21 July, 2024 07:10 AM IST | Mumbai | Prakash Bambhroliya
ગોવામાં જીવ ગુમાવનારાં પતિ-પત્ની પંકજ અને હર્ષિતા દોશી (ડાબે), ઊંચા મોજામાં સપડાયા બાદ પણ બચી ગયેલાં કલ્પના પારેખ.
આવું કહેવું છે દુર્ઘટનામાં બચી ગયેલાં કલ્પનાબહેનના પતિ સતીશ પારેખનું. લાઇફગાર્ડની મદદથી તેઓ પત્નીને બચાવી શક્યા, પણ ઘાટકોપરનાં પંકજ અને હર્ષિતા દોશી બીજી વખત આવેલી જબરદસ્ત વેવને લીધે તણાઈ ગયાં હતાં
માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલમાં ભણેલાં સાત ગુજરાતી સિનિયર સિટિઝન કપલ ગોવાની ટ્રિપ પર ગયાં હતાં. એમાં માટુંગામાં રહેતા અને રિયલ એસ્ટેટમાં દલાલીનું કામકાજ કરતા ૭૩ વર્ષના પંકજ દોશી અને તેમનાં ૬૯ વર્ષનાં પત્ની હર્ષિતા દોશી ગોવાના કૅન્ડોલિમ ખાતેના સિંક્વેરિમ બીચમાં શુક્રવારે મૉર્નિંગ-વૉક કરી રહ્યાં હતાં ત્યારે હાઈ ટાઇડને લીધે અચાનક ઊછળેલા મોટા મોજામાં તણાઈ ગયાં હતાં અને સમુદ્રમાં ડૂબી જવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે મોડી સાંજે બન્નેના મૃતદેહ મુંબઈ લાવવામાં આવ્યા હતા અને આજે સવારે ૮.૩૦ વાગ્યે અંતિમક્રિયા કરવામાં આવશે, જ્યારે આ કપલ સાથે પાણીમાં તણાઈ ગયા બાદ પણ જેમતેમ બચી જનારાં કલ્પના પારેખ અને તેમના પતિ સતીશભાઈ આજે ગોવાથી મુંબઈ આવવાના છે.
ડૂબતાં-ડૂબતાં બચી ગયેલાં ઘાટકોપરમાં રહેતાં કલ્પના પારેખના પતિ સતીશભાઈએ આ ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સવારે ચા-નાસ્તો કર્યા બાદ સિંક્વેરિમ બીચ પર નવેક વાગ્યે મૉર્નિંગ-વૉક કરવા ગયાં હતાં. પંકજ, તેની પત્ની હર્ષિતા અને મારી પત્ની કલ્પના ઘૂંટણ સુધીના પાણીમાં હતાં અને અમે થોડે દૂર ચાલી રહ્યાં હતાં. એવામાં એક જોરદાર મોજું સમુદ્રમાં ઊછળ્યું હતું જેમાં ત્રણેય જણ આવી ગયાં હતાં. ઊછળેલું મોજું પાછું નીચે આવ્યું હતું ત્યારે એની સાથે સમુદ્રની રેતી પણ ખસકી ગઈ હતી એટલે ત્રણેય પાણીમાં પડી ગયાં હતાં. તેઓ ઊભાં થાય એ પહેલાં જ બીજું મોટું મોજું આવ્યું હતું જેમાં પંકજ અને હર્ષિતા સમુદ્રમાં તણાઈ ગયાં હતાં. જો બીજી વેવ ન આવી હોત તો પંકજ અને હર્ષિતા પણ બચી ગયાં હોત.’
કલ્પના પારેખ કેવી રીતે બચ્યાં?
પંકજ અને હર્ષિતા દોશી સમુદ્રમાં ગરક થઈ ગયાં હતાં, પરંતુ પત્ની કલ્પના કેવી રીતે બહાર આવી એ વિશે સતીશ પારેખે કહ્યું હતું કે ‘મોટું મોજું ઊછળ્યા બાદ કલ્પના પણ પાણીમાં પડી ગઈ હતી. જોકે તે સમુદ્રના કિનારા તરફ હતી એટલે બચવા માટે બૂમો પાડવા લાગી હતી. આથી એ સમયે બીચ પર હાજર એક લાઇફગાર્ડ દોડી આવ્યો હતો અને તેણે પાણીમાં ઝંપલાવીને કલ્પનાને પકડી લીધી હતી. એ દરમ્યાન હું પણ તેના સુધી પહોંચી ગયો હતો એટલે અમે બન્નેએ કલ્પનાને પાણીની બહાર કાઢી હતી. તેના પેટમાં થોડું પાણી ગયું હતું એટલે સ્થાનિક પોલીસ અને પ્રશાસને તેને કૅન્ડોલિમ પ્રાઇમરી હેલ્થ-સેન્ટરમાં ઍડ્મિટ કરી હતી. તબિયતમાં સુધારો આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.’
પંકજ દોશીનો પોણા કલાકે પત્તો લાગ્યો
સમુદ્રમાં ડૂબી ગયેલાં હર્ષિતા દોશીને લાઇફગાર્ડ્સે પાંચેક મિનિટ પછી બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેઓ બચી નહોતાં શક્યાં. જોકે તેમના પતિ પંકજ દોશીને શોધવામાં સમય લાગ્યો હતો. આ વિશે સતીશ પારેખે કહ્યું હતું કે ‘સમુદ્રમાં એક પછી એક મોટાં મોજાં ઊછળતાં હતાં એટલે પંકજ ક્યાં છે એ સમજાતું નહોતું. લાઇફગાર્ડની સાથે ટૂરિસ્ટ-પોલીસ યુનિટની ટીમ દૂર સુધી પહોંચી હતી તો પણ પંકજ ક્યાંય દેખાતો નહોતો. લગભગ પોણો કલાક બાદ દૂર સમુદ્રમાં કોઈ હોવાનું દેખાયા પછી પોલીસની ટીમે ત્યાં જઈને તપાસતાં તે પંકજ હોવાનું જણાયું હતું. આથી પોલીસની ટીમ પંકજને સમુદ્રની બહાર લઈ આવી હતી. જોકે આટલા સમયમાં પંકજનું મૃત્યુ થઈ ગયું હતું. સમુદ્રકિનારે લાવીને તેના પેટમાંથી પાણી કાઢીને તેના હૃદયને શરૂ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.’
હાઈ ટાઇડથી અજાણ
ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સમુદ્રમાં ઊંચાં મોજાં ઊછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સિંક્વેરિમ બીચ પર લોકોને ન જવાની અલર્ટ જાહેર કરવામાં આવી હતી. જોકે મુંબઈનાં સાત કપલ આ વાતથી અજાણ હતાં અને સવારે તેઓ બીચ પર ગયાં હતાં અને એમાંથી એક કપલે જીવ ગુમાવ્યો હતો.
૧૯૭૧ બૅચના સ્ટુડન્ટ્સ
ગોવામાં ફરવા જનારાં મુંબઈનાં સાત સિનિયર સિટિઝન કપલમાંથી એક પાર્ટનરે માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલમાં ૧૯૭૧માં SSC કર્યું હતું. સ્કૂલ છોડ્યા બાદ પણ આ કપલે પારિવારિક સંબંધ રાખ્યા છે અને તેઓ દર વર્ષે બેથી ત્રણ વખત પિકનિક કે બહારગામ ફરવા જાય છે. આ વખતે તેમણે ગોવાનો પ્લાન કર્યો હતો. તેઓ ગુરુવારે ગોવા પહોંચ્યાં હતાં અને બીજા દિવસે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રુપમાં સામેલ ઘાટકોપરમાં રહેતા સતીશ પારેખ પત્ની કલ્પના સાથે પહેલી વખત બહારગામની ટૂરમાં ગયા હતા.
મૃતદેહ પુત્રોને સોંપવામાં આવ્યા
સિંક્વેરિમ બીચ ગોવા નૉર્થ પોલીસના કળંગુટ પોલીસ-સ્ટેશનની હદમાં આવે છે. અહીંના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પરેશ નાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમુદ્રમાં ડૂબી જવાથી મૃત્યુ પામનારાં પંકજ અને હર્ષિતા દોશીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ કરાયા બાદ બપોરે બે વાગ્યે મુંબઈથી આવેલા તેમના પુત્ર વ્યોમ અને સાગરને સોંપવામાં આવ્યા હતા.’
આજે અંતિમક્રિયા
પંકજ અને હર્ષિતા દોશીના મૃતદેહને ગોવાથી મુંબઈ ફ્લાઇટમાં લાવવામાં આવ્યા હતા. જોકે મુંબઈ પહોંચવામાં મોડું થયું હતું એટલે આજે સવારે ૮.૩૦ વાગ્યે તેમની અંતિમક્રિયા રાખવામાં આવી હોવાનું તેમના નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું.