અલવિદા હેમુદાદા

09 September, 2026 07:47 AM IST  |  Mumbai | Vasant Maru

હેમરાજ શાહના જીવન પરથી હેમુદાદા નામના નાટકનું સર્જન કરનારા વસંત મારુની શબ્દાંજલિ

ડૉ. હેમરાજ શાહ

વર્ષ હતું ૧૯૪૦નું. બીજું વિશ્વયુદ્ધ ચરમસીમા પર હતું. કપાસના વ્યવસાયમાં ચિક્કાર તેજી હતી એ સમયે છેક કચ્છના વાગડ વિસ્તારમાં સામખિયારી ગામમાં વિરમ હરઘણ છેડા કપાસના કારોબારમાં રચ્યાપચ્યા રહેતા. એવા તેજીના સમયે તેમનાં પત્ની ધનલક્ષ્મીબહેને છઠ્ઠા સંતાનને જન્મ આપ્યો. સોના જેવા તેજીના સમયે જન્મેલા બાળકનું નામ પાડ્યું હેમરાજ. 

બાળક હેમરાજ હજી માંડ એક વર્ષનું થયું ત્યાં માતા ધનલક્ષ્મી અને પિતા વિરમબાપાનું અચાનક અવસાન થયું. રૂના પૂમડા જેવા બાળક હેમરાજના માથેથી માતા અને પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ. દાદી અને મોટાં બહેને સવાયાં મા બની હેમરાજને હેતથી નવડાવી દીધો. મોટાં ભાઈ-ભાભીઅે માતા-પિતાની ફરજ નિભાવી.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થવાનું હતું ત્યારે ૬ વર્ષના હેમરાજને લઈ મોટાં ભાઈ-ભાભીએ મુંબઈ આવીને તાડદેવ વિસ્તારમાં વ્યવસાય શરૂ કર્યો અને એક મ્યુનિસિપલ સ્કૂલમાં બાળ હેમરાજને દાખલ કર્યો. કોઈએ વિચાર્યું નહીં હોય કે મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતો આ અનાથ બાળક એક દિવસ મુંબઈના ગુજરાતીઓનો મસમોટો નેતા બનશે, ઊર્જાથી ઊછળતા દરિયા જેવા હેમરાજભાઈના હાથે નિયતિ અનેક લોકકલ્યાણનાં કાર્યો કરાવશે.

મ્યુનિસિપલ સ્કૂલમાંથી ગ્રાન્ટ રોડની સ્કૂલમાં અને ત્યાંથી માટુંગા બોર્ડિંગમાં બાળ હેમરાજને દાખલ કરવામાં આવ્યો અને માટુંગા બોર્ડિંગમાં હેમરાજભાઈની લેખક તરીકે, ચિત્રકાર તરીકે, અૅક્ટર તરીકે અને લીડર તરીકેની જબ્બર પ્રતિભા પાંગરી. બાળપણમાં એકસાથે માતા-પિતાને છીનવી લેનાર ઈશ્વરે એક મુઠ્ઠી ઊર્જા સૂર્યદેવ પાસેથી લઈને હેમરાજમાં નાખીને પોતાની ભૂલ જાણે સુધારી લીધી અને બાળક હેમરાજ ઊર્જા અને ઉત્સાહથી છલકાવા લાગ્યા.

હેમરાજભાઈ ભણવામાં તો ટૉપર હતા જ, પણ માટુંગા બોર્ડિંગમાં તેમનામાં લખવાની કળા એટલે સુધી પાંગરી કે બોર્ડિંગના વીકલી મૅગેઝિન ‘ઝંકાર’ના તંત્રી બની ગયા.
લેજીમ અને હુતુતુ્તુમાં ચૅમ્પિયન બન્યા. વાયલિન વગાડતાં પણ શીખ્યા, બોર્ડિંગનું બૅન્ડ આખા મુંબઈમાં વખણાતું. એ બૅન્ડમાં વગાડવામાં પણ હેમરાજભાઈએ નિપુણતા મેળવી.
હેમરાજભાઈના ચિત્રકામ પર ટીચર્સ આફરીન પોકારતા. તેમની આ બધી કળાઓ અને ભણવામાં તેજસ્વી હેમરાજભાઈને જોઈ ટીચર્સે તેમને બોર્ડિંગના હેડ વિદ્યાર્થી બનાવી દીધા ત્યારે ટીચર્સને પણ અંદાજ નહીં આવ્યો હોય કે બોર્ડિંગનો હેડ વિદ્યાર્થી એક દિવસ સમગ્ર ગુજરાતી સમાજનો હેડ બની જશે.

તેમના જીવનમાં એક શુભ અવસર આવી પહોંચ્યો. તેમની અૅક્ટિંગ જોઈ બોર્ડિંગના એક ટીચરે તેમને હિન્દી ફિલ્મમાં કામ અપાવ્યું. એ જમાનાની સુપરહિટ હિન્દી ફિલ્મ ‘અપના ઘર’માં બાળ કલાકાર તરીકે હેમરાજભાઈઅે જાણીતી અભિનેત્રી નંદા સાથે અભિનય કરીને નિર્માતાઓનું ધ્યાન ખેચ્યું.

તેમનો ચૉકલેટી ચહેરો, ગોરો વાન અને અૅક્ટિંગ જોઈને નિર્માતાઓને લાગતું હતું કે મોટો થઈને જરૂર નામી અૅક્ટર બનશે, પણ ૬૭ વર્ષ પહેલાં કચ્છ વાગડનો કોઈ માણસ ફિલ્મલાઇનમાં જાય અે વિચારી નહોતું શકાતું અને આમેય તેમનો પહેલો પ્રેમ ચિત્રકામ હતું એટલે જ મૅટ્રિકમાં ટૉપ ક્લાસ પાસ થઈ જે.જે. સ્કૂલ ઑફ આર્ટમાં ઍડ્‍મિશન લીધું.
ઇન્ટર સુધી ભણ્યા ત્યાં એ સમયના રિવાજ પ્રમાણે તેમનાં લગ્ન ભચાઉનાં કેસરબહેન સાથે લેવાયાં. બન્નેનો મધુર સંસાર રચાયો. દીકરી રેખા, દીકરા ઉદય અને અરવિંદથી કુટુંબ કિલ્લોલ કરતું થયું. સ્ટેશનરીની દુકાન ને પછી રેખા પ્રકાશન દ્વારા આર્થિક સમૃદ્ધિ મળતી ગઈ.

પણ આ માનવીનો પિંડ વેદનાના વલોપાતમાંથી ઘડાયો છે. બાળઅવસ્થામાં માતા-પિતા પછી વાઇફ કેસરબહેન અને પછી વહાલસોઈ દીકરી રેખા, આ બધાં જ સ્વજનોના અવસાનથી તે તૂટી પડ્યા; પણ એ દુઃખમાંથી જન્મેલા લેખક હેમરાજ શાહે કલમને જાણે છૂટો દોર આપ્યો.

૬૦થી વધુ પુસ્તકો તેમણે લખ્યાં. એમાંથી અમુક પુસ્તકો મરાઠીમાં તો અમુક ઇંગ્લિશમાં રૂપાંતર પામ્યાં. એક વેપારીએ આટલું અધધધ લખ્યું હોય એવી ગુજરાતી સાહિત્યમાં પહેલી ઘટના હશે. તે પત્રકાર ઉપરાંત અખબારોના કૉલમનિસ્ટ પણ હતા. આ રીતે આ કચ્છી વેપારી બચ્ચાએ અલગ રીતે કચ્છ વાગડની ધાક જમાવી દીધી.

ઋજુ સ્વભાવના હેમરાજભાઈ સંબંધોના માણસ. ગુજરાતના કલાકારોથી લઈ લોકકલાકારો, મોટા-મોટા રાજનેતાઓ સાથે સંબંધો બાંધી જાળવી રાખ્યા. આ સંબંધોનો ઉપયોગ મુંબઈની ગુજરાતી પ્રજાના પરમાર્થ માટે કર્યો છે. પરિણામે પચાસેક વર્ષ પહેલાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની સ્થાપના કરી.

પોતે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)માં પદ પર હોવાથી અંધેરી-વેસ્ટના લોખંડવાલા વિસ્તારમાં પ્લૉટ મેળવી ગુજરાતી ભવનનું નિર્માણ કરવા પુરુષાર્થ આદર્યો. આજના જમાનામાં મુંબઈમાં પ્લૉટ મેળવી ગુજરાતી ભવન બાંધવું એટલે સરકારી ખાતાંઓમાં ચંપલ ઘસાઈ જાય ત્યાં સુધી સ્ટ્રગલ કરવી, પછી ભવન નિર્માણ માટે મસમોટું ફન્ડ ભેગું કરવું એ જેવું તેવું કામ નથી; પણ પડકારોને પડકારનાર હેમરાજભાઈએ ગુજરાતીના એક પરાક્રમી નેતા તરીકે નવનીત ગુજરાતી ભવનને ધમધમતું કર્યું.

વાગડ કલા કેન્દ્ર, સામખિયારી યુવક મંડળ અને બીજી સંસ્થાઓમાં પાયાના પથ્થર હતા જ. મુંબઈમાં પણ વાગડ સમાજની પોતાની એક વાડી હોય એવું સ્વપ્ન તેમણે જોયું. જીદપૂર્વક વર્ષો સુધી વાગડવાડી માટે પ્લૉટથી લઈ બીજી અનેક ગોઠવણો કરી. લોખંડવાલા વિસ્તારમાં ચંપાવાડી તરીકે ઓળખાતી આ વાડી પ્રવૃતિઓથી ધમધમે છે. એના નિર્માણ માટે ચાંપસી દેવસી નંદુએ તેમને પીઠબળ આપ્યું. અત્યારે એ સમાજવાડીનું સંચાલન વિનોદ ગડાઅે કરી હેમરાજભાઈ અને ચાંપસીબાપાનાં સપનાંને પાંખો આપી છે.

મુંબઈમાં એક ઘર લેવું હોય તોય આખી જિંદગી ખર્ચી નાખવી પડે છે ત્યારે સમાજ હિતાર્થે બે મહાકાય સંકુલ ઊભાં કરી ધમધમતા કરનાર હેમરાજભાઈ જગતમાં ફેલાયેલા સફળ ગુજરાતીઓને ગોતીને ગિરનાર અવૉર્ડથી નવાજી ગુજરાતીઓને ગર્વીલા બનાવ્યા છે. ભારતભરમાં ફેલાયેલા સફળ કચ્છીઓને કચ્છ શક્તિ અવૉર્ડથી નવાજી તેમને સમાજ સાથે જોડવાનું કાર્ય કર્યું છે. 
તેમણે આપણને દર વર્ષે ગુજરાતી ભાષા દિવસ કે કચ્છી ભાષા દિવસ ઊજવતા કરી દીધા છે. કૉલમલેખક તરીકે દરજ્જો મેળવ્યો છે. કલાકારોના સન્માનથી લઈ નવરા‌િત્ર ઉત્સવો, નિબંધ અને વાર્તાલેખન સ્પર્ધાઓ, મહારાષ્ટ્ર સાહિત્ય અૅકૅડમી... ગણ્યા ગણાય નહીં એટલાં કાર્યોથી ઝળાહળ થઈ રહ્યા છે.

તેમને તેમની વિદાયનો અણસાર આવી ગયો હતો એટલે તેમણે મને પોતાના જીવન પરથી એક નાટક ‘હેમુદાદા’ બનાવવાની પરવાનગી આપી હતી. થોડાક મહિના પહેલાં રજૂ થયેલા ‘હેમુદાદા’ નાટકના વિવિધ વિસ્તારમાં પ્રયોગ થયા ત્યારે દરેક પ્રયોગમાં તે રુદન કરતા. મેં દરેક શોમાં રડતાં-રડતાં અસંખ્ય કાર્યો કરાવવા માટે ઈશ્વરનો આભાર માનતા તેમને જોયા છે. પર્યુષણ પર્વના પ્રથમ દિવસે આ જગતમાંથી હેમરાજભાઈએ વિદાય લીધી એ પણ ઈશ્વરીય સંકેત છે.

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળની શ્રદ્ધાંજલિ

મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ પરિવારને અત્યંત આઘાત સાથે જણાવવાનું કે આપણા સૌના પરમ આદરણીય, ગુજરાતી સમાજના ભીષ્મ પિતામહ સમાન, પ્રખર દીર્ઘદ્રષ્ટા અને નિઃસ્વાર્થ સમાજસેવક હેમરાજ શાહનું દુઃખદ અવસાન થયું છે.
ગુજરાતી સમાજે આજે એક યુગપુરુષ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓને એકસૂત્રમાં બાંધીને એકસંઘ રાખવાના ઉમદા વિચાર સાથે મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ તેમ જ મહારાષ્ટ્રના બૃહદ ગુજરાતી સમાજોની સ્થાપના કરવાનું ઐતિહાસિક અને ગૌરવવંતું શ્રેય માત્ર અને માત્ર હેમરાજભાઈને જ જાય છે. તેમની દૂરંદેશીને કારણે આજે મહારાષ્ટ્રભરમાં ગુજરાતી સમાજ એક મજબૂત સંગઠન તરીકે ઊભો છે.
તેમનું સમગ્ર જીવન સમાજને સમર્પિત હતું. ૮૬ વર્ષની ઉંમરે પણ જે સ્ફૂર્તિ અને તરવરાટથી તેઓ સમાજનાં કાર્યોમાં સક્રિય રહેતા હતા અે આજના નવયુવાનોને પણ પ્રેરણા આપે અેવું હતું. સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં - શિક્ષણ, વ્યાપાર, કળા, સેવા, સાહિત્યમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નામાંકિત વ્યક્તિઓને શોધીને છેલ્લાં ૪૦ વર્ષથી સતત સન્માનિત કરવાની તેમના મનની ઉમદા ખેવના આજ દિન સુધી અવિરત ચાલુ રહી છે જે તેમની સમાજ પ્રત્યેની નિસ્બતનો ઉત્તમ દાખલો છે.
તેમની ખોટ ક્યારેય પૂરી શકાય અેમ નથી. પ્રભુને પ્રાર્થના કરીએ કે દિવંગત આત્માને ચિર શાંતિ અર્પે અને તેમના પુત્રો ઉદયભાઈ તથા અરવિંદભાઈ અને સમગ્ર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
પ્રમુખ - જયપ્રકાશ પારેખ (નાગપુર)
ઉપપ્રમુખ - મુકેશ મહેતા (સોલાપુર)
મહામંત્રી - રાજેશ શાહ (પુણે)
મંત્રી - અૅડ. સંજીવ વાણી (ધુલિયા)
ખજાનચી - લખમશી શાહ (મુંબઈ)
તથા મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ પરિવાર. 

mumbai news mumbai gujaratis of mumbai gujarati community news kutchi community celebrity death