23 July, 2025 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૦૬ની ૧૧ જુલાઈએ મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ કેસના ૧૨ આરોપીને બૉમ્બે હાઈ કોર્ટે છોડી મૂકતાં રાજ્ય સરકારે હાઈ કોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. રાજ્યના સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સંદર્ભે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી. આર. ગવઈની બેન્ચને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારનું માનવું છે કે આ બહુ જ ગંભીર બાબત છે એથી એને અર્જન્ટ ગણવામાં આવે અને બુધવારે જ એની સુનાવણી લેવાય. અમે એ સંદર્ભે અપીલ પણ બનાવીને રેડી રાખી છે.’
એના પર પ્રતિક્રિયા આપતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી. આર. ગવઈએ કહ્યું હતું કે આ કેસના આઠ આરોપી તો ઑલરેડી જેલમાંથી છૂટી ગયા છે. ત્યારે તુષાર મહેતાએ કહ્યું હતું કે હા, એમ છતાં આ મેટર અર્જન્ટ લેવામાં આવે એવી અમારી વિનંતી છે. ત્યારે બુધવારે તો નહીં પણ ગુરુવારે તેઓ એ અપીલની સુનાવણી લેશે એમ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી. આર. ગવઈએ જણાવ્યું હતું. આ કેસના આરોપીઓ ઑલરેડી ૧૮ વર્ષ જેલમાં બંધ રહ્યા હતા.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની સ્પેશ્યલ બેન્ચે સોમવારે એવો નિર્ણય આપ્યો હતો કે ‘આ આરોપીઓએ જ એ બ્લાસ્ટ કર્યા હતા એ પુરવાર કરવામાં તપાસ-એજન્સીઓ અને ફરિયાદપક્ષ ઊણા ઊતર્યાં છે. પુરાવા પણ પૂરતા નથી અને આરોપીઓના કબૂલાતનામાનાં સ્ટેટમેન્ટ પણ બળજબરીથી લેવાયાં હોવાનું લાગી રહ્યું છે. એથી આરોપીઓએ જ એ બ્લાસ્ટ કર્યા હોવાનું સાબિત થતું નથી એટલે તે તમામને છોડી મૂકવામાં આવે છે.’
બૉમ્બે હાઈ કોર્ટના આ નિર્ણય બાદ આ કેસના અલગ-અલગ જેલમાં બંધ આઠ આરોપીને સોમવારે જ છોડી મૂકવામાં આવ્યા હતા. એક આરોપીનું ૨૦૧૨માં કોવિડ દરમ્યાન મોત થયું હતું, બે આરોપીઓ સામે અન્ય બે કેસ ચાલી રહ્યા છે એટલે તેમને છોડવામાં નહોતા આવ્યા, એક આરોપી ઑલરેડી પરોલ પર બહાર હતો.