29 June, 2023 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)
12 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનમાં એક કોટેજના બાથરૂમમાંથી એક મહિલાનો માથું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના શરીર પર કોઈ જ કપડું નહોતું. આ અંગે કોટેજના માલિક કેતન રામનેએ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સંજય બાંગડે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શરીર પર કોઈ કપડું નહોતું અને માથું પણ ગાયબ હતું. હત્યારાએ તેની ઓળખ કરવામાં મદદ કરી શકે તેવી કોઈપણ સામગ્રી છોડી ન હતી. આટલું જ નહીં ઘટનાસ્થળે કોઈ જ સીસીટીવી કેમેરા પણ ન હતા.
જ્યારે ગેસ્ટ રજીસ્ટર ચેક કરવામાં આવ્યું તો અમજદ ખાન અને રૂબીના બેગમના નામ સામે આવ્યા હતા. દંપતીએ શનિવારે ચેક ઇન કર્યું હતું પરંતુ કોઈ પેપર સબમિટ કર્યા ન હતા. જેના પગલે પોલીસને શંકા ગઈ કે દંપતીએ નકલી નામ આપ્યા છે. ત્યારપછી પોલીસની દસ ટીમોને કોટેજ પાસે 250 ફૂટની ખીણમાં મહિલાનું માથું અને કપડાં શોધવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
પોલીસે તેમની ટીમને એવી વસ્તુઓ શોધવાનો પણ આદેશ આપ્યો.
હકીકતમાં માથેરાનમાં વાંદરાઓ ઘણીવાર પ્રવાસીઓ પાસેથી બેગ અને સામાન છીનવી લેતા હોય છે અને તેને આખા હિલ સ્ટેશનમાં ગમે ત્યાં ફેંકી દે છે. પોલીસે વાંદરાઓ દ્વારા ફેંકવામાં આવેલી વસ્તુઓ એકઠી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બધો જ વિખરાયેલો સમાન ભેગો કરવામાં આવ્યો હતો.
પોલીસે વસ્તુઓ શોધવામાં કલાકો ગાળ્યા. આ પછી તેમને એક મહિલાની બેગ મળી. તેમાં કોસ્મેટિક વસ્તુઓ મળી આવી હતી. પોલીસનું ધ્યાન બેગ પર લખેલ નામ પર ગયું. બેગ પર ગોરેગાંવ મેડિકલ સ્ટોરનું નામ છપાયેલું હતું. ત્યારબાદ ઇન્સપેક્ટરે 10 ટીમોમાંથી એકને આ મેડિકલ સ્ટોર અને નજીકના પોલીસ સ્ટેશનોએ શોધખોળ કરવાનો આદેશ આપ્યો હતો.
મેડિકલ સ્ટોરની ઓળખ કર્યા પછી માથેરાન પોલીસે નજીકના પોલીસ સ્ટેશનો સાથે પૂછપરછ કરી હતી કે શું છેલ્લા બે દિવસમાં કોઈ ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે જાણવા મળ્યું હતું કે એક પરિવારે બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં એક છોકરીના ખોવાઈ જવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ગોરેગાંવ પરિવારે મહિલાની ઓળખ 26 વર્ષીય પૂનમ પાલ તરીકે કરી છે. જે નર્સ બનવાની ટ્રેનિંગ લઈ રહી હતી. તેના પરિવારે પોલીસને જણાવ્યું કે તેના લગ્ન મે 2021માં 30 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર રામસિલોચન પાલ સાથે થયા હતા.
રામસિલોચનને શંકા હતી કે પૂનમનું અફેર ચાલે છે.. તે તેની સાથે માથેરાન ગયો અને એક કોટેજ પસંદ કર્યું હતું. જેમાં સીસીટીવી કેમેરા ન હતા. પોલીસે વધુમાં જણાવ્યું કે 11 ડિસેમ્બર 2021ના રોજ રામસિલોચને પૂનમની હત્યા કરી હતી. તેનું માથું કાપીને નજીકની ખીણમાં ફેંકી દીધું. જોકે તે પકડાઈ ગયો છે.