ઇંગ્લિશ શીખે છે પોલીસ-ઑફિસરો

03 March, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લિશમાં વાત કરતા નાગરિકોની ફરિયાદનું નિરાકરણ માટે આચોલે પોલીસ-સ્ટેશનના અધિકારીઓને આપવામાં આવી રહી છે તાલીમ

આચોલે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ઇંગ્લિશ શીખી રહ્યા છે.

આજના આધુનિક યુગમાં પોલીસને દરેક રીતે સક્ષમ કરવા માટે મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના આચોલે પોલીસ-સ્ટેશનના અધિકારીઓને ઇંગ્લિશ શિખવાડવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. સમયાંતરે એવું જોવા મળ્યું હતું કે પોલીસ-સ્ટેશનમાં આવતા નાગરિકો ઇંગ્લિશમાં વાત કરતી વખતે કૉન્સ્ટેબલ લેવલના અધિકારીઓ તેમની તકલીફ સમજી શક્યા નહોતા. એ ઉપરાંત અમુક ક્રાઇમમાં સંબંધિત બૅન્કો અથવા બીજા ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવા પણ તેઓ સક્ષમ નહોતા. એ જોતાં જાન્યુઆરી મહિનાથી આચોલે પોલીસ-સ્ટેશનમાં ટ્રેઇનિંગ-સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ કેટલાક અધિકારીઓમાં સારું પરિવર્તન જોવા મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મોટા ભાગના ક્રાઇમમાં મેઇલ કરવાની સાથે ક્રાઇમ સમજવા માટે ઇંગ્લિશ ખૂબ જ જરૂરી છે, જોકે અમારા પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ લેવલના અધિકારીઓનું ઇંગ્લિશ ખૂબ જ નબળું હોવાથી અમે ટ્રેઇનિંગ શરૂ કરી છે એમ જણાવતાં આચોલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુજિતકુમાર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ ઇંગ્લિશ વિશે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જોકે તેઓ ખૂલીને કોઈ ચીજ કહી શકતા નહોતા એટલે અમે પોલીસ-સ્ટેશનમાં જ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલુ કર્યા હતા. રોજ સવારે ૯થી ૧૦ વાગ્યા સુધીમાં અધિકારીઓને ટ્રેઇનિંગ આપવામાં આવે છે, જેમાં તેમને બોલતાંની સાથે લખતાં પણ શિખવાડવામાં આવી રહ્યું છે. રોજ થોડી પ્રૅ​ક્ટિસ કરીને કઈ રિતે ઇંગ્લિશ ફ્લુઅન્ટ કરી શકાય એની માહિતી પણ આપવામાં આવી રહી છે.’

અધિકારીઓએ ટૂંક સમયમાં ખૂબ જ સારું ઇંગ્લિશ શીખી લીધું છે એમ જણાવતાં પોલીસને ઇંગ્લિશ શીખવતા શિક્ષક અક્ષય ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-અધિકારીઓને એકબીજા સાથે ઇંગ્લિશમાં કઈ રીતે વાત કરવી એ શિખવાડવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ઇંગ્લિશમાં મેઇલ કરી રીતે લખવી એ પણ શિખવાડવામાં આવી રહ્યું છે. બૅન્કના નોડલ ઑફિસરોને કઈ રીતે ક્રાઇમ વિશે માહિતી મોકલવી એ પણ શિખવાડવામાં આવી રહ્યું છે. આવતા એક મહિનામાં તમામ સ્ટાફ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતો થઈ જશે એવો અમારો વિશ્વાસ છે.’

mira road bhayander vasai virar mumbai police Education news mumbai mumbai news