પરિવારમાં પ્રેમ, અનેકાંત અને ક્ષમા દ્વારા આપી સુખી જીવનની પ્રેરણા

14 September, 2026 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે આપ્યો ટૉલરન્સનો સંદેશ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબે ‘ટૉલરન્સ’ વિષય પર બોધ આપ્યો હતો. એમાં મુખ્યત્વે પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ, લાગણી અને આદરભાવની ભાવનાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી અને એ હેતુથી ભાવિકોને પરિવાર સાથે બેસીને સાધના અને બોધનો લાભ મળે એવી વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી. પરમ ગુરુદેવે સમૂહસાધના દ્વારા રોગ, શોક, આપત્તિ, પીડા અને સંકટમાં પ્રભુના નામસ્મરણથી શાંતિ મળે તથા પ્રભુના પરિવારમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરાવી હતી. પરમ ગુરુદેવે પરિવારમાં ગુરુ અને પ્રભુને પણ સ્થાન આપવાની પ્રેરણા આપીને પરિવારજનો સાથે બ્લડ-રિલેશન અને ગુરુ-પ્રભુ સાથે હાર્ટ-રિલેશન રાખવાનો સંદેશ આપ્યો.

પરિવારના ઝઘડા અને મતભેદનું મૂળ એકાંતવાદ ‘આઇ ઍમ રાઇટ, હું કહું એમ જ થવું જોઈએ’ હોવાનું સમજાવીને અનેકાંતવાદની ‘આમ પણ હોઈ શકે અને આમ પણ’ની દૃષ્ટિ કેળવવા પ્રેરણા આપી. ગુરુદેવે કહ્યું કે ‘જ્યાં યુનિટી છે ત્યાં ઇમ્યુનિટી છે.’ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિ એમ ૪ ગતિને ઉદાહરણો સાથે સમજાવીને જે ઘરના સભ્યો પોતાની ગતિ સુધારે છે ત્યાં પરિવારની સદ્‌ગતિ થાય છે એવો બોધ આપ્યો. દર રવિવારે પરિવાર સાથે  ‘મિસ્ટેક મીટિંગ’ યોજી પોતાની ભૂલ સ્વીકારીને મિચ્છા મિ દુક્કડં કહેવાની પ્રેરણા પણ આપવામાં આવી.

આ પ્રસંગે ગર્ભપાતની કુપ્રથા અંગે ભાવનાત્મક દૃશ્યાંકન દર્શાવીને ગર્ભપાતને પંચેન્દ્રિય જીવની હત્યા ગણાવી હતી. પોતાના પરિવારમાં ગર્ભપાત નહીં કરાવવાનો અને કોઈને એવી સલાહ નહીં આપવાનો સંકલ્પ પણ પરમ ગુરુદેવે કરાવ્યો હતો. પરમ ગુરુદેવની પ્રેરણાથી બાળકોમાં જૈન સંસ્કારો પ્રબળ બનાવવા કાર્યરત લુક ઍન લર્ન જૈન જ્ઞાનધામની ઝાંખી રજૂ થઈ હતી, જેમાં વિશ્વભરનાં ૧૧૫ સેન્ટરોમાં પોણાબે લાખથી વધુ બાળકો કેળવણી મેળવી રહ્યા હોવાની સવિસ્તર માહિતી આપવામાં આવી. ‘ભગવાનનું નામ લેવું શ્રેષ્ઠ છે, પરંતુ ભગવાનનું કામ કરવું સર્વશ્રેષ્ઠ છે’ તથા ‘જેને જમવા કરતાં જમાડવું ગમે તેનો માનવધર્મ શ્રેષ્ઠ છે’ એવો સેવાભાવનો સંદેશ અપાયો.

ગુરુઆજ્ઞાથી ભિખારીના વેશમાં ઘાટકોપરના રસ્તાઓ પર નીકળેલા પરાગ શાહનો વિડિયો રજૂ કરીને ઓળખ, પદ અને માન-સન્માનની માનસિકતા પર પરમ ગુરુદેવે પ્રકાશ પાડ્યો હતો. પરાગ શાહે જણાવ્યું કે ‘અત્યારે લોકો સન્માનથી જગ્યા કરી આપે છે, જ્યારે ભિખારીના વેશમાં લોકો ઘૃણાના ભાવથી જગ્યા કરી આપતા હતા. જોકે કેટલાક લોકોના માનવતાભર્યા પ્રતિભાવ પરથી ‘મુંબઈમાં માનવતા હજી જીવે છે’ એવો અનુભવ થયો.’

ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવતાં ગુરુદેવે પ્રેરણા આપી કે જો ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરીને મોટાઓએ પણ નાનાઓ પાસે માફી માગવી જોઈએ. ‘આઇ ઍમ સૉરી’ કાર્ડ દ્વારા ક્ષમાની ભાવના આગળ વધારવાનો સંદેશ અપાયો. ભાવિકોને ભાવુક બનાવ્યા બાદ ‘મેરા ભક્ત એ.ટી.એમ. હોના ચાહિએ, ઍની ટાઇમ મુસ્કાન’ કહીને ગુરુદેવે ભાવિકોના ચહેરા પર સ્મિત પણ રેલાવ્યું હતું.

અંતે ‘જૈન ક્રાન્તિ’ના લોકાર્પણ બાદ ‘વંદે શાસનમ્’ના સંદેશ સાથે પર્યુષણના છઠ્ઠા દિવસનું સમાપન થયું.

mumbai news mumbai namramuni maharajsaheb paryushan gujaratis of mumbai gujarati community news jain community