જળાશયોમાં એક જ દિવસમાં ૨૦ દિવસનું પાણી થયું જમા

16 July, 2024 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે જળાશયોમાં કુલ ૩૫.૧૧ ટકા પાણી જમા થયું છે

પ્રતીકાત્મક તસવીર

સતત વરસી રહેલા વરસાદને લીધે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ છે. છેલ્લા બે દિવસમાં ૧૦ ટકા જેટલું પાણી જળાશયોમાં ભરાયું છે. ગઈ કાલે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં જળાશયોમાં ૭૭,૮૪૯ મિલ્યન લીટર એટલે કે ૫.૩૮ ટકા નવા પાણીની આવક થઈ હતી. અત્યારે જળાશયોમાં કુલ ૩૫.૧૧ ટકા પાણી જમા થયું છે. આમ તો મુંબઈને રોજની ૪૫૦૦ મિલ્યન લીટર પાણીની જરૂર છે, પણ એની સામે ૩૮૦૦ મિલ્યન લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે. એ જોતાં એક જ દિવસમાં જળાશયોમાં ૨૦ દિવસનું પાણી જમા થયું છે.
મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોની કુલ ક્ષમતા ૧૪.૪૭ મિલ્યન લીટરની છે. સુધરાઈએ આપેલા ડેટા અનુસાર હાલ ગઈ કાલ સવાર સુધી ૫,૦૮,૧૦૮ મિલ્યન લીટર પાણીનો સ્ટૉક જમા થયો છે જે મુંબઈને આવતા ચાર મહિના સુધી પાણી પૂરું પાડી શકશે. આજે જે પાણીનો સ્ટૉક છે એને ૨૦૨૨ના આ જ સમયગાળા સાથે સરખામણી કરવામાં આવે તો માત્ર અડધો જ છે. ૨૦૨૨ની ૫ જુલાઈએ ૭૪.૮૨ ટકા પાણીનો સ્ટૉક હતો, જ્યારે ૨૦૨૩ની સરખામણીએ એમાં ૪ ટકાનો વધારો નોંધાયો છે. સુધરાઈના ઑફિસરોનું કહેવું છે કે હવામાન ખાતાએ આગાહી કરી છે કે હજી આવનારા દિવસોમાં જળાશયના ઉપરવાસમાં સારો વરસાદ થવાની આશા છે.

આજે પણ મુંબઈમાં ઑરેન્જ અલર્ટ

હવામાન ખાતાએ આજ માટે મુંબઈ સહિત પાલઘર, થાણે, રત્નાગિરિ અને ​સિંધુદુર્ગમાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાયગડમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હોવાથી ત્યાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રિજન (MMR)ના મોટા ભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવાઈ છે. 

 

mumbai water levels brihanmumbai municipal corporation mumbai monsoon mumbai rains mumbai mumbai news indian meteorological department mumbai weather Weather Update