29 February, 2024 11:30 AM IST | Mumbai | Mehul Jethva
ફ્રૉડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીમાં રહીને એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા યુવાનને શૅરબજાર વિશેની ટિપ આપવાનું કહીને શૅરમાર્કેટમાં રોકાણ કરાવી ૩૩.૨૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ડોમ્બિવલી-પૂર્વમાં વિકો નાકા નજીકની એક સોસાયટીમાં રહેતા અને ગોરેગામની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા ૪૦ વર્ષના હેમાંશુ શાહે કરેલી ફરિયાદ અનુસાર ૯ જાન્યુઆરીએ બપોરે તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅરમાર્કેટમાં ટ્રેડિંગ વિશેની એક પોસ્ટ જોઈ હતી, જેમાં ટ્રેડિંગ વિશેની માહિતી મેળવવા માટે વૉટ્સઍપ ગ્રુપની લિન્ક આપવામાં આવી હતી. એ સમયે લિન્કને સ્પર્શ કરતાં ફરિયાદી સ્ટૉકમાર્કેટ પ્રૉફિટ કમ્યુનિટી વૉટ્સઍપ ગ્રુપમાં જોડાયો હતો. ત્યાર બાદ એ ગ્રુપના ઍડ્મિને એક લિન્ક મોકલીને અકાઉન્ટ ખોલવા કહ્યું હતું. એ મુજબ ફરિયાદીએ એ લિન્ક દ્વારા ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદ તેમને વૉટ્સઍપ ગ્રુપ પર કેવી રીતે વેપાર કરવો અને કયા ખાતામાં પૈસા મોકલવા એની માહિતી આપવામાં આવી હતી. એ અનુસાર ફરિયાદીએ ૧૫ જાન્યુઆરીએ વૉટ્સઍપ ગ્રુપમાં મોકલેલા બૅન્ક-અકાઉન્ટ નંબર પર ૫૦,૦૦૦ રૂપિયા ઑનલાઇન મોકલ્યા હતા. એ પછી ટ્રેડિંગ માટે ખોલવામાં આવેલા અકાઉન્ટ પર ઉપલબ્ધ કંપનીઓના શૅર ખરીદતા હતા અને નફો તેમના ટ્રેડિંગ અકાઉન્ટમાં જમા થતો હતો. ત્યાર બાદ ફરિયાદીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમમાંથી ૧૩,૦૦૦ રૂપિયા ઉપાડી લીધા હતા. એટલે તેણે ટ્રેડિંગ અકાઉન્ટ પર વિશ્વાસ રાખીને પત્નીનું બૅન્ક-અકાઉન્ટ પણ આપ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ ધીરે-ધીરે ૩૩,૨૮,૬૦૦ની રકમ ઑનલાઇન મોકલી હતી. ફરિયાદીએ જ્યારે આ ટ્રેડિંગ અકાઉન્ટમાં જમા થયેલા પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પૈસા ઉપાડાતા નહોતા. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદીને સમજાયું હતું. માનપાડા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી આ છેતરપિંડીનો છેલ્લા એક મહિનાથી શિકાર થઈ રહ્યો હતો, જેમાં તેણે આશરે ૧૬ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે.’