midday

"અમે સટાયર સમજીએ છીએ, પણ..." કુણાલ કામરા વિવાદ પર એકનાથ શિંદેએ તોડ્યું મૌન

26 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kunal Kamra Controversy: મહારાષ્ટ્રના નાયબ સીએમ એકનાથ શિંદે પર કૉમેડિયન કુણાલ કામરાએ જોક માર્યા પછી તેનો ખૂબ મોટો વિવાદ બની ગયો છે. શિંદે સમર્થકોએ ભારે વિરોધ કર્યા બાદ હૅબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ પણ કરી, શિંદેએ પોતાનું મૌન તોડી નિવેદન આપ્યું છે.
 એકનાથ શિંદે અને કુણાલ કામરા (ફાઇલ તસવીર)

એકનાથ શિંદે અને કુણાલ કામરા (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કૉમેડિયન કુણાલ કામરાએ જોક માર્યા પછી તેનો ખૂબ મોટો વિવાદ બની ગયો છે. કામરાના સ્ટેન્ડ-અપ કૉમેડી શો દરમિયાન હિન્દી ગીત "ભોલી સી સુરત"ના બોલ બદલીને શિંદેના રાજકીય કરિઅર પર કટાક્ષ કર્યો હતો. શિંદે સમર્થકોએ ભારે વિરોધ કર્યા બાદ હૅબિટેટ સ્ટુડિયોમાં તોડફોડ પણ કરી. હવે શિંદેએ પોતાનું નિવેદન આપ્યું છે.

"અમે સટાયર સમજીએ છીએ, પણ..." – એકનાથ શિંદે
મંગળવારે પત્રકારોને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે સટાયર સમજીએ છીએ, પણ એની એક મર્યાદા હોવી જોઈએ."  શિંદેના સમર્થકોનું માનવું છે કે કામરાએ આ જોક દ્વારા સીમા ઓળંગી છે. આ પછી શિંદે સમર્થકોએ હૅબિટેટ સ્ટુડિયો ખાતે ભારે વિરોધ દર્શાવ્યો, તોડફોડ કરી અને કામરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી.

કામરાનું નિવેદન: "હું માફી નહીં માગું"
કામરાએ આ વિવાદ પર કડક પ્રતિસાદ આપ્યો. "હું માફી માગીશ નહીં. જે હું કહું છું, એ તો અજિત પવાર પણ એકનાથ શિંદે માટે કહી ચૂક્યા છે. મને આ ભીડથી કોઈ ડર નથી, હું મારી વાત પર ટકી રહીશ." આવું તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શૅર કર્યું હતું. તેણે હૅબિટેટ પર થયેલી તોડફોડની નિંદા કરતાં કહ્યું, "મંચ માત્ર એક પ્લેટફોર્મ છે, જ્યાં વિવિધ પ્રકારના શો યોજાય છે. તે મારી કૉમેડી માટે જવાબદાર નથી. કોઈ કૉમેડિયનના શબ્દોથી નારાજ થઈને મંચ પર હુમલો કરવો એટલું જ મૂર્ખામીભર્યું છે, જેટલું કે તમને બટર ચિકનનો સ્વાદ ન ગમતો હોય અને તમે ટમેટાં ભરેલી લારી ઊંધી વાળી નાખો!"

પોલીસે પાઠવ્યા સમન્સ, કામરાને હાજર રહેવાનો આપ્યો આદેશ
વિવાદ વધી જતાં ખાર પોલીસે કામરાને સમન્સ મોકલ્યા છે. હાલ, તે મહારાષ્ટ્રની બહાર છે, એટલે સમન વ્હોટ્સએપ પર પણ મોકલવામાં આવ્યાં છે. આજે સવારે 11 વાગ્યે તેને પોલીસ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે. આ સિવાય, પોલીસ તેના નિવાસસ્થાને પહોંચી અને તેના માતા-પિતાને પણ સમનની કૉપી સોંપી.

હૅબિટેટ પર થયેલી તોડફોડને લઈને કામરાની ટીકા
કામરાએ પોતાના નિવેદનમાં રાજકીય નેતાઓને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. તેણે જણાવ્યું કે, "આજની મીડિયાને ભલે એવું લાગે કે મૌલિક અધિકારો માત્ર સત્તાશાહી અને અમીરોની પ્રશંસા કરવા માટે છે, પરંતુ વાસ્તવમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આપણા નેતાઓ અને રાજકીય પ્રણાલી પર ટિપ્પણી કરવા માટે પણ છે." તેણે પોતાના ટ્રોલર્સ માટે પણ કટાક્ષ કર્યો અને જણાવ્યું કે "મારા નંબર લીક કરીને કે સતત ફોન કરીને તમે કશું જ હાંસલ કરી શકશો નહીં. બધા અજાણ્યા નંબર સીધા વોઈસમેલમાં જાય છે અને ત્યાં તમે એ જ ગીત સાંભળશો, જેને તમે સૌથી વધુ નફરત કરો છો!" તેણે કહ્યું કે કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિ પર મજાક કરવી કોઈ ગેરકાયદેસર બાબત નથી. "મારા જોક્સથી કોઈ રાજકીય નેતા નારાજ થાય છે, તો તે મારા અધિકારને બદલી શકશે નહીં." તેણે વધુમાં કહ્યું કે, "જો મારી વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તો હું કાયદાનું પાલન કરવા તૈયાર છું. પણ શું કાયદોભંગ કરીને હૅબિટેટ પર હુમલો કરનારાઓ સામે પણ કાર્યવાહી થશે?" કામરાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કેટલાક બિન-ચૂંટાયેલા સભ્યોએ કોઈ પણ નોટિસ આપ્યા વિના હૅબિટેટ પર તોડફોડ કરી. "જો આ રીતે નોટિસ વિના તોડ-ફોડ જ કરવી હતી, તો હું આગળના શો માટે મુંબઈના એ સ્થળ પસંદ કરીશ, જ્યાં તાત્કાલિક તોડકામની જરૂર હોય, જેમ કે એલ્ફિન્સ્ટન બ્રિજ!" એમ તેણે તિરસ્કાર સાથે કહ્યું. 

મીડિયા માટે સંદેશ 
કામરાએ મીડિયાની ભૂમિકા પર પણ ટીકા કરતાં કહ્યું કે "ભારતમાં પ્રેસ ફ્રીડમ વિશ્વમાં 159મા ક્રમે છે. પત્રકારોએ આ હકીકત ક્યારેય ભૂલવી નહીં."

"આ નવું ભારત છે, નેતાઓએ પણ હકીકત સ્વીકારવી પડશે"
તેણે ઉમેર્યું કે "હું કોઈની ભાવનાઓને ખુશ કરવા માટે વાત કરતો નથી. મારા જોક્સ મારા જોક્સ રહેશે. જો આ `નયા ભારત` છે, તો લોકોએ પણ આ બદલાવ સાથે જીવવાની તૈયારી રાખવી પડશે!"

kunal kamra eknath shinde ajit pawar social media instagram political news indian politics dirty politics mumbai news maharashtra news news shiv sena mumbai entertainment news