જાણીતા સાહિત્યકાર અને કવિ ડૉ. યશવંત​ ત્રિ​વેદીનું અવસાન

04 May, 2024 11:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉ. યશવંત ​ત્રિવેદીનું ગઈ કાલે બપોરે ટૂંકી માંદગી બાદ ​૮૯ વર્ષની વયે નિધન થયું હતું. 

ડૉ. યશવંત ​ત્રિવેદી

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ તથા ફિલોસૉફી અને ધર્મ જેવા વિષયો પર ૧૫૦ જેટલાં પુસ્તકો લખનાર ડૉ. યશવંત ​ત્રિવેદીનું ગઈ કાલે બપોરે ટૂંકી માંદગી બાદ ​૮૯ વર્ષની વયે નિધન થયું હતું. 
વિલે પાર્લે-વેસ્ટમાં રહેતા ડૉ. યશવંત ​ત્રિવેદીના નિધનની વિગતો આપતાં તેમનાં પત્ની જ્યોત્સ્નાબહેને કહ્યું કે ‘તેમને એક વર્ષ પહેલાં બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો. એ પછી તેમની સારવાર કરાવતાં તેઓ સાજા થઈ ગયા હતા અને ઘરમાં હરતાફરતા હતા. ગુરુવારે રાતે તેમણે માથું દુખતું હોવાની ફરિયાદ કરી હતી અને તાવ પણ આવ્યો હતો. ગઈ કાલે સવારે ૮ વાગ્યે તેમને વધુ અસ્વસ્થ લાગતાં ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. તેમણે તેમને હૉસ્પિટલમાં ઍડ‍્મિટ કરવાની સલાહ આપી હતી. એ પછી તેમને ​હિન્દુજા હૉસ્પિટલ લઈ જવાયા હતા. ડૉક્ટરોએ જણાવ્યા મુજબ તેમને કફ થઈ જતાં ન્યુમોનિયા થયો હતો અને એમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું હતું. ગઈ કાલે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમારે એક દીકરો અને એક દીકરી છે, પણ બન્ને વિદેશ હોવાથી તેમની અંતિમક્રિયા દરમ્યાન મેં મુખાગ્નિ આપ્યો હતો. તેમની ઇચ્છા હતી કે તેમના મૃત્યુ બાદ કોઈ લૌકિક રિવાજ ન રાખવા એટલે અમે લૌકિક રિવાજ બંધ રાખ્યા છે.’ 

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai vile parle