24 February, 2025 09:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાલબાદેવીની ઈમારતમાં આગ (તસવીર સૌજન્ય: સંતોષ નિંબલકર)
દક્ષિણ મુંબઈના કાલબાદેવી નજીક લોહાર ચાલ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લોહાર ચાલ સ્થિત અજમેરા હાઉસમાં લાગી હતી, જે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઈમારત છે. સોમવારે થયેલી આ ઘટનામાં આગનું મુખ્ય કારણ પ્રાથમિક તપાસમાં ઍર કન્ડીશનિંગ (AC) યુનિટ હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાની સાથે જ ઈમારતમાં રહેનાર લોકો અને આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની ઘટના અંગે અધિકૃત સ્તરે હજી વધુ વિગતો સામે આવવાની બાકી છે.
મુંબઈ ઍરપોર્ટ નજીક રૂફટોપ રેસ્ટોરન્ટમાં આગ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Chhatrapati Shivaji Maharaj International Airport) ટર્મિનલ 2 નજીક આવેલી એક હૉટેલના રૂફટોપ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી દોઢ કલાકની મહેનત બાદ આગને ઓલવી હતી. સત્તાવાર માહિતી મુજબ, વિલે પાર્લે (પૂર્વ) સ્થિત હૉટેલ `ફેર્મોન્ટ`ના રૂફટોપ રેસ્ટોરન્ટમાં સાંજે 5:30 વાગ્યે "લેવલ-1" માયનર (Level-1 Minor)આગની ઘટના બની હતી. પ્રથમ માહિતી મુજબ, હૉટેલનું નામ `પેરામાઉન્ટ` હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે બાદ તેનું સાચું નામ `ફેરમોન્ટ` હોવાનું બહાર આવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ 70-80 લોકોને હૉટેલની સિડી મારફત સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. હૉટેલમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ હૉટેલની છત પર આવેલા એર કન્ડીશનિંગ યુનિટ અને એક્ઝોસ્ટ ડક્ટિંગમાં ફેલાઈ હતી. આગને ઓલવવા ફાયર બ્રિગેડના 3 ફાયર એન્જિન, 3 પાણીના ટૅન્કર અને અન્ય મદદ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
દક્ષિણ મુંબઈ: મરીન લાઈન્સમાં રહેણાંક ઈમારતમાં આગ
દક્ષિણ મુંબઈમાં મરીન લાઈન્સમાં શનિવારે બપોરે લગભગ 12:30 વાગ્યે પાંચ માળની રહેણાંક ઈમારતમાં લાગેલી આગ બે કલાક પછી કાબુમાં આવી હતી, જોકે કોઈને ઈજા થવાના અહેવાલ નથી કારણ કે ઉપરના માળે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, એક બીએમસી અધિકારીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ગોલ મસ્જિદ પાસે મરીન ચેમ્બર્સમાં લાગેલી આગમાં પાંચમા માળે 2000 સ્ક્વેર ફૂટના ફ્લૅટના ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, લાકડાનું ફર્નિચર, ફોલ્સ સીલિંગ, ગૅસ સપ્લાય ટ્યુબ અને રેગ્યુલેટર તેમજ ગાદલા જેવી ઘરગથ્થુ વસ્તુઓને આગના લીધે નુકસાન થયું હતું. "બપોરે 2:10 વાગ્યે આગ કાબુમાં આવી હતી. પાંચ માળની ઈમારતના ઉપરના માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા બચાવીને સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી," અધિકારીએ જણાવ્યું હતું.