27 April, 2026 08:19 AM IST | Mumbai | Lalit Gala
શ્રી જૈન અલર્ટ ગ્રુપ-ડોમ્બિવલીના કાર્યકરોની ટીમ, પાણી ભરવા માટે ઊભા રહેલા શ્રમિકો અને તેમને ગાળીને પાણી આપતા કાર્યકરો, શ્રમિકોને માટલાં અને એની નીચેનાં સ્ટૅન્ડ પણ આપવામાં આવ્યાં છે
ઉનાળાની આગ ઓકતી આ ગરમીના દિવસોમાં ઠંડું પાણી, જૂસ કે શરબત પીને લોકો પોતાની તરસ છિપાવતા હોય છે, પણ ઘણા લોકો માટે ઠંડું પાણી તો શું સાદા પીવાના પાણીના પણ વાંધા હોય છે. પીવાનું પાણી મેળવવા માટે તેમને ચાર-પાંચ કિલોમીટર દૂર સુધી જવું પડે છે અને જે પાણી મળે છે એ પણ પીવાયોગ્ય હોતું નથી. આ લોકોની તરસ છિપાવવાનું કાર્ય શ્રી જૈન અલર્ટ ગ્રુપ - ડોમ્બિવલી છેલ્લા એક મહિનાથી કરી રહ્યું છે.
પાણી પિવડાવવાના આ સેવાકાર્યનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે જણાવતાં શ્રી જૈન અલર્ટ ગ્રુપ - ડોમ્બિવલીના મુખ્ય કાર્યકર ભાવેશ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દર રવિવારે અમે તળોજા હાઇવે પાસે અલગ-અલગ વિસ્તારોમાં ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા આશરે ૨૫૦ શ્રમિકોને જમવાનું પીરસીએ છીએ. ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા આ કામદારો ઝૂંપડામાં રહે છે અને દિવસની ૧૦૦-૧૫૦ રૂપિયાની મજૂરી પર તેમનું જીવન નભતું હોય છે. જંગલ જેવા નિર્જન કહી શકાય એવા વિસ્તારોમાં રહેતા આ લોકો માટે ઉપર આભ અને નીચે ધરતી સિવાય કાંઈ હોતું નથી. રવિવારના અમારા જમણ-વિતરણના કાર્યક્રમ દરમ્યાન અમુક કામદારોએ અમને જણાવ્યું હતું કે અમને પીવાના પાણીની બહુ તકલીફ છે, પાણી મેળવવા માટે અમારે ચાર-પાંચ કિલોમીટર દૂર સુધી ચાલીને જવું પડે છે. ઉનાળાના દિવસોમાં અસહ્ય ગરમીમાં પાણીની ખપત વધી જાય છે. એમાંય પીવાનું પાણી શુદ્ધ નથી હોતું. તેમની આ વ્યથા સાંભળીને અમે એ બાબતે સર્વે કર્યો હતો અને ત્યાર બાદ અમારા ગ્રુપે પાણી પિવડાવવાના આ સેવાકાર્યનો આરંભ કર્યો હતો.’
પાણી સાથે માટલાં અને માટલા-સ્ટૅન્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એવું કહેતાં ભાવેશ મહેતાએ ઉમેર્યું હતું કે ‘જ્યારે અમે સર્વે કર્યો ત્યારે અમને ખબર પડી કે તેઓ બાલદીમાં ભરેલું પાણી પીએ છે. પાણી પીવા માટે તેમની પાસે માટલાં પણ નથી જે આ ૩૮-૪૦ ડિગ્રીની ગરમીમાં પાણીને ઠંડું રાખી શકે. એ ઉપરાંત જે વિસ્તારમાં તેઓ રહે છે ત્યાં જમીન પણ અસમથળ છે જેથી માટલાં એના પર રાખતાં જ આડાં થઈને પડી જવાની શક્યતા રહે છે. એથી અમે માટલાં સાથે માટલા-સ્ટૅન્ડ પણ આપવાનું નક્કી કર્યું હતું. આશરે ૧૫૦ કુટુંબોને અમે માટલાં અને એનાં સ્ટૅન્ડનું વિતરણ કર્યું હતું. છેલ્લા એક મહિનાથી અમે દરરોજ ડોમ્બિવલીથી આશરે વીસથી ૨૫ કિલોમીટર દૂર આવેલા આ ઈંટની ભટ્ઠીવાળા એરિયામાં સવારે ૧૨૦૦ લીટર મિનરલ વૉટરનું ટેમ્પો મારફત વિતરણ કરીએ છીએ. એ ઉપરાંત જૈન ધર્મના નિયમ મુજબ અમે પાણી ગાળીને જ આપીએ છીએ. ઉનાળાની સંપૂર્ણ સીઝન સુધી અમારું આ કાર્ય ચાલતું રહેશે. આ સેવાકાર્યમાં અમને સર્વે જૈન સંઘો, દાતાઓ તેમ જ જૈન-અજૈન પરિવારોનો સારો સાથ-સહકાર મળી રહ્યો છે.’
યુવા હૃદયસમ્રાટ સ્વ. પૂજ્ય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ દ્વારા શ્રી જૈન અલર્ટ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. ફક્ત નિર્વ્યસની યુવાનોના બનેલા આ ગ્રુપ દ્વારા અવારનવાર લોકોની સેવા કરવા માટેના અનેક પ્રકારના કાર્યક્રમો યોજાય છે. ૨૫,૦૦૦થી વધુ યુવાનોનું સંગઠન ધરાવતા શ્રી જૈન અલર્ટ ગ્રુપની ભારતભરમાં આશરે ૨૫૦+ શાખાઓ છે.