10 May, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોરબે ડૅમ
અલ નીનોની સ્થિતિને કારણે આ વર્ષે મૉન્સૂન ડિલે થશે અને સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ચેતવણી વચ્ચે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ એની પાણીની તૈયારીની સમીક્ષા શરૂ કરી છે. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે નવી મુંબઈના પ્રાથમિક જળ સ્રોત મોરબે ડૅમમાં હાલમાં ફક્ત ૮૫ દિવસ પૂરતો પાણીનો જથ્થો બચ્યો છે.
પરિસ્થિતિની ગંભીર નોંધ લેતાં NMMCના કમિશનર ડૉ. કૈલાસ શિંદેએ શનિવારે રાયગડ જિલ્લામાં મોરબે ડૅમ પ્રોજેક્ટ વિસ્તારનું ઇન્સ્પેક્શન કર્યું હતું અને ગ્રાઉન્ડ રિયલિટીની ચકાસણી કરી હતી. તેમણે માત્ર સ્થિતિનું નિરીક્ષણ જ નહીં, જળાશય વિસ્તારની આસપાસની સુરક્ષા અને જમીનની સ્થિતિની સમીક્ષા પણ કરી હતી અને ડૅમ ઝોનની નજીક બાંધકામો અને અતિક્રમણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
NMMCના કમિશનર ડૉ. કૈલાસ શિંદેએ જણાવ્યું હતું કે ‘જો વરસાદ અપેક્ષા કરતાં ઓછો રહેશે તો NMMCને નાગરિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી ભવિષ્યના પાણીપુરવઠાના આયોજન અંગે નિર્ણયો લેવા પડી શકે છે. અમે નવી મુંબઈના રહેવાસીઓને અનિશ્ચિત વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી અઠવાડિયામાં પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની પણ અપીલ કરી છે.’
આંકડાબાજી
૧૯૦.૮૯ મિલ્યન ઘન મીટર મોરબે ડૅમની કુલ સંગ્રહક્ષમતા
૪૮૫ મિલ્યન લીટર પર ડે (MLD) નવી મુંબઈને ડૅમમાંથી દૈનિક પાણીપુરવઠો
૪૩ ટકા આજ સુધીમાં મોરબે ડૅમનું સ્તર
૧૦-૧૧ જૂન ચોમાસાની અપેક્ષા મુજબની તારીખ
- અભિતાષ સિંહ