાહ, ધીરજ શાહ, ભારતીય રેલવે બોર્ડના ભૂતપૂર્વ સભ્ય મહેન્દ્ર જૈન સહિતના કાર્યકરોએ મુંબઈના ડિવિઝન રેલવે-મૅનેજર સમક્ષ સ્થાનિક બધાં જ સંગઠનો વતી
રેલવે-પ્રશાસન પાસે છ મુખ્ય માગણીઓ કરી હતી જેમાં સ્થાનિક સંગઠનોએ મધ્યના FOBના સમારકામની હાલની સ્થિતિ અને કામ પૂર્ણ કરવાની નિશ્ચિત તારીખ જાહેર કરવાની માગણી કરી છે. દક્ષિણ તરફના FOBનું ટેક્નિકલ નિરીક્ષણ કરાવી એ સુરક્ષિત હોવાનું પ્રમાણિત થાય તો મુસાફરો માટે ફરી ખુલ્લો મૂકવાની પણ માગણી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમારા તરફથી સમારકામ દરમ્યાન મુસાફરો માટે વૈકલ્પિક અને સલામત માર્ગની વ્યવસ્થા કરવા ઉપરાંત દિવાળીના સમયગાળામાં વધારાના રેલવે-કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો તહેનાત કરવાની રજૂઆત કરવામાં આવી છે. ભીડનિયંત્રણ, દિશાસૂચક બોર્ડ, નિયમિત પૅટ્રોલિંગ અને ચોરી અટકાવવા વિશેષ દેખરેખ રાખવાની પણ માગણી છે. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે એ માટે ખાસ વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી છે.’

આ સ્ટેશન બિઝનેસ હબ છે

મસ્જિદ સ્ટેશન દાણાબંદર, ભાતબજાર, કાથાબજાર, કેમિકલ માર્કેટ, ચકલા મંડી, મુસાફરખાના, મહાત્મા ફુલે મંડી, લોહાર ચાલ, સુતાર ચાલ, મંગળદાસ માર્કેટ, અબ્દુલ રહેમાન સ્ટ્રીટનાં સ્ટેશનરી અને રમકડાંનાં બજારો સહિત અનેક વ્યાપારી વિસ્તારોને જોડે છે. છત્રપતિ શિવાજી મહારાજ મંડી, કાલબાદેવી, તાંબાકાટા અને ભુલેશ્વર તરફ જતા વેપારીઓ, કામદારો તથા ગ્રાહકો પણ આ સ્ટેશનનો બહોળો ઉપયોગ કરે છે. મુંબાદેવીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આ સ્ટેશન મહત્ત્વનું છે.

મુંબઈના ડિવિઝનલ રેલવે-મૅનેજર હરેશ મીનાને આવેદનપત્ર આપી રહેલા (ડાબેથી) ભારતીય રેલવે બોર્ડના ભૂતપૂર્વ સભ્ય મહેન્દ્ર જૈન, મસ્જિદ બંદર સ્ટેશનરી મર્ચન્ટ્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ પ્રદીપ શાહ, મસ્જિદ બંદર વ્યાપારી મંડળના ધીરજ શાહ તેમ જ ફેડરેશન ઑફ મહારાષ્ટ્ર સ્ટેશનરી મર્ચન્ટ્સ અસોસિએશન્સ અને યુથ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશનના પ્રેસિડન્ટ પારસ શાહ.   

ભીડ વધવાની ચિંતા

સેન્ટ્રલ રેલવે મુંબઈ ડિવિઝનના
રેલવે-મૅનેજરને આ મુદ્દે આવેદનપત્ર આપીને સ્થાનિક સંગઠનોએ તેમને જણાવ્યું હતું કે આ બન્ને ફુટઓવર બ્રિજ બંધ હોવાથી મુસાફરોને ઉપલબ્ધ અન્ય માર્ગોનો ઉપયોગ કરવો પડે છે. વ્યસ્ત સમયે મોહમ્મદ અલી રોડ પરથી સ્ટેશન સુધી પહોંચવામાં આશરે ૧૫ મિનિટ અને સ્ટેશનમાંથી બહાર નીકળવામાં લગભગ ૧૦ મિનિટ લાગતી હોવાની વેપારીઓની, રાહદારીઓની અને ગ્રાહકોની ફરિયાદો છે. તેમના તરફથી બેથી ૪ લોકલ ટ્રેનો લગભગ એકસાથે આવે ત્યારે પ્લૅટફૉર્મ પર ભીડ વધી જતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ સ્થિતિમાં ધક્કામુક્કી, ગભરાટ અને મુસાફરો પાટા પર પડી જવા જેવી દુર્ઘટનાનું જોખમ ઊભું થઈ શકે છે એવી ચિંતા સંગઠનોએ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ભીડમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરુઓ અને
મોબાઇલ-ચોર સક્રિય થવાની આશંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

ટ્રાફિકથી મુશ્કેલીમાં વધારો

યુસુફ અલી મેહર અલી રોડ, અભયચંદ ગાંધી માર્ગ અને ભંડારી સ્ટ્રીટ પર ફેરિયાઓનું દબાણ તથા સાંકડા થયેલા પગપાળા માર્ગોને કારણે સ્ટેશન તરફ જતાં અને ત્યાંથી બહાર નીકળતાં નાગરિકોને મુશ્કેલી પડતી હોવાની સંગઠનોએ રજૂઆત કરી હતી. તેમણે મુંબઈ મહાનગરપાલિકા પાસે સંબંધિત રસ્તાઓ અને ફુટપાથનું સ્થળ પર નિરીક્ષણ કરીને ગેરકાયદે દબાણો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માગણી કરી છે. સાથે જ કાયદેસર રીતે વ્યવસાય કરતા ફેરિયાઓની આજીવિકાને ધ્યાનમાં રાખીને રાહદારીઓ માટે ખુલ્લો અને સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવાની અપીલ પણ કરવામાં આવી છે.

નહીંતર જનઆંદોલન

આ પ્રશ્નને વ્યાપક સ્તરે રજૂ કરવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રૉનિક અને વેબ મીડિયા ઉપરાંત સોશ્યલ મીડિયા રીલ સર્જકો તથા ઇન્ફ્લુએન્સર્સને પણ સક્રિય ભૂમિકા ભજવવાની અપીલ કરવામાં આવી છે. સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અને નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાગરિકોની સુરક્ષાના મુદ્દે ગાંધીવાદી વિચારો અનુસાર શાંતિપૂર્ણ જનઆંદોલન શરૂ કરવામાં આવશે. હાલમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા સાથે જોડાયેલા આ મુદ્દે રેલવે તથા મહાનગરપાલિકા પ્રશાસન તરફથી શું કાર્યવાહી થાય છે અને ફુટઓવર બ્રિજ ક્યારે ખુલ્લા મૂકવામાં આવે છે એના પર સ્થાનિક વેપારીઓ, રહેવાસીઓ અને રોજિંદા મુસાફરોની નજર છે.

પ્રધાનો-અધિકારીઓને આવેદન

સ્થાનિક સંગઠન ન્યુ યંગ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશનના મહામંત્રી મંગેશ ફદાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મસ્જિદ સ્ટેશનના ફુટઓવર બ્રિજ, મુસાફરોની સુરક્ષા અને રસ્તાઓ પરનાં દબાણોના મુદ્દે સંબંધિત પ્રધાનો, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને આવેદનો આપવામાં આવ્યાં છે. અમે તેમને પ્રશ્નની ગંભીરતા સમજી તાત્કાલિક પગલાં ભરવા અને અત્યાર સુધી થયેલી કામગીરી તથા સમારકામ પૂર્ણ થવાની સમયમર્યાદા વિશે સ્પષ્ટ માહિતી જાહેર કરવા અપીલ કરી હતી. આ જનજાગૃતિ અભિયાનમાં માંડવી કોળીવાડા રહેવાસી સંઘ, મસ્જિદ બંદર રેલવે બ્રિજ જનઆંદોલન સમિતિ, મસ્જિદ બંદરના વિવિધ વેપાર સાથે સંકળાયેલાં ૧૬ વેપારી સંગઠનો, વંદે માતરમ – રાષ્ટ્ર પ્રથમ સંગઠન, ‘પ્રેરણા – ઇન્સ્પાયરિંગ થૉટ્સ’ તથા અન્ય સામાજિક અને કામદાર સંગઠનો જોડાયેલાં છે.’

સંગઠનોની ૬ મુખ્ય માગણીઓ
 મધ્યના ફુટઓવર બ્રિજના સમારકામની વર્તમાન સ્થિતિ, જવાબદાર વિભાગ અને કામ પૂર્ણ કરવાની નિશ્ચિત સમયમર્યાદા જાહેર કરવામાં આવે.
 દક્ષિણના ફુટઓવર બ્રિજનું ટેક્નિકલ નિરીક્ષણ કરાવી એ સુરક્ષિત હોવાનું પ્રમાણિત થાય તો મુસાફરો માટે ફરી ખુલ્લો મૂકવામાં આવે.
 બન્ને મુખ્ય ફુટઓવર બ્રિજ એકસાથે બંધ રાખવાને બદલે સમારકામ દરમ્યાન વૈકલ્પિક અને સુરક્ષિત માર્ગની વ્યવસ્થા કરવામાં આવે.
 યુસુફ મેહર અલી રોડ, અભયચંદ ગાંધી માર્ગ અને ભંડારી સ્ટ્રીટ પરનાં ગેરકાયદે દબાણો સામે નિયમ મુજબ કાર્યવાહી કરીને પગપાળા માર્ગો ખુલ્લા કરવામાં આવે.
 દિવાળીના સમયગાળામાં વધારાના રેલવે-કર્મચારીઓ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો તહેનાત કરવામાં આવે. ભીડનિયંત્રણ, દિશાસૂચક બોર્ડ, નિયમિત પૅટ્રોલિંગ અને ચોરી અટકાવવા વિશેષ દેખરેખ રાખવામાં આવે તથા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા અપાય.
 સ્થાનિક વિધાનસભ્ય અને દક્ષિણ મુંબઈના સંસદસભ્ય આ મુદ્દે ધ્યાન આપીને સંબંધિત વહીવટીતંત્ર પાસેથી સમયબદ્ધ કાર્યવાહી કરાવે.

mumbai news mumbai western railway brihanmumbai municipal corporation mumbai local train