18 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મીરા-ભાયંદરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષીય યુવતી અને 17 વર્ષીય યુવકની 75 વર્ષીય વૃદ્ધની હત્યા માટે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધે છોકરી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે છોકરીએ તેના મિત્રને બોલાવ્યો અને બંનેએ મળીને વૃદ્ધની હત્યા કરી. માહિતી અનુસાર, બંનેની મિત્રતા લગભગ એક વર્ષથી હતી. જ્યારે છોકરીના પરિવારને આ બાબતની જાણ થઈ તો તેમણે તેનો વિરોધ કર્યો. ઘરનું વાતાવરણ બગડતાં છોકરીએ લગભગ દોઢ મહિના પહેલા ઘર છોડી દીધું હતું અને તે એકલી કામ શોધતી હતી. આ સમય દરમિયાન છોકરીની મુલાકાત 75 વર્ષીય વૃદ્ધ સાથે થઈ, જે ટેમ્પો દ્વારા પાન અને સિગરેટ વેચતો હતો. આ વૃદ્ધે છોકરીને કામ પર રાખી લીધી. છોકરી સાથે કોઈ પગાર નક્કી કરાયો ન હતો, પણ વૃદ્ધે તેની જરૂરિયાતો માટે મદદ કરવાનું વચન આપ્યું હતું અને મહિનો પૂરો થતાં થોડી રકમ આપવા માટે કહ્યું હતું.
ઘટનાની શરૂઆત
15 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8:30 વાગ્યે વૃદ્ધે છોકરીને કામ માટે સાથે જવા કહ્યું. બંને પહેલા ટ્રેનમાં ગયાં હતાં અને ત્યાર બાદ ઑટોમાં બેસીને ગયાં. છોકરીનો આરોપ છે કે રિક્ષામાં જ વૃદ્ધે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. છોકરીએ તેને ધક્કો માર્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. ત્યાર બાદ સગીરાએ બોયફ્રેન્ડને આ વાતની જાણ કરી હતી.
મિત્રને ફોન કરીને બોલાવ્યો
છોકરીએ આ ઘટનાની જાણ તેના બૉયફ્રેન્ડને કરી હતી. તે યુવક આ વિસ્તારમાં પહેલેથી હાજર હતો. તેણે રિક્ષા સામે ઉભા રહીને વૃદ્ધને લિફ્ટ આપવા માટે કહ્યું. વૃદ્ધને ખબર ન હતી કે છોકરીએ તેના મિત્રને બોલાવ્યો છે.
આ રીતે કરાઈ હત્યા
વૃદ્ધ જ્યારે હોટલ શોધી રહ્યો હતો, ત્યારે બંને સગીરે તેનો રસ્તો રોકી લીધો. છોકરીએ પહેલા વૃદ્ધના માથા પર પત્થર મારીને હુમલો કર્યો અને પછી યુવકે પણ તેની મદદ કરી. બંનેએ મળીને વૃદ્ધની હત્યા કરી અને તેનો મૃતદેહ નજીકની ઝાડીઓમાં ફેંકી દીધો.
પોલીસ તપાસ અને ધરપકડ
પીડિત વૃદ્ધના પરિવારજનો દ્વારા 16 ફેબ્રુઆરીએ મીરા-ભાયંદર-વસઈ-વિરાર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવાઈ હતી. થોડી જ વાર પછી અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓને એક વૃદ્ધનો લોહીથી તરબતર મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેને છેલ્લે 16 વર્ષીય છોકરી સાથે જોવામાં આવ્યો હતો. છોકરીએ શનિવારે ગુનો કબૂલ કર્યો અને તેના મિત્રની પણ ધરપકડ કરવામાં આવી. તેમની કબૂલાત પ્રમાણે, વૃદ્ધે છોકરી પર યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો અને તેને મહિનો પૂરો થતાં પગાર પણ આપ્યો નહોતો.