04 August, 2024 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કીર્તિદાન ગઢવી
સાયનના ષણ્મુખાનંદ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઑડિટોરિયમમાં ૧૧ ઑગસ્ટે યોજાનારા ‘મિડ-ડે’ કૃષ્ણ ઉત્સવના કૃષ્ણ ડાયરોની ચર્ચા આખા શહેરમાં છે. કીર્તિદાન ગઢવી દ્વારા પહેલી વાર આ પ્રકારના એક કન્સેપ્ટ પર આધારિત કાર્યક્રમ રજૂ થવાનો છે જેમાં લોકોને કૃષ્ણનાં ગીતો અને ભજનો સાંભળવા અને માણવા મળશે.
કૃષ્ણ ડાયરો નામ સાંભળીને જ જુદું લાગે. ડાયરો તો બધાને ખબર હોય, પણ આ કૃષ્ણ ડાયરો શું છે એ વિશે વાત કરતાં કીર્તિદાનભાઈ કહે છે, ‘આપણે ત્યાં માનીએ કે ૩૩ કરોડ દેવતા છે, પરંતુ આ બધામાં અત્ર-તત્ર-સર્વત્ર જે ગવાયા છે એ છે શ્રીકૃષ્ણ. મારો કાનુડો દેશના દરેક ખૂણે જ નહીં, દુનિયાના દરેક ખૂણે ગવાયો છે. ભજનો, ગીતો કૃષ્ણનાં જેટલાં છે એટલાં કોઈ બીજા દેવતાનાં નથી તો એક ડાયરો તેમના નામે કરીએ એ વિચાર સાથે જ સર્જાયો છે કૃષ્ણ ડાયરો.’
હવે ખૂબ થોડા દિવસ જ બાકી છે ત્યારે કેવી તૈયારી ચાલે છે આ કૃષ્ણ ડાયરાની? કીર્તિદાનભાઈ કહે છે, ‘મેં આટઆટલા કાર્યક્રમો કર્યા, પરંતુ આ પ્રકારે એક થીમ અને કન્સેપ્ટ લઈને કાર્યક્રમ પહેલી વાર કરી રહ્યો છું જેમાં ફક્ત ગીતો અને ભજનો જ નહીં હોય. અમારો પ્રયત્ન એવો છે કે કૃષ્ણના જન્મથી લઈને તેમના સમગ્ર જીવનકાળના પ્રસંગોને પણ એમાં વણી લેવામાં આવે. અમારી તો પૂરેપૂરી તૈયારી છે કે મુંબઈગરાઓને નખશિખ કૃષ્ણમય કરીએ.’
કીર્તિદાન ગઢવી હાલમાં વિશ્વભ્રમણ પર છે એમ કહીએ તો કઈ ખોટું નથી. હાલમાં તેઓ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા જઈ આવ્યા અને મુંબઈનો કૃષ્ણ ડાયરો કરીને તેઓ વિશ્વભરમાં પ્રી-નવરાત્રિના પ્રોગ્રામ માટે કૅનેડા, અમેરિકા, લંડન, દુબઈ જેવા દેશોમાં જવાના છે. જોકે મુંબઈના કાર્યક્રમ માટે અતિ ખાસ ટૂરની વાત કરતાં કીર્તિદાનભાઈ કહે છે, ‘હું મુંબઈમાં પહેલી વાર કૃષ્ણ ડાયરો કરવાનો છું એ માટે કૃષ્ણના આશીર્વાદ લેવા વૃંદાવન જઈ રહ્યો છું. વૃંદાવનની માટી લઈને હું સીધો મુંબઈ આવીશ અને પછી આપણે કૃષ્ણ ડાયરો જમાવીશું. મુંબઈવાસીઓને મારું હૃદયથી આમંત્રણ છે. આવો મળીને કૃષ્ણને ભજીએ અને તેના મય થવાનો પ્રયત્ન કરીએ.’