મૉરિસ પર્ફેક્ટ નહોતો, જોકે વિલન પણ નહોતો

12 February, 2024 07:00 AM IST  |  Mumbai | Samiullah Khan

એમ કહેતાં અભિષેક ઘોસાળકરની હત્યા કરનાર મૉ​રિસ નોરોન્હાની વિખૂટી પડી ગયેલી પત્ની ઉમેરે છે, મૉ​રિસ પર્ફેક્ટ વ્યક્તિ ભલે નહોતો, પરંતુ સોશ્યલ મીડિયાએ રજૂ કર્યો એવો વિલન પણ નહોતો: તેને લોકલ કબ્રસ્તાનમાં દફનાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાના દાવાને ફગાવ્યો

મહાલક્ષ્મીના કબ્રસ્તાનમાં મૉ​રિસ નોરોન્હાની શુક્રવારે દફનવિધિ કરાઈ હતી

શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની ગોળી મારીને હત્યા કરીને આત્મહત્યા કરી લેનાર આરોપી મૉરિસ નોરોન્હાની પત્ની સરીનાએ કહ્યું હતું કે ‘મૉ​રિસ પરફેક્ટ વ્યક્તિ નહોતો, પરંતુ તે સોશ્યલ મીડિયાએ રજૂ કર્યો એવો વિલન પણ નહોતો. મારી દીકરીએ તેના પિતા ગુમાવ્યાનું જેટલું દુઃખ છે એટલું જ દુઃખ મને અભિષેક ઘોસાળકરનાં બાળકો માટે છે. જે કંઈ બન્યું એની જવાબદારી મૉ​રિસના હરીફોની છે. મૉ​રિસ સામેના ફોજદારી કેસ રાજકીય રીતે પ્રેરિત હતા. બળાત્કારનો કેસ તેના દુશ્મનોએ કાવતરાના ભાગરૂપે રચ્યો હતો. આ સિવાય મૉ​રિસનો કોઈ ગુનાહિત રેકૉર્ડ નહોતો.’

સરીનાના કહેવા પ્રમાણે જેલમાંથી છૂટ્યા બાદ મૉ​રિસ પર દબાણ હતું. તેણે કહ્યું હતું કે ‘મૉ​રિસને ઇવેન્ટ્સનું આયોજન કરવાથી અટકાવવામાં આવ્યો હતો. તેના દુશ્મનોએ યુએસ એમ્બેસીને પત્ર લખીને તેના પર ગુનેગારનું લેબલ ચીપકાવ્યું હતું. પરિણામે મૉ​રિસને દૂતાવાસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને જામીન પર છૂટ્યા પછી તરત જ તેનો કેસ ક્લિયર કર્યા વિના યુએસ જવાની પરવાનગી નકારી હતી. લોકોએ તેને રોજીરોટી કમાવાથી પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો.’

સરીનાએ જણાવ્યું હતું કે ‘મૉ​રિસના હરીફોએ તેને પૈસાથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે તેના સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે તેની સામે બળાત્કારનો કેસ પાછો ખેંચવાની અને તેને મ્યુનિસિપલ કૉર્પોરેટરની ચૂંટણી લડવાની મંજૂરી આપવાની ઑફર આવી ત્યારે મારા પતિએ ભૂતકાળની ફરિયાદોને બાજુએ મૂકીને આ ઑફર સ્વીકારી. આ પરસ્પર સમજૂતી પર તેના દુશ્મનોએ મહિલાને તેના આરોપો પાછા ખેંચવા માટે સમજાવી હતી.’

ગુરુવારની ઘટના વિશે સરીનાએ જણાવ્યું હતું કે ‘અભિષેકની ગોળી મારવામાં આવી એ સમાચાર મળ્યા ત્યારે હું ઑફિસમાં હતી. શરૂઆતમાં મેં પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ જ્યારે એક મિત્રે ફોન કર્યો અને કહ્યું કે મૉ​રિસ સામેલ છે ત્યારે હું તેના પર વિશ્વાસ નહોતી કરી શકી. બાદમાં ત્રીજા કૉલરે આ વાતની પુષ્ટિ કરી હતી. મારી દીકરી એકલી હોવાથી મેં તરત જ તેને મારી માતાના ઘરે મોકલી દીધી હતી. મારી દીકરીને આ ઘટના વિશે તેના મોબાઇલ ફોન પર વાઇરલ થયેલા ​વિડિયો દ્વારા જોઈ. જ્યારે તે પોતાના પિતાને ગુનેગાર તરીકે વર્ણવતી સોશ્યલ મીડિયા પોસ્ટ્સ જુએ છે  ત્યારે ખૂબ જ દુઃખી થાય છે. તે જાણે છે કે તેના પિતા મીડિયા અને સોશ્યલ પ્લૅટફૉર્મ પર દર્શાવવામાં આવે છે એવી વ્યક્તિ નહોતા. આનાથી તેના પર ખૂબ અસર થઈ છે. તે કંઈ ખાઈ નથી રહી.’
સરીનાએ જણાવ્યું હતું કે ‘મૉ​રિસે તેનું બાળપણ ધોબીતળાવમાં વિતાવ્યું હતું. તેમનાં માતા-પિતા, ભાઈ તથા અન્ય નજીકના સંબંધીઓ સહિત તેમના પરિવારના સભ્યોને મહાલક્ષ્મી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. તેથી તેને ત્યાં દફનાવવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું હતું. પૂજારીએ માત્ર આ નિર્ણયને સમર્થન આપ્યું નહોતું, પણ અંતિમ સંસ્કાર કરવા માટે વ્યક્તિગત રીતે કબ્રસ્તાનમાં પણ આવ્યા હતા.’ 

abhishek ghosalkar borivali facebook Crime News mumbai crime news mumbai police mumbai mumbai news samiullah khan