વસઈ - વિરાર તરસ્યાં જ રહેશે

07 September, 2023 10:20 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સૂર્યા પ્રકલ્પમાંથી પાણી આવવામાં વિલંબ થઈ રહ્યો છે અને ૧૮૫ એમએલડીને બદલે હાલમાં ફક્ત ૭૦ એમએલડી જ પાણી મળશે

સૂર્યા ડેમ

વસઈ-વિરારને એમએમઆરડીએ દ્વારા સૂર્યા પાણી પ્રોજેક્ટમાંથી જલદી જ ૧૮૫ એમએલડી પાણી આપવામાં આવશે, જેની ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાત કરાઈ હતી. એથી લોકો પણ ખૂબ આશાએ રાહ જોતા હતા, પણ કોઈ ને કોઈ કારણસર આ પાણી પહોંચી રહ્યું નહોતું, પરંતુ વાસ્તવમાં હાલમાં તો ફક્ત દરરોજ ૭૦ મિલ્યન લિટર્સ પાણી જ મળવાનું છે. જ્યારે બાકીની પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થવામાં હજી થોડો સમય લાગશે. એથી પૂર્ણ ક્ષમતાથી પાણી મળવામાં વિલંબ થવાનો છે તેમ જ પાણી લાવવા માટે ૧૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇનના ચૅનલનું ૮૮ કરોડ રૂપિયાનું કામ હજી પૂર્ણ થયું ન હોવાનું બહાર આવ્યું છે. આ કામગીરી ઑક્ટોબરના અંત સુધી થવાની હોવાથી પાણી માટે વધુ રાહ જોવી પડશે.

વસઈ-વિરારની વધતી જતી જનસંખ્યા અને પાણીની અછતને ધ્યાનમાં રાખીને એમએમઆરડીએ સૂર્યા પ્રોજેક્ટમાંથી વધારાનું ૪૦૩ મિલ્યન લિટર્સ પાણી પૂરું પાડવાની યોજના બનાવી છે. એમાંથી વસઈ-વિરાર માટે ૧૮૫ મિલ્યન લિટર્સ અને મીરા-ભાઈંદર માટે ૨૧૮ મિલ્યન લિટર્સ પાણીની યોજના છે. આ યોજનાનું કામ વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું હતું. એમએમઆરડીએ દ્વારા કાશિદકોપર (વિરાર) જળાશય સુધી પાણી લાવવામાં આવશે. ત્યાર બાદ આ પાણીને મહાનગરપાલિકા દ્વારા વસઈ-વિરારમાં વિતરણ કરવામાં આવશે. આ યોજના દ્વારા મળનારું પાણી વિતરણ કરવા માટે ૨૮૪ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇનની ચૅનલો નાખવામાં આવી છે અને ૧૭ જળાશયો બનાવવામાં આવ્યાં છે.

વસઈ-વિરારને ૧૮૫ મિલ્યન લિટર્સ પાણી મળવાનું છે, પરંતુ એમાંથી ૨૦ મિલ્યન લિટર્સ પાણી મહાનગરપાલિકા ક્ષેત્ર બહારનાં ગામોને આપવામાં આવશે, જ્યારે વસઈ-વિરાર મહાનગરપાલિકા માટે ૧૬૫ મિલ્યન લિટર્સ પાણી ઉપલબ્ધ થશે. આ પાણી જલદી જ આવશે, એવી વાતો કરાઈ રહી હતી, પરંતુ વાસ્તવમાં એક જ સમયે આટલું પાણી આવી શકવાનું નથી અને માત્ર ૭૦ મિલ્યન લિટર્સ જ પાણી મળશે, એવું મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગે જણાવ્યું છે.

એમએમઆરડીએ દ્વારા પાણી વિરારના કાશિદકોપરમાં લવાશે અને ત્યાંથી એનું વિતરણ કરાશે, પરંતુ વિરારની બાજુમાં નાલાસોપારા, વસઈ અને નાયગાંવમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ હજી બાકી છે. આ કામ માટે કુલ ૧૦ કિલોમીટર લાંબી પાણીની પાઇપલાઇન નાખવાની હતી, જેમાંથી વિરાર સુધી પાંચ કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાનું કામ કરાયું છે. આ કામ માટે ૮૮ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. એમએમઆરડીએ દ્વારા ૩૫ કરોડ રૂપિયાનું મંજૂર અનુદાન પણ અપાયું નથી. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે ઑક્ટોબરના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થશે, જેથી હાલમાં ૭૦ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવશે અને બાકીનું પાણી પાઇપો નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉપલબ્ધ થશે.

તારીખ પે તારીખ 
વર્ષ ૨૦૨૨માં દિવાળી સમયે આ પાણી આવવાનું હતું. જોકે આ મુદત તો જતી રહી, એ બાદ ડિસેમ્બરમાં વધારાનું પાણી મળશે એવું કહેવાયું હતું, પરંતુ લોકો પાણીની રાહ જોતા રહી ગયા અને ફરી માર્ચ મહિના સુધી પાણી આવશે એવું કહેવાયું હતું. જોકે એના બાદ પણ એપ્રિલ, મે, જૂન અને હવે છેક સપ્ટેમ્બર મહિનો પણ આવી ગયો, છતાં તારીખ પે તારીખ જ મળી રહી છે. દરમ્યાન, રાજ્યના મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવા માટે રાહ જોવાઈ રહી હોવાનું પણ સામે આવ્યું હતું, પરંતુ હવે આ તારીખ પે તારીખ કેટલી જોવાની રહેશે એની રાહ લોકો જોઈ રહ્યા છે.

એમએમઆરડીએનું શું કહેવું છે?
આ વધારાના પાણી વિશે માહિતી આપતાં એમએમઆરડીએના એન્જિનિયરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈ-વિરાર સુધી લાંબી પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલમાં એના ક્લિનિંગનું કામ ચાલી રહ્યું છે. એથી હવે મહાનગરપાલિકા તેમની જરૂરિયાત પ્રમાણે પાણીપુરવઠો લેશે.’

88
હજી તો આટલા કરોડનું કામ કરવાનું બાકી છે

vasai virar vasai virar city municipal corporation mumbai rains mumbai monsoon mumbai water levels preeti khuman-thakur