03 June, 2026 07:12 AM IST | Mumbai | Varsha Chitaliya
માનસરોવરની યાત્રા માટે રવાના થયો છે પંચાલ પરિવાર.
દરેક સનાતની હિન્દુ જીવનમાં એક વાર હિમાલયની ગોદમાં આવેલા કૈલાસ-માનસરોવરની યાત્રા કરવા ઇચ્છુક હોય છે, પરંતુ ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને પગલે બહુ ઓછા લોકોને આવી તક મળે છે. આ વર્ષે ભારત-ચીન સીમા પરથી ૧૦૦૦ અને નેપાલ-તિબેટ બૉર્ડરથી ૨૪,૦૦૦ ભારતીયોને યાત્રાની પરમિટ મળી છે જેમાં મુંબઈના કેટલાક શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. શિવ સાથે આધ્યાત્મિક જોડાણની આ કઠિન યાત્રા સુખરૂપ પાર પડે એ માટે તેમણે જોરદાર તૈયારી કરી છે
વસંત પટેલ પત્ની સાથે.
ગયા વર્ષે માનસરોવરની યાત્રા કરી આવેલા વસંત પટેલ અને અન્ય મેમ્બરો.
કૈલાસ-માનસરોવરનું નામ સાંભળતાં જ કૈલાસપતિ શિવજી અને માતા પાર્વતીનું સ્મરણ થઈ આવે. દરેક સનાતની હિન્દુ જીવનમાં એક વાર આ આધ્યાત્મિક યાત્રાએ જવા ઇચ્છુક હોય છે. જોકે કરોડો હિન્દુઓની આસ્થાનું આ તીર્થ ચીનના તાબા હેઠળના તિબેટમાં હોવાથી શ્રદ્ધાળુઓએ પરમિટ મેળવવી પડે છે. રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે ચીન કેટલા લોકોને પરવાનગી આપશે એના પર આધાર રાખવો પડતો હોવાથી બહુ ઓછા લોકોને આ યાત્રાનો લાભ મળે છે. આ વર્ષે ચીને ભારતના વિદેશ મંત્રાલયની દેખરેખ હેઠળ ભારત-ચીન સરહદથી ૧૦૦૦ અને ખાનગી ઑપરેટરો દ્વારા નેપાલ-તિબેટ સરહદથી ૨૪,૦૦૦ ભારતીયોને કૈલાસ-માનસરોવરની યાત્રા કરવાની પરવાનગી આપી છે. એમાં મુંબઈના ભાગ્યશાળી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ યાત્રા ખૂબ જ દુર્ગમ અને હાઈ-ઍલ્ટિટ્યુડ પર હોવાથી શારીરિક અને માનસિક તૈયારીઓ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. શિવ સાથે આધ્યાત્મિક જોડાણની કઠિન યાત્રા સુખરૂપ પાર પડે અને યાત્રા દરમ્યાન તબિયત સારી રહે એ માટે શ્રદ્ધાળુઓએ જોરદાર તૈયારીઓ કરી છે.
એનર્જી જાળવી રાખીશું
૨૭ મેએ સવારે ૧૧ વાગ્યાની ફ્લાઇટમાં મુંબઈથી કાઠમાંડુ જવા નીકળેલા પંચાલ સમાજના ૧૬ સભ્યોની ટીમ ૩ મહિનાથી માનસરોવર જવાની પરવાનગી મેળવવા પ્રયત્નશીલ હતી. યુદ્ધની પરિસ્થિતિને લીધે મંજૂરી મેળવવામાં વિલંબ થયો. આખરે ૭ મેએ કન્ફર્મેશન આવ્યું ત્યારથી તેઓ જોરશોરથી તૈયારી કરતા હતા. ‘મિડ-ડે’ સાથે માહિતી શૅર કરતાં ટીમ-મેમ્બર હિતેશ પંચાલે કહ્યું હતું કે ‘અમે બધા પારિવારિક મિત્રો અને એક જ સમાજના છીએ. મુંબઈમાં અમે કાંદિવલી, બોરીવલી, મુલુંડ એમ જુદાં-જુદાં પરાંમાં રહીએ છીએ. ગયા વર્ષે અમરનાથની યાત્રાએ ગયા હતા ત્યારે જ માનસરોવર જવાનો પ્લાન બનાવ્યો હતો. ભોળાનાથમાં અતૂટ શ્રદ્ધા હોવાથી જીવનમાં એક વાર કૈલાસ-માનસરોવરની યાત્રા કરવાની પ્રબળ ઇચ્છા હતી. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મંજૂરી મળવામાં વાર લાગી. નસીબજોગે ટૂર-ઑપરેટર મારફત આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ડૉક્યુમેન્ટેશનની પ્રક્રિયા સરળતાથી પાર પડી ગઈ. તબીબી તપાસમાં બધાના રિપોર્ટ બરાબર આવતાં રાહત થઈ. યાત્રાની તૈયારી પણ જોરદાર કરી છે. દોઢ મહિનાથી અમે દરરોજ ૭ કિલોમીટર ચાલતા હતા. યોગ, પ્રાણાયામ અને કાર્ડિયો એક્સરસાઇઝ પર ખાસ ધ્યાન આપ્યું છે. હવામાન પરિર્વતન અને ઠંડીમાં શારીરિક ક્ષમતા જળવાઈ રહે એ માટે સૂંઠ પાઉડર, ગુંદરપાક, ખજૂરપાક બનાવડાવ્યા છે. ગરમ કપડાં અને જરૂરી દવાઓ પણ લીધી છે. સૌથી પહેલાં અમારી ટીમ નેપાલમાં પશુપતિનાથનાં દર્શન કરવાનાં અને ત્યાર બાદ તિબેટથી કૈલાસ પરિક્રમા શરૂ કરવી એવો પ્લાન અમે બનાવ્યો હતો. મેમ્બરોની ઉંમર પચાસ વર્ષની અંદર છે એટલે યાત્રામાં તકલીફ નહીં પડે. ભોળાનાથના આશીર્વાદથી યાત્રા સુખરૂપ પાર નીવડશે એવો અમને વિશ્વાસ છે. અમે ૭ જૂને પાછા ભારત આવીશું.’
પરમિટની રાહ જોઈ રહેલા ભારતી સુરેલિયા અને તેમના ભાઈ જયેશ ભાડેશિયા.
બીજી વાર જવાની તક મળી
ગયા વર્ષે પત્ની સાથે કૈલાસ-માનસરોવરની યાત્રા કરી આવેલા વસંત પટેલ આ વર્ષે ફરીથી જવાના છે. અનુભવી હોવાથી ૮૦ જણની ટીમને તેઓ લીડ કરવાના છે. તેમણે કહ્યું હતું કે ‘અમારું જય ભોલેનાથ ફાઉન્ડેશન છે. દર વર્ષે અમે આધ્યાત્મિક ટ્રિપનું આયોજન કરીએ છીએ. ગયા વર્ષે ૪૦ મેમ્બરો કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયા હતા. આ વખતે મુંબઈ, નાશિક, બૅન્ગલોર, પુણે વગેરે સ્થળેથી ૮૦ જણ તૈયાર થઈ ગયા. અમારો કાફલો પહેલી જુલાઈએ મુંબઈથી નેપાલ જવા રવાના થશે. ઉંમર પંચાવનથી ૬૬ વચ્ચે છે. ફિઝિકલ ફિટનેસ માટે બધાને દરરોજ એક કલાક વૉકિંગ કરવાની સૂચના આપી છે જેથી ચાલીને પરિક્રમા પૂરી કરી શકે. હું પોતે રોજ ૧૦ કિલોમીટર ચાલું છું. કૈલાસ-માનસરોવરમાં એવી પૉઝિટિવ એનર્જી છે કે વારંવાર જવાનું મન થાય. દરેક હિન્દુએ જીવનમાં એક વાર આ યાત્રા કરવી જ જોઈએ. જોકે આંતરરાષ્ટ્રીય નિયમો અને અટપટી પ્રક્રિયાને લીધે બધા નથી જઈ શકતા. શિવજીના સાંનિધ્યમાં ફરી જવાની તક મળી એ માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. ગયા વર્ષે ૪૪ કિલોમીટરની યાત્રા પગપાળા કરી હતી. બે રાત માર્ગમાં વિતાવીને ત્રીજા દિવસે કૈલાસ પહોંચ્યો હતો. પહાડો ચડવા અને આધ્યાત્મિક યાત્રામાં ફરક છે. આસ્થા જ તમને શિવજીના ધામમાં લઈ જાય છે.’
પરમિટની રાહમાં
નાલાસોપારામાં રહેતાં ભારતી સુરેલિયા અને તેમના ભાઈ જયેશ ભાડેશિયા લાંબા સમયથી માનસરોવરની યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. ઑપરેટરે પચીસ જૂન માટે અપ્લાય કર્યું છે. ફિટનેસ અને ડાયટ જોરદાર ચાલુ છે. ભારતીબહેને કહ્યું હતું કે ‘હું, મારો ભાઈ, જમાઈ અને ભાણેજવહુ એમ ૪ જણ જવાના છીએ. બાળક નાનું હોવાથી દીકરી જોડાઈ નહીં શકે. ૨૦૧૫માં ચારધામ ગઈ હતી ત્યારથી કૈલાસ-માનસરોવર જવાની ઇચ્છા હતી. શિવજીને વિનંતી કરી હતી કે અમને બોલાવો. આ વર્ષે મનોકામના પૂરી થઈ જશે એવી આશા જાગી છે. તૈયારી પણ જોરદાર કરી છે. જાન્યુઆરી મહિનાથી દરરોજ પાંચ કિલોમીટર વૉકિંગ કરીએ છીએ. ૧૦૦ દાદરા ચડ-ઊતર કરવાની પ્રૅક્ટિસ પણ ચાલે છે. બ્રીધિંગ કન્ટ્રોલ કરવા પર ખાસ ધ્યાન આપ્યું છે. તબિયત સારી રહે એ માટે બહારનું ખાવાનું બંધ કરી દીધું છે. ઘરનું સાદું ભોજન અને પ્રોટીન વધુ મળે એવો આહાર લઈએ છીએ. જોકે મુંબઈના વાતાવરણમાં ગમે એટલી તૈયારી કરી હોય, શારીરિક ક્ષમતાની સાચી કસોટી ત્યાં જઈને જ થશે. આ યાત્રામાં ક્લાઇમેટનો રોલ અગત્યનો છે. ઑપરેટરના કહેવા પ્રમાણે ૧૫ દિવસમાં પરમિટ આવી જશે. ત્યાં જઈને ખાવા-પીવાની ચિંતા નથી છતાં સાથે ચૉકલેટ્સ, પ્રોટીનબાર અને ડ્રાયફ્રૂટ્સ રાખીશું.’
બે રૂટ, બન્નેના નિયમો જુદા
ભારત સરકારે ૧૦૦૦ લોકોની પસંદગી કરી છે અને ખાનગી ઑપરેટરો ૨૪,૦૦૦ લોકોને મોકલવાના છે એ બન્નેમાં શું ફરક છે એ વિશે સમજાવતાં મુલુંડસ્થિત ઇન્ડો-નેપાલ હૉલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના ધૈર્ય ઠક્કરે કહ્યું હતું કે ‘અમે ૧૯૯૨થી કૈલાસ-માનસરોવરની યાત્રાનું આયોજન કરીએ છીએ. આ યાત્રા બે રૂટથી થાય છે : ઇન્ડો-ચાઇના બૉર્ડર અને નેપાલથી ચીનમાં પ્રવેશ. દર વર્ષે નિયમો બદલાતા રહે છે. ૨૦૨૬ માટે ચીનની સરકાર કુલ ૨૫,૦૦૦ ભારતીય શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાની છે. એમાંથી ૧૦૦૦ શ્રદ્ધાળુઓને વિદેશ મંત્રાલય દ્વારા લકી ડ્રૉથી પસંદ કરવામાં આવ્યા છે અને ખાનગી ઑપરેટરો માટે ૨૪,૦૦૦ શ્રદ્ધાળુઓનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય મારફત ઉત્તરાખંડના લિપુલેખ ઘાટ થઈને અને સિક્કીમના નાથૂ લા પાસ થઈને ચીન (તિબેટ)માં પ્રવેશ મળે છે. પસંદ કરાયેલા શ્રદ્ધાળુઓએ દિલ્હીમાં તબીબી તપાસ કરાવવી ફરજિયાત છે અને અહીંથી જ તેમની આગળની યાત્રાનો પ્રારંભ થાય છે. ખાનગી ઑપરેટરોને આ રૂટ પરથી એન્ટ્રી નથી. ચીન પાસેથી પરમિટ મેળવવાની પ્રક્રિયા એ જ છે, પણ રૂટ અને નિયમોમાં ફરકને લીધે લોકો અમારા દ્વારા જવાનું પસંદ કરે છે. ખાનગી ઑપરેટરો શ્રદ્ધાળુઓને ભારતથી નેપાલ થઈને કૈલાસ-માનસરોવરની યાત્રાએ લઈ જાય છે. કાઠમાંડુથી પુરાંગ તિબેટિયન સરહદથી યાત્રાનો પ્રારંભ થાય. મુખ્ય વાત એ છે કે વિદેશ મંત્રાલયના લકી ડ્રૉમાં પરિવારના એક સભ્યનું નામ નીકળે તો તેણે આગળ વધવું પડે. જો કૅન્સલ કરે તો આગામી ૩ વર્ષ માટે તેઓ ઍપ્લિકેશન ફૉર્મ ભરવા અપાત્ર ઠરે છે. અમે ગ્રુપ-પરમિટ માટે અપ્લાય કરીએ છીએ એટલે ફૅમિલી સાથે યાત્રાએ જઈ શકાય છે. ઇન્ડો-ચીન બૉર્ડરથી યાત્રા જૂનથી ઑગસ્ટ હોય છે, જ્યારે નેપાલના રૂટથી આ વર્ષે ૧૭ મેએ પ્રથમ બૅચને એન્ટ્રી મળી ગઈ છે અને સપ્ટેમ્બરના અંત સુધી યાત્રા ચાલુ રહેશે. સમયમર્યાદામાં પણ ફરક છે. ઇન્ડો-ચીનથી યાત્રાનો રૂટ અઘરો હોવાથી ઓછામાં ઓછી ૨૩ દિવસનો સમય લાગી જાય છે, જ્યારે નેપાલથી હેલિકૉપ્ટરની સુવિધા છે અને ૧૫ દિવસમાં ચાલીને પણ પરિક્રમા પૂરી થઈ જાય. જોકે પરમિટ એક મહિનો અને ઘણી વાર ૧૫ દિવસ પહેલાં આવે એટલે છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડે. બન્ને રૂટ પરથી જવા ફિઝિકલ ફિટનેસ જરૂરી છે.’
ભારત સરકાર vs ખાનગી ઑપરેટર
૧. સરકાર દ્વારા પસંદ કરાયેલા શ્રદ્ધાળુઓને ભારત-ચીન બૉર્ડર પરથી એન્ટ્રી મળે છે, જ્યારે ખાનગી ઑપરેટરો દ્વારા પરમિટ મેળવનારા શ્રદ્ધાળુઓને નેપાલ બૉર્ડરથી ચીનમાં પ્રવેશ મળે છે.
૨. સરકાર દ્વારા લકી ડ્રૉથી પસંદગી થાય છે. એમાં પરિવારમાંથી એકનું નામ નીકળે અને બીજાનું ન નીકળે એવું થઈ શકે, જ્યારે ખાનગી ઑપરેટરો ગ્રુપ-પરમિટ મેળવે છે.
૩. ભારત સરકારની વેબસાઇટ પર ફૉર્મ ભરો છો અને લકી ડ્રૉમાં તમારું નામ આવે પણ જીવનસાથી અથવા પરિવારના અન્ય સભ્યનું નામ ન નીકળે એવા કિસ્સામાં નસીબદાર મેમ્બરે યાત્રા આગળ વધારવી જોઈએ. જો એમ નથી કરતા તો આગામી ૩ વર્ષ માટે અપાત્ર ઠરો છો. ખાનગી ઑપરેટરમાં આવી સમસ્યા નડતી નથી.
૪. લકી ડ્રૉમાં નામ આવે તે શ્રદ્ધાળુએ દિલ્હી જઈને મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે. ખાનગી ઑપરેટરો મારફત યાત્રામાં જનારા શ્રદ્ધાળુઓ ફૅમિલી-ડૉક્ટર પાસેથી મેળવેલું ફિટનેસ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે.
૫. ઇન્ડો-ચાઇના રૂટથી થતી યાત્રા આ વર્ષે પહેલી જૂનથી ૩૧ ઑગસ્ટ સુધી ચાલશે અને પૂરી કરવામાં ૨૩ દિવસનો સમય લાગે છે, જ્યારે નેપાલથી કૈલાસ-માનસરોવરની યાત્રા ૧૭ મેથી સપ્ટેમ્બરના અંત સુધી ચાલશે અને ૧૫ દિવસમાં પૂરી કરી શકાય છે.
૬. યાત્રાનો ખર્ચ અંદાજે અઢી લાખ રૂપિયા જેટલો થાય છે. જો સરકારના લકી ડ્રૉ દ્વારા જાઓ તો અમુક રાજ્યો તરફથી સબસિડી મળે છે.