26 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોના સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાએ ગઈ કાલે સાઇબર સેલના મુખ્યાલયમાં જઈને નિવેદન નોંધાવ્યું હતું.
‘ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ’ શોમાં માતા-પિતાને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ યુટ્યુબર રણવીર અલાહાબાદિયા સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધ્યાના એક મહિના બાદ આ શોના આયોજક અને સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સમીર રૈનાએ ગઈ કાલે મુંબઈ આવીને સાઇબર સેલમાં નિવેદન નોંધાવ્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે ‘શોના ફ્લોમાં બધું થયું. પછી ખ્યાલ આવ્યો કે હું ખોટો હતો.’
પૉડકાસ્ટર રણવીર અલાહાબાદિયાએ સમય રૈનાના શોમાં માતા-પિતાને લગતી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેને લીધે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસે ફરિયાદ નોંધાવીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સમય રૈનાને પોલીસે એકથી વધુ વખત સમન્સ મોકલીને નિવેદન નોંધાવવાનું કહ્યું હતું, પણ તે વિદેશમાં હતો એટલે મુંબઈ નહોતો આવી શક્યો. હવે સમય રૈના મુંબઈ આવી ગયો છે અને ગઈ કાલે તેણે પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું.