પ્લેટમાં ડેઝર્ટની સાથે આવ્યો વાંદો! વિરારની જાણીતી રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ

02 September, 2026 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cockroach found on dessert plate at Barbeque Nation in Virar: વિરારની બાર્બિક્યુ નેશનમાં બર્થડે ડિનર દરમિયાન ડેઝર્ટની પ્લેટ પર જીવતો વંદો ફરતો હોવાનો વીડિયો એક ગ્રાહકે સોશિયલ મીડિયા પર કર્યો પોસ્ટ; ખાદ્ય સુરક્ષાના ધોરણો સામે લોકોમાં ભારે આક્રોશ

વાયરલ વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ્સ

વિરાર (Virar) સ્થિત એક લોકપ્રિય રેસ્ટોરન્ટમાં બનેલી એક ઘટનાએ કમર્શિયલ હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં જાળવવામાં આવતી સ્વચ્છતાના ધોરણો સામે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ગયેલા એક ગ્રાહકે સ્વીટ્સ સેક્શન પાસે વંદો જોતાં જ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ ખાદ્ય પદાર્થોની સ્વચ્છતા અને ગ્રાહકોની આરોગ્ય સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાલઘર (Palgahr) જિલ્લાના વિરાર સ્થિત બાર્બિક્યુ નેશન (Barbeque Nation) આઉટલેટમાં બર્થડે ડિનર દરમિયાન ડેઝર્ટની પ્લેટમાંથી જીવતો વંદો નીકળતાં ગ્રાહકે રેસ્ટોરન્ટની ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો (Viral Video) બનાવીને સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરતાં જાણીતી રેસ્ટોરન્ટ ચેઈન્સમાં સ્વચ્છતાના મુદ્દે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

જન્મદિવસની ઉજવણી દરમિયાન બફેટ પ્લેટમાં વંદો જોવા મળ્યો

આ ઘટના ૧૯ ઓગસ્ટના રોજ બની હતી (Cockroach found on dessert plate at Barbeque Nation in Virar), જ્યારે એક ગ્રાહક પોતાના પરિવાર સાથે બર્થડે ડિનરની ઉજવણી કરવા માટે વિરારના બાર્બિક્યુ નેશન આઉટલેટ પર ગયા હતા. ગ્રાહકના જણાવ્યા અનુસાર, બફેટ સેક્શનમાંથી મીઠાઈ લેતી વખતે તેમણે પીરસવાની એક પ્લેટ પર જીવતો વંદો ફરતો જોયો હતો.

ગ્રાહકે તુરંત જ પ્લેટ પર વાંદાનો આ વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને સ્થળ પર જ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સમક્ષ સ્વચ્છતાની ગંભીર બેદરકારી અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

સ્ટાફે માફી માંગવાને બદલે મામલો દબાવવાનો કર્યો પ્રયાસ

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતાં ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે, ઘટના બની ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે પરિસ્થિતિને ગંભીરતાથી લેવાના બદલે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટાફે આસપાસનું ભોજન તાત્કાલિક હટાવવા કે ઔપચારિક માફી માંગવાને બદલે લાપરવાહી દર્શાવી હતી.

ગ્રાહકે જણાવ્યું કે, પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સ ગુણવત્તાયુક્ત સેવા માટે ઊંચા ચાર્જ વસૂલે છે, તેથી ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા કડક જવાબદારી નક્કી કરવામાં આવે અને નિયમિત હેલ્થ ઓડિટ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ, FSSAI તપાસની માંગ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (Mumabi Metropolitan Region) ની હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં વારંવાર સામે આવતી અસ્વચ્છતા અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અનેક યુઝર્સે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) અને સ્થાનિક પાલિકાના આરોગ્ય અધિકારીઓને ટેગ કરીને સંબંધિત આઉટલેટ પર તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકે રેસ્ટોરન્ટ ચેઈન્સ સામાન્ય રીતે પેસ્ટ કંટ્રોલ કોન્ટ્રાક્ટ ધરાવતી હોય છે, પરંતુ જાહેર આરોગ્ય કાર્યકર્તાઓએ ઓપન-બફેટ સિસ્ટમમાં કીટકોના ત્રાસને રોકવા માટે દૈનિક સ્વચ્છતા પ્રોટોકોલનું સખત પાલન કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

virar hotel and restaurant food and drink food and drug administration viral videos social media maharashtra news mumbai mumbai news