વધતી જાય છે ગરમાગરમી

25 April, 2026 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કરવાના મામલે રોજેરોજ નવા કડાકાભડાકા

ગઈ કાલે દહિસરમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોને સંબોધી રહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમ અને તેમની કાર પર MNSના કાર્યકરોનો હુમલો.

દહિસરમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોને સપોર્ટ કરવા પહોંચેલા શિંદેસેનાના સંજય નિરુપમની કાર પર MNSના કાર્યકરોનો પથ્થરમારો, સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને ફેરવિચાર કરવાનું કહ્યુંઃ MNSના થાણે-પાલઘરના પ્રેસિડન્ટે કહ્યું કે બિનમરાઠી રિક્ષા-ટૅક્સીવાળા હડતાળ પાડીને લોકોને બાનમાં લેશે તો અમે પણ રસ્તા પર ઊતરી આવીશું

રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે મુંબઈમાં બિનમરાઠી રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરો ચિંતામાં છે. ગઈ કાલે શિવસેનાના નેતા સંજય નિરુપમે દહિસર-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા ગણપત પાટીલનગરમાં રિક્ષા-ડ્રાઇવરો સાથે મરાઠી ભાષાના કડક અમલ સંદર્ભે વાતચીત કરી હતી. એ સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા નયન કદમ તેમના કાર્યકરો સાથે પહોંચી ગયા હતા. તેમણે જોરદાર નારાબાજી કરી હતી અને કહ્યું હતું કે જો સંજય નિરુપમ મરાઠીનો વિરોધ કરશે તો તેમને પાઠ ભણાવવામાં આવશે. 
સંજય નિરુપમ ગણપત પાટીલનગર આવવાના છે એની જાણ થતાં બોરીવલીના MNSના નેતા નયન કદમ તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે સંજય નિરુપમની સામે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ‘સંજય નિરુપમ પરત જા’ના નારા લગાવ્યા હતા. સંજય નિરુપમ જ્યારે રિક્ષા-ડ્રાઇવરોને સંબોધ્યા બાદ તેમની કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર MNSના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. તેમની કારનાં ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી હતી. ત્યાર બાદ મામલો બીચકતાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બાબતે બોરીવલીના MHB પોલીસ-સ્ટેશને  ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે અને MNSના કેટલાક કાર્યકોરોને તાબામાં લઈને તેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.  

સંજય નિરુપમે દહિસરમાં કહ્યું હતું કે ‘અમારી પાર્ટી અને એકનાથ શિંદેનું શરૂઆતથી જ વલણ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રહેતા લોકોએ મરાઠીમાં બોલવું જોઈએ. એ વિશે કોઈને શંકા નથી. મહારાષ્ટ્રમાં મરાઠીનું સન્માન થવું જોઈએ એ વાત સામે કોઈને કશો વાંધો નથી; પણ મરાઠી ભાષાના નામે કોઈને દબાણ કરવું, ગુંડાગીરી કરવી, માર મારવો, બળજબરી કરવી કે ધમકી આપવી એ ખોટું છે અને અમે એની વિરુદ્ધ છીએ.’

સંજય નિરુપમે તેમની જ પાર્ટીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને પત્ર લખીને જાણ કરી હતી કે ‘મરાઠીનો આગ્રહ રાખવામાં આવે એની ના નથી, પણ જો ડ્રાઇવર મરાઠીની ટેસ્ટમાં ફેલ જશે તો પરમિટ કૅન્સલ થઈ જશે એ કહેવું ખોટું છે એથી આ નિર્ણય પર પુનર્વિચાર થવો જોઈએ.’

આ સંદર્ભનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) આજનું નહીં પણ ૨૦૧૯ના વર્ષનું છે એમ જણાવતાં સંજય નિરુપમે કહ્યું હતું કે ‘એ સમયે એવું GR રજૂ કરવામાં આવ્યું હતું કે રિક્ષા-ટૅક્સી-ડ્રાઇવરોએ મરાઠીમાં જ બોલવું જોઈએ એવી માગણી કરવી એ ખોટું નથી, પરંતુ એ માટે આપણે રિક્ષા-ટૅક્સી-ડ્રાઇવરોને થોડો સમય આપવો પડશે, તેમને મરાઠી શીખવાની તક આપવી પડશે.’ 

તમે હડતાળ પાડશો તો અમે પણ રસ્તા પર ઊતરીશું : અવિનાશ જાધવ

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણય પરનો વિવાદ વધુ તીવ્ર બની રહ્યો છે. મુંબઈ, થાણે અને નવી મુંબઈ વિસ્તારોમાં રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના નિર્ણયનો કેટલાંક સંગઠનો વિરોધ કરી રહ્યાં છે અને લગભગ ૧૪ લાખ રિક્ષા-ડ્રાઇવરોએ ૪ મેથી હડતાળ પર જવાની ચેતવણી આપી છે.

આ સામે MNSના થાણે અને પાલઘર જિલ્લાના પ્રેસિડન્ટ અવિનાશ જાધવે આક્રમક વલણ અપનાવ્યું છે અને રિક્ષા-ડ્રાઇવરોને ચેતવણી આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ‘ધમકાવશો નહીં. જો તમે હડતાળ પાડશો તો અમે પણ રસ્તા પર ઊતરીશું. જો તમે મહારાષ્ટ્રમાં રહેવા માગતા હો તો મરાઠી જાણવી જરૂરી છે. જો તમે મરાઠી નથી જાણતા તો લાઇસન્સ રદ કરવું જોઈએ.’ 

મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કરીને મરાઠી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ ગૃહવિભાગને મોકલવામાં આવ્યો

રાજ્યની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પૅસેન્જરો સાથે મરાઠીમાં કમ્યુનિકેટ કરવા મહારાષ્ટ્ર મોટર વ્હીકલ રૂલ્સ ૧૯૮૯ના રૂલ-નંબર ૪, ૭૮ અને ૮૫માં સુધારો કરવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. એ અંતર્ગત ડ્રાઇવરને મરાઠી ભાષાનું વ્યાવહારિક જ્ઞાન (વર્કિંગ નૉલેજ) ફરજિયાત કરવાની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. એથી એ અંગે ડ્રાફ્ટ અને ગવર્નમેન્ટ રેઝોલ્યુશનની પ્રકિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત ફેરફાર મુજબ પબ્લિક ટ્રાન્સપોર્ટનાં વ્હીકલ ચલાવવાની પરવાનગી આપતી વખતે અરજદારના કૅરૅક્ટર અને બૅકગ્રાઉન્ડ સાથે મરાઠી ભાષાનું વ્યાવહારિક જ્ઞાન તપાસવાનો અધિકાર ઑથોરિટીને આપવામાં આવશે. 

mumbai auto rickshaw and taxi dahisar sanjay nirupam maharashtra navnirman sena shiv sena eknath shinde palghar virar