19 November, 2026 07:23 AM IST | Mumbai | Ruchita Shah
AI ઇમેજ
સ્ટેટ બ્લડ-ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ (SBTC) અને હેલ્થ એક્સપર્ટ્સના ડેટા મુજબ મુંબઈની બ્લડ-બૅન્કો અને હૉસ્પિટલોની દરરોજની ઍવરેજ પ૦૦થી ૧૦૦૦ યુનિટ બ્લડની જરૂરિયાત હોય છે જે કેટલીક ઇમર્જન્સી પરિસ્થિતિમાં વધીને ૧૪૦૦ યુનિટ સુધી પણ પહોંચી જતી હોય છે. જોકે વર્ષોનો સિલસિલો છે જેમાં દિવાળી બાદ બ્લડની ભારે અછત સર્જાય. નિયમિતપણે થતા બ્લડ-કૅમ્પના આયોજનોને દિવાળી દરમ્યાન બ્રેક લાગે અને મોટા ભાગના લોકો પણ ફેસ્ટિવલ મૂડમાં હોય અથવા ટ્રાવેલ કરવા માટે નીકળી પડ્યા હોય એટલે બ્લડ આપવા માટે પહોંચી શકતા નથી. ટૂંકમાં પરિસ્થિતિ એ સર્જાય છે કે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં મુંબઈમાં બ્લડની અછત રહેતી હોય છે, પરંતુ છેલ્લાં થોડાંક વર્ષની તુલનાએ આ વર્ષ પરિસ્થિતિ વધુ ગંભીર છે. ઘણા દરદીઓની સર્જરીઓ પોસ્ટપોન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે બ્લડ-બૅન્ક પાસે બ્લડનો સ્ટૉક પૂરો થયો છે. નેગેટિવ બ્લડ ગ્રુપનું બ્લડ તો આમેય અછતમાં હોય છે જે આ વખતે સંપૂર્ણ ન મળે એવી સ્થિતિમાં છે. આ પરિસ્થિતિને સમજીને આ રવિવારે એસ.આર. મહેતા કીકાભાઈ હૉસ્પિટલ, સાયન હૉસ્પિટલ, અન્વિશ્કા બ્લડ-બૅન્ક અને સમર્પણ બ્લડ-બૅન્કના ઉપક્રમે સન્ડે ફ્રેન્ડ્સના સપોર્ટથી એક વિશિષ્ટ બ્લડ ડોનેશન કૅમ્પ યોજાવા જઈ રહ્યો છે.
કટોકટીને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી ધોરણે આયોજન કરાયેલા આ બ્લડ-કૅમ્પ વિશે માહિતી આપતાં સન્ડે ફ્રેન્ડ્સના અગ્રણી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી પાસે છેલ્લા થોડાક દિવસોથી બ્લડની જરૂરિયાતના પુષ્કળ ફોન આવી રહ્યા છે અને ચારેય બાજુ પ્રયાસ કરવા છતાં બ્લડ ઉપલબ્ધ થઈ નથી રહ્યું. ફેસ્ટિવલ ઉપરાંત હવે બ્લડ-બૅન્કને લગતા નિયમોમાં આવેલી સખ્તાઈને કારણે અમુક બ્લડ-બૅન્ક ટેમ્પરરી ધોરણે બંધ થઈ છે. અત્યારની સ્થિતિ વધુ ગંભીર જણાતાં તાત્કાલિક ધોરણે શું કરી શકાય એ વિશે વિચારતાં બ્લડ ડોનેશન કૅમ્પ ઉચિત પર્યાય દેખાયો. અત્યારે બ્લડ ડોનેશન કૅમ્પ માટે હૉલ પણ નથી મળી રહ્યા. મોટે ભાગે અમે એક આખા દિવસના બ્લડ-કૅમ્પ માટે વ્યવસ્થાના પ્રયાસ કરતા હોઈએ છીએ, પરંતુ આ વખતે અડધા દિવસનો જ હૉલ મળ્યો છે. રવિવારે માટુંગાના સમતાબેન અમુલખ સભાગૃહમાં સવારે સાતથી અઢી વાગ્યા વચ્ચે બ્લડ ડોનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.’
બ્લડ ડોનેટ કરવા જજો જ જજો
ક્યારે? : રવિવાર, બાવીસ નવેમ્બરે સવારે સાતથી બપોરે અઢી વાગ્યા દરમ્યાન
ક્યાં? : સમતાબેન અમુલખ સભાગૃહ, ૭૬, આર. એ. કિડવાઈ રોડ, SNDT કૉલેજની પાસે, માટુંગા.
મુંબઈમાં અત્યારે અમારે કેટલાય દરદીઓને પાછા મોકલવા પડે છે, કારણ કે ખરેખર અમારી પાસે કોઈ પર્યાય નથી એમ જણાવીને ઘાટકોપરમાં આવેલી દીપક ફાઉન્ડેશન અંતર્ગત ચાલતી અન્વિષ્કા બ્લડ-બૅન્કના ડૉ. રમેશ શાહ કહે છે, ‘દર વખત કરતાં આ વખતે પરિસ્થિતિ વધુ વણસેલી છે. સામાન્ય રીતે દિવાળીમાં બ્લડનો સ્ટૉક ઓછો હોય પણ થોડોક ફ્લો તો ચાલુ જ રહે. પ્લસ બ્લડ એ બહુ લાંબો ટાઇમ સ્ટૉર કરી શકાય એવી કૉમોડિટી નથી જેથી ખબર હોય છતાં વધુ પડતો સ્ટૉક ન કરી શકાય. અત્યારે મુંબઈભરની હૉસ્પિટલોમાંથી દરદીઓ આવતા હોય છે જેમને બ્લડની જરૂર છે પણ અમારે તેમને ખાલી હાથે પાછા મોકલવા પડતા હોય છે. હજી બે દિવસ પહેલાં જ એક ઇમર્જન્સી કેસ હતો જેમાં મુંબઈની પંદરેક બ્લડ-બૅન્કમાં ચેક કર્યા પછી અમારી પાસે પેશન્ટ આવ્યો હતો, લકીલી અમારી પાસે એ બ્લડ-ગ્રુપનું બે યુનિટ બ્લડ હતું એટલે આપી શક્યા, પણ આવા તો કેટલાય દરદીઓ છે જેમની ટ્રીટમેન્ટને અસર થઈ છે.’
મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં ઍડ્મિટ દરદીઓની સ્થિતિ વધુ કથળી છે, જેમ કે સાયન હૉસ્પિટલમાં દરરોજની ૯૦થી ૧૨૦ યુનિટ બ્લડની જરૂરિયાત હોય છે પણ બ્લડની ભયંકર અછતને કારણે દરદીઓની સર્જરી પોસ્ટપોન કરવાનો વારો આવ્યો છે. સાયન બ્લડ-બૅન્કના કમ્યુનિટી ડેવલપમેન્ટ ઑફિસર શુભમ ભોઈ કહે છે, ‘ઍક્સિડન્ટલ કેસને અમે પ્રાયોરિટી આપી રહ્યા છીએ, પરંતુ એમાંય પૂરતો સ્ટૉક નથી. કેટલાક બ્લડ-ડોનર્સ ઇમર્જન્સી માટે સ્ટૅન્ડબાયમાં છે જેથી બહુ જ સ્થિતિ ગંભીર હોય તો બોલાવી શકાય, પરંતુ અત્યારે તો એમાં પણ તકલીફ પડી રહી છે. રિલેટિવ્ઝ બ્લડ માટે દોડાદોડ કરી રહ્યા છે.’