ચાતુર્માસ પ્રવેશમાં જ્યારે એક આરબ ખાસ જોડાય છે...

01 July, 2023 09:40 AM IST  |  Mumbai | Rohit Parikh

અમદાવાદમાં જૈનાચાર્યના ચાતુર્માસ-પ્રવેશમાં બુ અબદુલ્લા ગ્રુપ ઑફ કંપનીઝના ડૉ. બુ અબદુલ્લા ખાસ દુબઈથી આવીને જોડાયા : તેઓ સાત-આઠ મહિના પહેલાં મુંબઈના એક પ્રસંગમાં જૈન મુનિ ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબના મુખેથી જૈનીઝમની વાત સાંભળીને પ્રભાવિત થયા હતા

ગુરુવારે જૈનાચાર્ય કીર્તિપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબને કામળી વહોરાવીને આશીર્વાદ લઈ રહેલા દુબઈના ઉદ્યોગપતિ ડૉ. બુ અબદુલ્લા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ગુરુવારે સત્યપુર તીર્થોદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય શ્રી કનકપ્રભસૂરી મહારાજાના પટ્ટધર અધ્યાત્મયોગી, સરળસ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા આદિ આઠ ઠાણાના ચાતુર્માસ-પ્રવેશમાં ફક્ત સાતથી આઠ મહિના પહેલાં મુંબઈમાં સત્સંગમાં આવેલા દુબઈની બુ અબદુલ્લા ગ્રુપ ઑફ કંપનીઝ જેમાં ૨૭૦ કંપનીઓ સંકળાયેલી છે, એના સ્થાપક અને ચૅરમૅન ડૉ. બુ અબદુલ્લાએ હાજરી આપીને અમદાવાદના જૈન સંઘોમાં અચરજ પેદા કર્યું હતું અને સંઘમાં ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. જૈનાચાર્યે કહ્યું હતું કે એક મુસલમાન ઉદ્યોગપતિએ દુબઈથી સ્પેશ્યલ અમારા આમંત્રણથી ચાતુર્માસ-પ્રવેશ પ્રસંગે હાજર રહીને જિનશાસનની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આ પ્રસંગે ડૉ. બુ અબદુલ્લાએ જૈન સાધુઓને કહ્યું હતું કે જિનશાસનના કામ માટે જ્યારે પણ જરૂર હોય ત્યારે મને યાદ કરજો.

કોણ છે ડૉ. બુ અબદુલ્લા?
ડૉ. બુ અબદુલ્લા બુ અબદુલ્લા ગ્રુપ ઑફ કંપનીઝના સ્થાપક અને ચૅરમૅન છે તેમણે ૨૦૦૫માં આ કંપની શરૂ કરી હતી. આ જૂથમાં વિશ્વભરની ૨૭૦થી વધુ કંપનીઓનો સમાવેશ થાય છે જે રિયલ એસ્ટેટ, લીગલ ફર્મ અને બિઝનેસ કન્સલ્ટન્સીમાં કામ કરે છે. માત્ર વ્યવસાયમાં જ નહીં, ઉદ્યોગ સાહસિક કાયદામાં પણ ૪૨ વર્ષના ડૉ. બુ અબદુલ્લા નિપુણતા ધરાવે છે. તેમની કંપની તમામ કદની કંપનીઓને વ્યવસાય અને કાયદાના ઉકેલો માટે સહાયરૂપ બને છે. તેમને અત્યાર સુધીમાં   વિશ્વના અલગ-અલગ દેશોમાંથી ૬૩થી વધુ અવૉર્ડ પ્રાપ્ત થયા છે.

કેવી રીતે સંપર્કમાં આવ્યા?
દુબઈના સાહસિક ઉદ્યોગપતિ ડૉ. બુ અબદુલ્લા આચાર્ય શ્રી કીર્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબ સાથે મુંબઈના રાજભવનમાં એક પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. અગાઉ ડૉ. બુ અબદુલ્લા અનેક કમ્યુનિટીના ધર્મગુરુઓ સાથે પરિચયમાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વાર મુંબઈમાં તેઓ એક જૈન ગુરુ મુનિ શ્રી ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબના પરિચયમાં આવ્યા હતા. ત્યારથી તેઓ ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબ અને તેમના ગુરુના આત્મીય ભક્ત બની ગયા હતા. આઠ મહિનાના ટૂંકા સમયના પરિચયમાં દુબઈના એક મુસલમાન ઉદ્યોગપતિ જૈન સાધુની સાથે આટલી બધી નિકટતા અને આત્મીયતા કેળવે એ જૈન સાધુઓ સહિત જૈન સંઘો માટે આશ્ચર્ય અને ખુશાલીની વાત હતી.

આ બાબતની માહિતી આપતાં ઍસ્ટ્રોલૉજીમાં પીએચ.ડી. કરનાર મુનિ શ્રી ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયું ચાતુર્માસ અમારું સાઉથ મુંબઈના સી. પી. ટૅન્કના ઠાકુરદ્વાર જૈન સંઘમાં હતું. ત્યારે રાજભવનમાં ગર્વનર અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેની હાજરીમાં જૈનોનો એક પ્રસંગ હતો. એમાં મારી સાથે પહેલી જ મુલાકાતમાં ડૉ. બુ અબદુલ્લા મારી નિકટ આવી ગયા હતા. એ સમયે તેમની સાથે જૈનીઝમ વિશે ઘણીબધી વાતો થઈ હતી. તેઓ જૈનીઝમની વાતો સાંભળીને પ્રભાવિત અને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ત્યારે જ તેમણે મને કહેલું કે અમદાવાદના તમારા ચાતુર્માસ-પ્રવેશમાં હું ચોક્કસ આવીશ. ત્યાર પછી અમે બંને સમય મળે ત્યારે ક્યારેક-ક્યારેક એકબીજા સાથે વાતચીત કરતા હતા. આથી અમે અમદાવાદના શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ગુરુવારના અમારા ચાતુર્માસ-પ્રવેશ સમયે હાજર રહેવા માટે ડૉ. બુ અબદુલ્લાને આમંત્રણ આપ્યું હતું. તેમણે અમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. એક પળમાં જ અમારી પાસે સમય અને સરનામું મગાવીને ડૉ. બુ અબદુલ્લાએ અમારા ચાતુર્માસ-પ્રવેશમાં હાજરી આપી હતી.’

ગુરુમહારાજના આશીર્વાદ જ મારી સુરક્ષા
દુબઈની ૨૭૦ કંપનીઓના માલિક ડૉ. બુ અબદુલ્લા મહારાજસાહેબ સાથે ઉપાશ્રયમાં હાજર થયા ત્યારે કોઈ માની ન શકે એવી રીતે કોઈ પણ જાતની સુરક્ષા વગર એકદમ સાદગી સાથે મહારાજસાહેબનાં ચરણોમાં બેસી ગયા હતા. આ જાણકારી આપતાં શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શૈલેષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનાચાર્યના પ્રવેશમાં દુબઈના ઉદ્યોગપતિ ડૉ. બુ અબદુલ્લાની સાથે કેન્દ્રીય વ્યાપાર બોર્ડના અધ્યક્ષ સુનીલ સિંધી, કર્ણાવતી મહાનગરના રાષ્ટ્રીય સેવક સંઘના સંચાલક મહેશ પરીખ જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમને જ્યારે ખબર પડી કે દુબઈના ઉદ્યોગપતિ ડૉ. બુ અબદુલ્લા પણ ચાતુર્માસ-પ્રવેશ પ્રસંગે હાજર રહેવાના છે ત્યારે બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ડૉ. બુ અબદુલ્લા માટે જે કોઈ સુરક્ષા-વ્યવસ્થા જરૂર પડશે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે. જોકે ડૉ. બુ અબદુલ્લાએ સુરક્ષા આપવા બાબતમાં સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે મારા પર ગુરુમહારાજના આશીર્વાદ છે એ જ મારી સવોત્તમ સુરક્ષા છે, એનાથી વધારે મારે કોઈ જ સુરક્ષાની જરૂર નથી.’

ડાઉન ટુ અર્થ ઉદ્યોગપતિ
તેમના જેવા ડાઉન ટુ અર્થ ઉદ્યોગપતિ બહુ જૂજ જોવા મળે છે એમ જણાવતાં શૈલેષ શાહે કહ્યું હતું કે ‘અમે સંઘના ઉપાશ્રયમાં તેમને બેસવા માટે સોફાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ડૉ. બુ અબદુલ્લા તો આખા પ્રસંગમાં હું ગુરુમહારાજનાં ચરણોમાં જ બેસીશ કહીને સાહેબજીનાં ચરણોમાં જ બેસી રહ્યા હતા. આપણે લોકલમાં જ રહેવા છતાં ગરુમહારાજને‍ ચાતુર્માસ-પ્રવેશ પ્રસંગે બિઝનેસને છોડીને હાજરી આપી શકતા નથી ત્યારે ડૉ. બુ અબદુલ્લા આટલા મોટા  બિઝનેસમૅન હોવા છતાં અને તેમનો બકરી ઈદનો તહેવાર હોવા છતાં દુબઈથી ફક્ત ગુરુમહારાજના ચાતુર્માસ-પ્રવેશ માટે હાજર થયા હતા.’

ગુરુપૂજનના ચડાવવાનો આદેશ લીધો
ચાતુર્માસ-પ્રવેશ સમયે સંઘમાં પરંપરા મુજબ આચાર્ય મહારાજસાહેબને ગુરુવંદન કરવાનો આદેશ આપવામાં આવે છે. આ માહિતી આપતાં શૈલેષ શાહે કહ્યું હતું કે ‘અમે જ્યારે ગુરુમહારાજના ગુરુવંદનના આદેશ બોલવાની શરૂઆત કરી ત્યારે ડૉ. બુ અબદુલ્લા પણ બોલી બોલતા હતા. તેમણે ઊંચી બોલી બોલીને આચાર્ય કીર્તિપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબના ગુરુવંદનનો આદેશ લીધો હતો. અમારે ત્યાં પધારેલા આચાર્ય કીર્તિપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય તપપ્રભવિજયજી મહારાજસાહેબ પ્રવેશ પછી દરેક ચાતુર્માસમાં કોઈ ને કોઈ મોટી સાધના કરતા હોય છે. આ નિમિત્તે પણ ચડાવો બોલવામાં આવે છે. આ ચાતુર્માસમાં તેમની સાધના નિમિત્તે અખંડ દીપકનો ચડાવો બોલાવવામાં આવ્યો હતો. એનો આદેશ પણ ડૉ. બુ અબદુલ્લાએ લઈને જિનશાસનની પ્રભાવના કરી હતી. તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.

આશીર્વાદ લેને આતા રહૂંગા 
સામાન્ય સંજોગોમાં ચાતુર્માસ ચાર મહિનાનું હોય છે, પરંતુ આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્મા સ પાંચ મહિનાનું છે. આ સંદર્ભમાં ડૉ. સંયમપ્રભવિજયજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘ડૉ. બુ અબદુલ્લા ટૂંક સમયમાં જૈન સાધુના પરિચયમાં એટલા બધા નિકટ અને આત્મીય બની ગયા છે કે તેમણે અમને કહ્યું છે કે પાંચ મહિનાના ચાતુર્માસ દરમિયાન મારે લાયક જિનશાસન માટે કંઈ પણ કામ હોય તો મને ચોક્કસ જણાવજો. બાકી આ જ પછી પણ ગુરુમહારાજના આશીર્વાદ લેવા માટે અમદાવાદ આવીશ. એટલું જ નહીં, આવતા વર્ષના ચાતુર્માસ-પ્રવેશમાં પણ હું ચોક્કસ હાજરી આપીશ.’   

jain community dubai ahmedabad mumbai mumbai news rohit parikh