07 March, 2026 01:03 PM IST | Mumbai | Varsha Chitaliya
અરુણા દોશી સંથારો ગ્રહણ કર્યા પછી દીક્ષા લઈને શ્રી આરાધ્યા મહાસતીજી બન્યાં હતાં અને પાંચમી માર્ચે તેમનો સંથારો સીઝી ગયો હતો.
કાંદિવલીનાં ૬૫ વર્ષનાં અરુણા દોશીએ નાદુરસ્ત તબિયતના કારણે પરિવારના સભ્યોની સંમતિ અને મહાસતીજીની આજ્ઞાથી સંથારો લઈને મોક્ષમાર્ગે પ્રયાણ કર્યું હતું. સંથારો લીધા પછી તેમણે દીક્ષા લેવાની ઇચ્છા પૂરી કરી હતી અને ૧૨ કલાકમાં જ તેમનો સંથારો સીઝી ગયો હતો.
ચોથી અને પાંચમી માર્ચે બનેલી ક્રિયા સંદર્ભે જણાવતાં અરુણાબહેનના પુત્ર નિખિલ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીની તબિયત થોડા સમયથી ખરાબ રહેતી હતી. તેમને લિવરની સમસ્યા હતી. તબીબી નિદાન બાદ ડૉક્ટરોનું કહેવું હતું કે દવાની અસર રહેશે ત્યાં સુધી વાંધો નહીં આવે, પણ પછી ફરી હૉસ્પિટલમાં લાવવાં પડશે, તેમનું લિવર ડૅમેજ છે એટલે આવું જ ચાલ્યા કરશે. દોઢેક મહિનાથી મમ્મીનું લિવર એકદમ જવાબ આપી ગયું હતું. લિવરની સમસ્યાને કારણે ઊલટીઓ થતી હતી અને બ્લડ-પ્રેશર પણ આવ્યું હતું. દસેક દિવસથી પાચનતંત્ર બગડી ગયું હતું. હાલમાં શેષકાળ ચાલે છે. આયંબિલની ઓળી ચાલુ થવાની હતી. અશોકનગરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કાંદિવલી-ઈસ્ટના ઉપાશ્રયમાં મહાસતીજી ૨૦ દિવસ વહેલાં આવી ગયાં હતાં. મમ્મીને ધર્મના માર્ગે લઈ જવાનો આ સંકેત હતો.’
મૂળ મેંદરડાનાં દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન અરુણાબહેનની નાદુરસ્ત તબિયતને જોઈને મહાસતીજી દરરોજ તેમને મળવા આવતાં. મહાસતીજીએ અરુણાબહેનના પતિ દિલીપભાઈ, પુત્ર નિખિલ, પુત્રવધૂ પરિતા અને પુત્રી પાયલ કામદારને સંથારો લેવા બાબત સમજાવ્યું. પરિવારના સદસ્યો દ્વારા સંથારા માટે સહિયારો નિર્ણય લેવાયો. નિખિલભાઈએ જણાવ્યું હતું કે ‘ચૌદશ અને ગ્રહણની રાત ભારે ગઈ. મમ્મી ઘડીકમાં ભાનમાં હોય અને ઘડીકમાં તબિયત એકદમ બગડી જાય. મમ્મીને પહેલેથી ધર્મમાં ઊંડી શ્રદ્ધા હતી. માંગલિક અને ધર્મ સાંભળતાં. તેમના મોક્ષાર્થે સંથારા માટે સૌએ સંમતિ દર્શાવી. મમ્મીએ પણ પૂરી સભાનાવસ્થામાં હા પાડી. સંસારની અસારતા અને શરીરની નશ્વરતાને સમજીને ચોથી માર્ચે સવારે ૯.૧૫ વાગ્યે આજીવન અનશન વ્રત ગ્રહણ કર્યું. ઉપાશ્રયમાં સંઘને આ વાતની જાણકારી મળતાં લોકો દર્શન કરવા આવવા લાગ્યા. મમ્મીને દીક્ષા લેવાની ઇચ્છા પણ હતી. સંથારાની સાથે દીક્ષા લેવી અતિ ઉત્તમ કહેવાય. પછી તો દીક્ષાની તૈયારી શરૂ થઈ. સંઘના પ્રમુખ તુષાર શાહ અને કમિટી-મેમ્બરો ઘરે આવ્યા. સાંજે ૬.૦૩ વાગ્યે સંયમ ગ્રહણ કરીને બોટાદ સંપ્રદાયનાં પૂ. રાજુલાબાઈ મ.સ., પૂ. ચાંદનીબાઈ મ.સ., પૂ. સુરુચિબાઈ મ.સ., પૂ. ભવ્યાંશીબાઈ મ.સ.નાં ગુરુકુળનાં સાથી બન્યાં. દીક્ષા પછી શ્રી આરાધ્યાજી મહાસતીજી બનેલાં મમ્મીએ સમાધિભાવે મૃત્યુને મહોત્સવ બનાવ્યો. રાત્રે પ્રતિક્રમણ બાદ ૯.૧૬ વાગ્યે તેમનો સંથારો સીઝી ગયો. ૧૨ કલાકમાં આવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે.’
બીજા દિવસે પાંચમી માર્ચે અશોકનગર ઉપાશ્રયથી કાંદિવલી-વેસ્ટની દહાણુકરવાડી સ્મશાનભૂમિ સુધી અરુણાબહેનની પાલખી નીકળી હતી. સવારે ૧૧.૧૧ વાગ્યે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તેમના પરિવારમાં પતિ, પુત્ર, પુત્રવધૂ, દીકરી-જમાઈ ઉપરાંત પૌત્રી જીઆના અને લબ્ધિ તેમ જ દોહિત્રી ધારા છે.