ટેન્થમાં ૧૦૦ ટકા અપાવી શકે છે ભરતનાટ્યમ: ભણ-ભણ કરીને નહીં, નૃત્ય કરીને મેળવી અનોખી સિદ્ધિ

10 May, 2026 07:50 AM IST  |  Mumbai | Varsha Chitaliya

મહારાષ્ટ્રમાં ૧૭૯ને અને મુંબઈમાં પાંચ સ્ટુડન્ટ્સને મળ્યા છે પૂરા ૧૦૦ ટકા. બોર્ડ-એક્ઝામના વર્ષમાં પણ ઝીલ અઠવાડિયામાં બે દિવસ ભરતનાટ્યમ અને બે દિવસ ડ્રૉઇંગ ક્લાસમાં જતી હતી

ઝીલ ઘોળકિયાને ૫૦૦માંથી ૪૮૬ માર્ક્સ આવ્યા છે અને એમાં ભરતનાટ્યમના ૧૪ માર્ક્સ ઉમેરાયા છે

ઝીલ ધોળકિયાને આમ ૯૭.૨ ટકા આવ્યા છે, પણ ૧૪ માર્ક્સ ભરતનાટ્યમના ઉમેરાયા છે એને પગલે તેના ૧૦૦ ટકા થયા છે : આટલું શાનદાર રિઝલ્ટ આવ્યું છે ત્યારે ઝીલ પોતે સ્પીતિ વૅલીમાં છે, પરિવાર સે​િલબ્રેટ કરવા તેના પાછા આવવાની કાગડોળે રાહ જુએ છે

ગુરુવારે મહારાષ્ટ્ર બોર્ડના સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (SSC)નાં પરિણામ જાહેર થયાં ત્યારથી અંધેરીમાં રહેતા ધોળકિયા ફૅમિલીમાં ઉત્સવનો માહોલ છે. ડિવાઇન ચાઇલ્ડ હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજની ૧૫ વર્ષની ઝીલ ધોળકિયા ૧૦૦ ટકા માર્ક્સ લાવીને રાજ્યસ્તરે ટૉપરની યાદીમાં સ્થાન પામી છે. ઝીલની સફળતા એટલા માટે ખાસ છે કે તેણે આ​ સિદ્ધિ આખો દિવસ ભણ-ભણ કરીને નહીં પણ નૃત્ય કરતાં-કરતાં મેળવી છે. સિનિયર KGથી હંમેશાં ફર્સ્ટ રૅન્ક લાવતી આ ટીનેજરે પાઠ્યક્રમ જેટલું જ મહત્ત્વ એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીને આપ્યું છે અને પરિણામ આપણી સામે છે.

ઝીલના પર્ફોર્મન્સ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેના પપ્પા ભાવેશભાઈએ જણાવ્યું હતું કે ‘રિઝલ્ટ ડિક્લેર થતાં જ અમે ઉત્સાહમાં આવી ગયા. ઝીલ ભણવામાં પહેલેથી હોશિયાર છે એથી મેરિટમાં આવશે એવો કૉન્ફિડન્સ હતો, પણ ૧૦૦ ટકા નહોતા ધાર્યા. ઍકૅડેમિક પર્ફોર્મન્સ પ્રમાણે તેના ૯૭.૨ ટકા થાય છે. ભરતનાટ્યમના ૧૪ માર્ક્સ ઉમેરાતાં ૧૦૦ ટકા થઈ ગયા. ઍડ્વેન્ચરસ ટ્રિપ માટે ઝીલ સ્પીતિ વૅલી ગઈ હોવાથી પરિણામના દિવસે તેનો કૉન્ટૅક્ટ થઈ શકતો નહોતો. હવે અમે તે મુંબઈ આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.’

ઝીલ (યલો ડ્રેસમાં) તેનાં મમ્મી-પપ્પા તેજલ ભાવેશ ધોળકિયા અને બહેન આસ્થા સાથે.

૧૦ વર્ષથી ભરતનાટ્યમ

સ્પીતિ વૅલીથી વાત કરતાં ઝીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાઠ્યક્રમની સાથે એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીને ફોકસમાં રાખવાથી ફાઇનલ રિઝલ્ટમાં ટકાવારીમાં મોટો ફરક પડી શકે છે. ૧૦ વર્ષથી ભારતનાટ્યમ શીખું છું. આરંગેત્રમ પણ થઈ ગયું છે. નાલંદા યુનિવર્સિટી, ભારતીય સંગીત સમિતિ અને ગાંધર્વ મહાવિદ્યાલયથી ભરતનાટ્યમની પરીક્ષા આપી છે. મહારાષ્ટ્ર બોર્ડ નાલંદા યુનિવર્સિટીની પરીક્ષા આપી હોય એવા વિદ્યાર્થીઓને વધારાના ૧૫ માર્ક્સ આપે છે. દર વર્ષે લેવાતી આ પરીક્ષામાં પણ હંમેશાં મેરિટમાં આવી છું. નવી મુંબઈના વાશીમાં જ્યુરી સમક્ષ પર્ફોર્મ કરવાનું હોય છે. દસમા ધોરણની હૉલ-ટિકિટ આવવાના બે મહિના અગાઉ ૧૦ વર્ષનાં સર્ટિફિકેટ્સ સ્કૂલમાં સબમિટ કર્યાં હતાં. સ્કૂલે આ સર્ટિફિકેટ્સ રાજ્યના શિક્ષણવિભાગને મોકલ્યાં. શિક્ષણવિભાગ દ્વારા માન્ય રાખ્યા બાદ વિદ્યાર્થીને જાણ કરવામાં આવે છે. એક્સ્ટ્રા માર્ક મળવાના છે એની પહેલેથી ખબર હતી. ભરતનાટ્યમ ઉપરાંત ડ્રૉઇંગની ઍલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાનાં સર્ટિફિકેટ્સ પણ સબમિટ કર્યાં હતાં. ડ્રૉઇંગ માટે ૧૨ માર્ક્સ અને ક્લાસિકલ ડાન્સ માટે ૧૫ માર્ક્સ છે. બોર્ડ દ્વારા હાયર માર્ક્સ ગણવામાં આવે છે. ભરતનાટ્યમમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે એક્સ્ટ્રા માર્ક્સનો ઉમેરો થયો. રસપ્રદ વાત એ છે કે મને પૂરા ૧૫ માર્ક્સની જરૂર જ નહોતી. ૧૪ માર્ક્સ ઉમેરવાથી ૧૦૦ ટકા થઈ ગયા. આખો દિવસ ભણ-ભણ કરીને નહીં પણ નૃત્ય કરીને મેં આ સફળતા મેળવી છે. નૃત્ય અને ડ્રૉઇંગ મારા માટે સ્ટ્રેસબસ્ટર સાબિત થયાં.’

ભરતનાટ્યમનો સ્ટુડિયો શરૂ કરવો છે

બોર્ડ-એક્ઝામના વર્ષમાં પણ ઝીલ અઠવાડિયામાં બે દિવસ ભરતનાટ્યમ અને બે દિવસ ડ્રૉઇંગ ક્લાસમાં જતી હતી. તેની મમ્મી તેજલબહેને બધું મૅનેજ થઈ જાય એવું સરસ ટાઇમટેબલ બનાવ્યું હતું. સ્કૂલ અને ક્લાસિસના શિક્ષકોનો પણ સપોર્ટ મળ્યો. પિકઅપ ઍન્ડ ડ્રૉપ માટે પપ્પા હાજર જ હોય આથી ક્યારેય પ્રેશરાઇઝ નથી થઈ. જોકે મૅથ્સ અને સાયન્સ ટ્રિકી સબ્જેક્ટ હોવાથી એમાં થોડી વધુ મહેનત કરવી પડી હતી. ઝીલને IITમાં ઍડ્‍મિશન લઈને એન્જિનિયર બનવું છે. રિઝલ્ટ આવ્યું એ પહેલાં જ તેણે JEE મેઇન્સની તૈયારી માટે ક્લાસિસ જૉઇન કરી લીધા છે. ભણવાની સાથે જુદાં-જુદાં ફીલ્ડ એક્સ્પ્લોર કરવાં છે. એજ્યુકેશનલ ડિગ્રીની સાથે તેને ભરતનાટ્યમ શીખવવા માટે સ્ટુડિયો શરૂ કરવો છે. ભરતનાટ્યમની શિક્ષક બનવાની તાલીમ લઈ રહી છે. બાળપણથી કલ્ચરલ ઍક્ટિવિટીમાં રુચિ હોવાને કારણે તેણે ટ્રિનિટી સ્કૂલ ઑફ લંડનથી સ્પીચ ઍન્ડ ડ્રામાનો કોર્સ પણ કર્યો છે. ગુરુવારે જાહેર થયેલાં મહારાષ્ટ્ર બોર્ડની SSCની પરીક્ષાનાં પરિણામોની યાદી મુજબ રાજ્યમાં કુલ ૧૭૯ વિદ્યાર્થીઓને ૧૦૦ ટકા માર્ક્સ મળ્યા છે. મુંબઈમાં ૧૦૦ ટકા લાવનાર પાંચ વિદ્યાર્થીઓમાંની એક ઝીલ છે. તેના પપ્પા ભાવેશભાઈનું શૅરબજારમાં કામકાજ છે. મમ્મી તેજલબહેન ગૃહિણી અને મોટી બહેન આસ્થા MBAનો અભ્યાસ કરે છે.

સહશાલેય સ્પર્ધામાં ભાગ લેવાથી લાભ થાય

બોરીવલી-ઈસ્ટમાં આવેલી મહારાષ્ટ્ર બોર્ડની શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલનાં પ્રિન્સિપાલ હેમાલી જોશીએ એક્સ્ટ્રા-કરિક્યુલર માટે મળતા વધારાના માર્ક્સ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે ‘ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્‍સ ઑફિસ (DSO) અને સહશાલેય (સહ-અભ્યાસક્રમ) સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં વધારાના માર્ક્સ મળે છે; જેમાં નૃત્ય, ગાયન, ચિત્રકામ, મોનો ઍક્ટિંગ, વક્તૃત્વ સ્પર્ધા, ખેલકૂદ અને સાયન્સ એક્ઝિબિશન જેવી વિવિધ સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધાઓ વિભાગીય, જિલ્લા અને રાજ્યસ્તરે આયોજિત થાય છે. વિદ્યાર્થી કયા લેવલ પર ભાગ લે છે અને જીતીને આવ્યા કે માત્ર પાર્ટિસિપેશન હતું એના આધારે માર્ક્સ ઉમેરાય. આપણે ત્યાં મુંબઈ વેસ્ટ, મુંબઈ નૉર્થ અને મુંબઈ સાઉથ એમ ત્રણ વિભાગીય સ્પર્ધા થાય છે. વિભાગીય સ્તરે પાંચ, જિલ્લાસ્તરે ૧૦, રાજ્યસ્તરે ૧૫ અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વધારાના ૨૦ માર્ક્સ મળે છે. એવી જ રીતે લેવલ પણ જોવામાં આવે છે. દાખલા તરીકે ડ્રૉઇંગની ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં C ગ્રેડ આવે તો પાંચ માર્ક્સ, B ગ્રેડ આવે તો ૧૦ માર્ક્સ અને A ગ્રેડ આવે તો ૧૫ માર્ક્સ ઉમેરાય. સાયન્સ એક્ઝિબિશનમાં જિલ્લાસ્તરે જીતવું આવશ્યક છે. રાજ્યસ્તરે ભાગ લીધો હોય તો ૧૦ માર્ક્સ અને જીતીને આવો તો ૧૫ માર્ક્સ મળે. વધારાના માર્ક્સ માટે કેટલાં વર્ષથી ભાગ લો છો એ નથી જોવાતું, પણ દસમા ધોરણમાં ભણતાં-ભણતાં ભાગ લીધો હોવો જોઈએ. આજે વર્સેટાઇલ ટૅલન્ટનો જમાનો છે. નવી શિક્ષણનીતિમાં બાળકના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ વર્ષથી હૉલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આવી જવાનાં છે જે વિદ્યાર્થીની પ્રતિભાનું ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરશે. તમારા બાળકમાં ટૅલન્ટ હોય અને અભ્યાસની સાથે સ્પર્ધાઓને બૅલૅન્સ કરી શકે એટલી ક્ષમતા હોય તો તેને એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવું જોઈએ. સ્કૂલો પણ આવા વિદ્યાર્થીઓને પ્લૅટફૉર્મ મળે એ માટે અથાગ પ્રયાસ કરે છે. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લાસ્તરે કબડ્ડીમાં જીત્યા હતા. વિભાગીય સ્તરે મોનો ઍક્ટિંગમાં ઇનામ મળ્યું છે. વક્તૃત્વ સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. સાયન્સ એક્ઝિબિશનમાં જીત્યા નહોતા પરંતુ રાજ્યસ્તર સુધી પહોંચ્યા હતા. ભાગ લેનારા વિદ્યાર્થીઓને વધારાના માર્ક્સ મળ્યા છે.’

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai 10th result Education central board of secondary education